હાલમાં જે ટેલિફોનિક બેસણામાં આપણે ફોન કરીને દિલાસો આપી દઈએ છીએ તે રીતે યોગ્ય નથી.
હકીકતમાં પુરેપુરી વિધિ સાથે આ કરવાની જરૂર છે. ધ્યાનથી સમજી લો….
***
સૌથી પહેલાં વોટ્સએપમાં જે ટેલિફોનિક બેસણાનું કાર્ડ આવ્યું છે તેને ખોલીને સદ્ગતનો ફોટો ઝૂમ કરીને મોટો કરો.
***
ત્યાર બાદ જે રીતે આપણે સદ્ગતના ઘરે જઈને તેમનાં સગાં-સંબંધીઓને નમસ્કાર કરતાં સદ્ગતના ફોટા ઉપર ફૂલ ચડાવીએ છીએ એ રીતે ફૂલ ચડાવો.
***
એ પછી ફોટા સામે થાળી મુકી છે એવી કલ્પના કરીને ત્યાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી જેટલી રોકડ રકમનો ફાળો મુકો.
***
એક મિનિટ, આ બધું કરતાં પહેલાં તમારે શુધ્ધ અને સફેદ વસ્ત્રો પહેરવાં જરૂરી છે. આવાં રંગીન ટી-શર્ટ અને ચટ્ટાપટ્ટાવાળ બર્મુડા નહીં ચાલે.
***
ઓકે. હવે તમે સદ્ગતના સ્નેહીજન પાસે જઈને બેસી રહ્યા છો તેવી મનોમન કલ્પના કરતાં કરતાં ઘરમાં પાથરેલી શેતરંજી પર બેસી જાવ.
***
દસેક મિનિટ શોકમગ્ન મોં રાખ્યા પછી હવે ફોન લગાડો !
(યુ સી ? બધું વિધિસર થવું જોઈએ.)
***
ફોનમાં પૂછો. ‘શું થયું હતું ?’
જવાબમાં સદ્ગતના સ્નેહી કાં તો આખી વારતા કહેશે કે ‘રાતે તો સારા જ હતા. સવારે ઊઠીને બ્રશ પણ કર્યું…’ વગેરે વગેરે. અથવા ટુંકમાં પતાવશે.. આ બધું ધીરજથી સાંભળો.
***
વચ્ચે વચ્ચે ‘ઇશ્ર્વરને ગમ્યું તે ખરું’ ‘સ્વભાવ કેટલો સારો હતો’ ‘વિલ કરીને ગયા છે ને’ એવાં ડબકાં મુકતા રહો.
***
છેવટે ફોન પુરો કરી બીજી પાંચેક મિનિટ બેસી રહ્યા પછી જ ઊભા થાવ અને સ્થાપના કરેલા મોબાઈલનું વિસ્થાપન કરો.
ઓમ શાંતિ શાંતિ શાંતિ…
***
ખાસ સૂચના : રિયલ બેસણામાં જઈને જે રીતે એક સાઈડે ભેગા થઇને ગામની પંચાત કરીએ છીએ તે પરંપરા જાળવી રાખવી હોય તો પાંચ મિત્રોને કોન્ફરન્સ કોલમાં ભેગા કરીને ઘેરબેઠાં પંચાત કરી લેવી.
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment