લગ્ન પ્રસંગે જે 200 મહેમાનોની લિમિટ હતી તે ઘટીને 100 થઈ ગઈ ! જો આમ જ ચાલ્યું તો આપણે કંકોતરીઓમાં નવાં વાક્યો ઉમેરવાં પડશે, જેમ કે…
***
માનનીય સ્નેહી શ્રી,
અમારા સુપુત્ર ફલાણાનાં લગ્ન ફલાણાની સુપુત્રી સાથે થવાનાં છે તેની માત્ર જાણ કરવા માટે આ કંકોતરી મોકલી છે !
***
વધુમાં અત્યંત દિલગીરી સાથે જણાવવાનું કે તમારું નામ શરૂઆતમાં 200ના લિસ્ટમાં હતું જ, પરંતુ 100 મહેમાનોની લિમિટ હોવાથી ભારે હૈયે આપના નામને ખસેડવું પડ્યું છે !
(આવું આઠસોએ આઠસો કંકોતરીમાં લખવાનું.)
***
હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વોટ્સએપમાં મોકલેલી આ કંકોતરીને રૂબરૂ મળ્યા સમાન ગણીને સ્વીકાર કરશો.
તમે પણ જે ચાંલ્લો ઓનલાઈન મોકલશો તેને અમે રૂબરૂ મળ્યા સમાન ગણીને સ્વીકારી લઈશું !
***
નવદંપતિની લગ્નવિધિ ફેસબુકમાં લાઈવ બતાડવામાં આવશે. તે વખતે ઓનલાઈન હાજરી આપીને, લાઈક કરીને, કોમેન્ટમાં નવદંપતિને આશીર્વાદ આપવા વિનંતી છે !
***
ખાસ નોંધ : જે સ્નેહીઓ લાઈવ વેબ-કોન્ફરન્સ દ્વારા લગ્નમાં હાજરી આપવા માગતા હોય તેમણે લગ્નપ્રસંગને લાયક વસ્ત્રો જરૂરથી પહેરવાં ! બર્મુડા – બનિયાનમાં હાજરી ના આપશો, પ્લીઝ !
***
સૌથી અગત્યની નોંધ :
સહુ ઓનલાઈન મહેમાનોને નીચે આપેલા અમારા કેટરર્સના નંબર ઉપર ફોન કરીને લગ્નનું ભોજન ઘેરબેઠાં મંગાવી લેવા વિનંતી છે.
એનાથી પણ અગત્યની નોંધ :
ભોજન કર્યા પછી ઓનલાઈન પેમેન્ટ વડે ચાંલ્લો અને કુરિયર વડે ગીફ્ટ મોકલવાનું ભૂલતા નહીં ! શુભ મંગલ સાવધાન…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment