કોરોનાને કારણે ફરી કરફ્યુ લાગી ગયો ! રહી રહીને વિચાર આવે છે કે જુના કરફ્યુ અને નવા કરફ્યુમાં કેટલો બધો ફરક છે...
જુના કરફ્યુમાં…
જે લોકો પથ્થરમારો કરતા હોય, તોડફોડ કરતા હોય એવા લોકોને ઘરભેગા કરવા માટે કરફ્યુ નાંખવામાં આવતો હતો.
નવા કરફ્યુમાં…
જે લોકો ખરીદી કરવા નીકળે છે, કામધંધે જાય છે, ખાણીપીણી કરવા માટે બેઠા છે એવા લોકોને ઘરમાં રાખવા માટે કરફ્યુ નાંખે છે !
***
જુના કરફ્યુમાં…
જે લોકો આગ લગાડતા હતા, બોમ્બ ધડાકા કરતા હતા એવા લોકોને ડંડા પડતા હતા.
નવા કરફ્યુમાં…
જે લોકો ફટાકડા ફોડે છે, રોકેટો છોડે છે, ટિકડીઓ ફોડે છે એવા લોકોને ડંડા પડે છે !
***
જુના કરફ્યુમાં…
દારૂ પીને તોફાન મચાવનારને પકડી પકડીને બંધ કરી દેતા હતા. પછી દારૂનો ટેસ્ટ થતો હતો.
નવા કરફ્યુમાં…
દારૂ ના મળવાને કારણે ભટકી રહેલા લોકોને પકડીને બંધ કરે છે અને પછી કોરોના ટેસ્ટ કરે છે !
***
જુના કરફ્યુમાં…
તોફાનીઓ પોતે ઓળખાઈ ના જાય એટલા માટે મોં ઉપર બુકાની બાંધીને ફરતા હતા.
નવા કરફ્યુમાં…
મોં ઉપર કશું ના બાંધ્યુ હોય તો પોલીસ પકડીને 1000 રૂપિયાનું ચલાન ફાડે છે !
***
જુના કરફ્યુમાં…
‘તોફાન થવાનાં છે’ એવી અફવા ફેલાતાં જ દુકાનોનાં શટર બંધ થઈ જતાં હતાં અને લોકો ઘરભેગા થવા માટે નાસભાગ મચાવી મુકતા હતા.
નવા કરફ્યુમાં…
‘કરફ્યુ પડવાનો છે’ એવી ખબર ફેલાતાં જ દુકાનોમાં ભીડ જમા થવા લાગે છે અને લોકો ખરીદી કરવા માટે દોડધામ કરી મુકે છે !
***
જુના કરફ્યુમાં…
ટિયરગેસ અને લાઠીચાર્જ થતો.
નવા કરફ્યુમાં…
ટિયર્સ પતિની આંખોમાં... અને વેલણનું રિ-ચાર્જ પત્નીના હાથમાં આવી જાય છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment