અન્ય પૂતળાંઓનું ચિંતન !

વિષ્વના સૌથી ઊંચા એવા સરદાર વલ્લભભાઈના પૂતળા વિશે કોમેન્ટ્સ, ટીકા, વખાણ અને જોક્સ વાંચી લીધા હોય તો જરા મામૂલી પૂતળાં વિશે વિચાર કરીશું ?


ચાર રસ્તે, મેદાનમાં કે ફ્લાય ઓવરની નીચે ઊભેલાં આ પૂતળાંઓનું એક અનોખું ફિલોસોફીકલ ચિંતન  છે. જરા ધ્યાન આપો...

***

મરેલા લોકોનાં પથ્થરનાં પૂતળાં બને છે, જીવતા લોકોનાં મીણનાં પૂતળાં બને છે.

***

રાતના અંધારામાં મેં નાના ચોરોને સંતાતા જોયા છે, દિવસના અજવાળામાં મેં મોટા ચોરોને સન્માન મેળવતા જોયા છે.

***

પૂતળું હોવાના બે ગેરફાયદા છે.

એક, વરસે એકવાર હલકટમાં હલકટ લોકો તમને હાર ચડાવી જાય છે.

બે, બાકીના દિવસોમાં નિર્દોષ પક્ષીઓ તમારી ઉપર શૌચ કરી જાય છે.

***

હું આખી જિંદગી ‘નકારાત્મક સોચ’ સામે ઝઝુમ્યો હતો. હવે હું ‘હગારાત્મક શૌચ’ સામે ઝઝુમી રહ્યો છું.

***

પૂતળાંના પગ પલાળી જતાં કૂતરાંઓ સામે પૂતળાંની લાકડી પણ રક્ષણ આપી શકતી નથી.

***

‘બસ્ટ’ (હાથ વિનાનું પૂતળું)ની કમનીસીબી એ હોય છે કે પોતાને હાર પહેરાવનારને લાફો મારવાની ‘કલ્પના’ પણ કરી શકતું નથી.

***

ઓટલા ઉપર કે લોનમાં બેસાડી રાખેલું પૂતળું સુવિચારોની નહિ, પણ ‘સેલ્ફી’ની પ્રેરણા આપવા માટે જ હોય છે.

***

બાકી, પૂતળાની ઊંચાઈ બાબતે શું કહું ? પૂતળું પણ ‘મુઠ્ઠી ઊંચેરું’ હોય એ પુરતું છે.

***

- મન્નુ શેખચલ્લી

Comments