કોરોના હઠીલો વાયરસ કંઈ એમ સહેલાઈથી જાય તેમ લાગતું નથી ! દર વરસે આપણને કોરોના ન થાય એ માટે લાભપાંચમ પછી એક કોરોના સાતમ કરી લેવી જોઈએ, એવી અમારી સલાહ છે !
આ કોરોના સાતમ શી રીતે કરવી ?
***
કોરોના સાતમની સવારે સાત વાગે ઊઠીને ત્યાર પછીના સાત કલાક સુધી ‘આઈસોલેશન’માં એટલે કે અલગ રૂમમાં રહેવું.
***
સાંજે સાત વાગે સાત દીવા કરીને આખા ઘરમાં આરતી ફેરવવી. આમ કરવાથી વરસના બારે મહિનાના સાતેય વારે કોરોના દૂર રહેશે.
***
પ્રસાદમાં સાત જડીબુટ્ટી ધરાવો (૧) તજ (૨) લવિંગ (૩) એલચી (૪) મરી (૫) હળદર (૬) લીંબુનો રસ (૭) તુલસીનાં પાન.
***
ઉપર મુજબનો પ્રસાદ સાત ઘરોમાં જઈને સોશિયલ ડિસ્ટન્સ રાખીને વહેંચવો.
***
પ્રસાદ પહેલાં ‘ગો કોરોના ગો...’ એવા 107 જાપની આરતી કરવી. (આમાં ખાસ ધ્યાન રાખવું કે કોરોનાનો ‘ના’ છૂટો ના પડી જાય.)
***
ખાસ પતિની સુરક્ષા માટે દિવસ દરમ્યાન પતિ પાસે આખા ઘરમાં સાત વાર ફીનાઈલ અથવા જંતુનાશક દવા વડે પોતાં કરાવવાં.
***
પત્નીએ પોતાનાં ગળાં તથા શ્વસનતંત્રની ઇમ્યુનિટી વધારવા માટે મિનિમમ સાત મિનિટ સુધી મુંગા રહેવું પડશે.
***
કોરોના સાતમે સાંજે સાત વાગ્યા પછી ટીવીમાં પોતાને ગમતી વેબસિરીઝ અથવા સિરિયલ કમ સે કમ સાત મિનિટ માટે જોવી.
***
પોતપોતાના મોબાઇલમાં રિ-ચાર્જ કરાવીને મિનિમમ 107 મિનિટ માટે મોબાઈલ મચડવાનો રહેશે.
***
આ આખી વિધિ મિનિમમ 7 જણાને ફોરવર્ડ કરવાથી આવનારા 7 વરસ સુધી તમને કોરોના થવાની શક્યતા ઘટી જાય છે !
- જય કોરોના સાતમ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment