મહેશ-નરેશની જિંદગી ઉપરથી ફિલ્મ બનવી જોઇએ

મુંબઈના એક જાણીતા હોલમાં પ્રેક્ષકો બેકાબૂ બની રહ્યા હતા. અહીં ચાલી રહેલી એક ઓરકેસ્ટ્રા નાઈટના પ્રોગ્રામમાં લતા મંગેશકર પધારવાના હતાં પણ વિદેશ ગયેલાં લતાજી કોઈ કારણસર આવી શકે તેમ હતું જ નહીં. આ વાત ક્યાંકથી પ્રેક્ષકો સુધી પહોંચી ગઈ હતી. ‘પૈસા પાછા આપો’… ‘જુત્તાં મારો’… જેવી બૂમાબૂમ શરૂ થઈ ગઈ હતી.


એવા સમયે શોનું સંચાલન કરી રહેલા ચરિત્ર અભિનેતા ડેવીડે કહ્યું ‘પરદો પાડી દો !’ પરદાની બહાર આવીને તેમણે પ્રેક્ષકોને કહ્યું. ‘લતાજી આવી જ ગયાં છે. એમને થોડાં ફ્રેશ થઈ જવા દો... તમે જેટલી શાંતિ રાખશો એટલી જ ઝડપથી પ્રોગ્રામ શરૂ થશે.’

ધીમે ધીમે પ્રેક્ષકો શાંત થયા. હોલની લાઈટો બંધ થઈ. સ્ટેજ ઉપર પરદો એમ જ હતો પરંતુ અંદરથી ‘આરઝુ’ ફિલ્મના ગાયનનું પ્રિલ્યુડ મ્યુઝિક શરૂ થયું... ‘બેદર્દી બાલમા તુજ કો મેરા મન યાદ કરતા હૈ...’ આનો જે બુલંદ અવાજે આલાપ ગવાયો કે તરત પ્રેક્ષકો મંત્રમુગધ થઈ ગયા !

ગાયન ચાલતું રહ્યું... છેક પહેલો અંતરો પુરો થયો અને ફરી મુખડું ગવાઈ રહ્યું હતું ત્યારે ડેવીડે ઈશારો કર્યો ‘પરદો ખોલો....’ સામે જે દ્રશ્ય હતું તે જોઈને પ્રેક્ષકો દંગ થઈ ગયા !

એક કિશોરવયનો ગોરો સરખો છોકરો અદ્દલો અદ્દલ લતાજીના અવાજમાં ગાઈ રહ્યો હતો. તાળીઓનો ગડગડાટ થઈ ગયો ! ગીત પુરું થયું ત્યારે ડેવીડે પ્રેક્ષકોને પૂછ્યું ‘અબ બતાઈયે, લતાજી ચાહિયે,  યા યે ?’ નેચરલી, પ્રેક્ષકો આ ‘જાદૂઈ’ અવાજવાળા છોકરા ઉપર ઓવારી ગયા હતા !

દોસ્તો, એ તરૂણવયનો ગોરો સરખો છોકરો તે મહેશ કનોડિયા ! એમની અને એમના સંઘર્ષની કહાણીમાં એવા એવા વાસ્તવિક પ્રસંગો છે જે કોઈ વિદેશીને તો ફિલ્મી જ લાગે...

દારૂણ ગરીબીમાં ઉછરેલા કનોડિયા પરિવારમાં મહેશ અને નરેશ સહિત સાતેક ભાઈ બહેનો હતાં. નાનકડો નરેશ હજી માંડ જન્મ્યો જ હશે ત્યારે એની મા પથારીમાં જ મૃત્યુ પામી. તે વખતે બાળ નરેશ માને ધાવી રહ્યો હતો. તેને અણસાર સુધ્ધાં નહોતો કે મા મરી ગઈ છે ! એવા સમયે તેમના મોટા કાકાએ નરેશને માની છાતીએથી છોડાવીને મહેશના હાથોમાં સોંપતા કહ્યું હતું ‘આજથી તું જ એની મા !’

વધુ એક હૈયું વલોવી નાંખે એવી વાસ્તવિક ઘટના... એ સમયે તરૂણવયનો મહેશ મુંબઈમાં હતો. જુદા જુદા ઓરકેસ્ટ્રામાં ‘વૉઈસ ઓફ લતા’ના નામે તેને છૂટક કામ મળતું હતું. એવામાં સંજોગો એવા બન્યા કે બે ઓરકેસ્ટ્રા વચ્ચેની તકરારમાં મહેશ ક્યાંયનો ના રહ્યો. કામ નહીં, પૈસા નહીં, રહેવા માટે ખોલી પણ નહીં. એવી હાલતમાં મહેશ એક બિલ્ડીંગના બેઝમેન્ટમાં ભૂખ્યા પેટે સૂતો હતો.

સવારે ત્યાં કોઈ સામાજિક કાર્યક્રમ હશે એટલે એક રસોઈયો મોડી રાત સુધી પુરીઓ તળતો હતો. અત્યાર લગીની જિંદગીમાં ક્યારેય ભીખનો એક પણ પૈસો ના માંગનાર મહેશ પેટની ભૂખ સામે હારી ગયો. રસોઈયો સૂઈ ગયો પછી તેણે ચોરીને બે પૂરી ખાધી. છતાં છેક સવાર સુધી અંતરાત્મા ડંખતો રહ્યો. તેણે જઈને રસોઈયાને કહી દીધું કે ‘મેં તમારી પુરીઓ ચોરીને ખાધી છે !’

રસોઈયાએ, કહે છે કે, મહેશના માથે હાથ ફેરવતાં કહ્યું હતું ‘દિકરા, તારી આ જ ઇમાનદારી તને બહુ આગળ લઈ જશે..’ આવા તો કંઈક પ્રસંગો મહેશકુમાર અને નરેશ કનોડિયાની જિંદગીમાં બન્યા છે.

વળી, આ કહાણી એવી છે જે માત્ર અને માત્ર ભારતમાં જ જન્મી શકે, જ્યાં સંગીતની કોઈપણ જાતની શાસ્ત્રિય તાલીમ વિના એક જ પરિવારના બે છોકરા ( મહેશ અને નરેશ ઉપરાંત એમના ભાઈ દિનેશ અને સુરેશ પણ અચ્છા સાજિંદા હતા.) સફળતાની સીડી ચડીને એવા મુકામે પહોંચે જ્યાં ‘તાનારિરિ’ જેવી ફિલ્મનાં તમામ ગીતો શાસ્ત્રિય રાગો ઉપર આધારિત હોય !

કિસ્સાઓ તો અનેક હશે... બજારમાં કોઈ ફિલ્મની રેકોર્ડ આવે કે તરત ખરીદી લેતા હશે? કે પછી જે ગાયન હિટ જાય તેને વારંવાર વગાડી-સાંભળીને રિહર્સલો થતાં હશે ? (એ વખતે નોટેશન્સ લખતાં કે વાંચતાં કોને આવડતું હતું!) ‘સંગમ’માં રાજકપૂરે જે પિયાનો એકોર્ડિયન વગાડ્યું હતું તે જમાનામાં માત્ર સવાસો રૂપિયામાં આખો શો કરનારા મહેશ-નરેશે એટલું મોંઘુ, વિદેશથી આયાત થતું, વાજિંત્ર ખરીદવાનો મેળ શી રીતે પાડ્યો હશે ? અને હા, ‘જો ભી કહના હૈ સંગીત મેં કહિયે...’ વાળી બાંકેલાલની એ ‘મ્યુઝિકલ મિમિક્રી’ આઈટમનો આઇડિયા કોને અને શી રીતે સુઝ્યો હશે ?

આ બાંકેલાલની "સંગીત મેં બોલિયે.." વાળી મ્યુઝિકલ મિમિક્રી સુપરહિટ હતી. એમાં વાત એવી વણી લેવામાં આવી હતી કે બાંકેલાલ ઘણા બધા ગાયકો માટે ભોજન સમારંભ રાખે છે પણ ત્યાં નાના મોટા ગોટાળા થાય છે. ગાયકો ફરિયાદ કરવા આવે ત્યારે બાંકેલાલ કહે " ના ના, સંગીત મેં બોલિયે.." એમાં હેમંત કુમાર કહે છે, " લડ્ડુ થે મેરે લિયે, તૂને ક્યું ઉસ કો દિયે.." લતાજી કહે છે, " મોરી મીઠી ચટની લૈ લૈ, મોહે ખાટી ચટની દૈ દૈ.." વગેરે.

ખુશી, ગમ, હતાશા, આશા, સંઘર્ષ, સફળતા, ગરીબી અને ખુમારીની અણમોલ ઘટનાઓ જેમાં સમાયેલી છે.. જેમાં 'નેવર ગિવ અપ'ના મેસેજની સાથે સાથે સંગીત વડે 'આજનો લ્હાવો લિજીયે'ની પણ ફિલોસોફી છલકે છે એવી છે આ મહેશ-નરેશની કહાણી !

જો મહેશ-નરેશની કહાણી ઉપરથી ફિલ્મ બને તો તે એવાં અમર ફિલ્મી ગાયનોને એક સાચી શ્રધ્ધાંજલિ હશે, જે ગાયનોને કારણે દેશનાં હજારો મ્યુઝિશીયનોનાં પરિવારો ઘરો આજે પણ રોજી અને રોટી પામે છે.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment