ધનતેરસના દિવસે ધનની પૂજા કરવાનો મહિમા છે પરંતુ હવે કાળા અને ધોળા ધન ઉપરાંત પણ જુદી જુદી જાતનાં ધન આવી ગયાં છે ! જુઓ…
***
રિ-ચાર્જ ધન
સામાન્ય રીતે છોકરીઓના ખાસ બોયફ્રેન્ડો આ ધન આખા વર્ષ દરમ્યાન ગિફ્ટમાં આપે છે જે છોકરીની તમામ ટાઈપની ફ્રેન્ડશીપને રિ-ચાર્જ કરવામાં વપરાતું રહે છે.
***
કેશ-બેક ધન
‘આપેલું કદી એળે જતું નથી’ એવી કહેવતને સાર્થક કરતું ધન પુનઃ પ્રાપ્ત કરવા માટે પહેલાં આપવું પડે છે. વરસે દહાડે ‘અપ-ટુ’ 50,000 રૂપિયા ચૂકવવાથી ‘અપ-ટુ’ 5000 રૂપિયા પાછા મળે છે કે નહીં તે કોઈ ગણતું નથી.
***
ધોવાણ ધન
આ શેરબજારનું ધન છે. મુકેશ અંબાણીની સંપત્તિમાં રાતોરાત 55 કરોડનો વધારો થાય ત્યારે આપણું માર્કેટ કેપ પણ ગર્વથી ફૂલતી છાતી સમાન વધે છે અને બજારમાં કડાકો બોલતાં શેરધારકોની સંપત્તિમાં 2.5 લાખ કરોડનું ધોવાણ થાય ત્યારે આપણી ગંજી બનિયાનની પણ વગર સાબુએ ધોલાઈ થાય છે.
***
ભક્ત ધન
સોશિયલ મિડિયાના આ જમાનામાં માત્ર મોદી સાહેબ જ નહીં, હવે તો આલિયા અને માલ્યાના પણ ‘ફોલોઅર્સ’ યાને કે અનુયાયી એટલે કે ભક્તો છે. આ ધન વિના સ્ટાર સેલિબ્રિટીઓ ભિખારી બની જાય છે અને બિન-સેલિબ્રિટીઓ આ ધનના આભાસથી પોતાને સ્ટાર સમજવા માંડે છે.
***
પ્રતિકાર ધન
કોરોનાથી બચવા માટે અમુક લોકોએ જે ઉકાળા, કાઢા, ભસ્મ, પાવડર, વિટામિનો, દવાઓ, કસરતો લઈ લઈને જ પ્રતિકાર શક્તિ ભેગી કરી છે તે ધનવાન લોકોમાં જ જમા થઈ છે, ગરીબોમાં નહીં.
***
... અને ગોરધન
આ એક જાતનું સ્ત્રી-ધન છે જે સામાન્ય રીતે પત્ની પાસે હોય છે અને કોરોનાકાળમાં તે ખુબ ઉપયોગી હતું.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment