બિહાર અને અન્ય રાજ્યોમાં કોંગ્રેસની કારમી હાર પછી કોંગ્રેસની નેતાગિરી તો આઘાતમાં જ છે પરંતુ નીચેના લેવલના કોંગ્રેસીઓમાં ધીમે ધીમે વિચાર મંથન ચાલુ થયું છે….
***
બિહારના કોંગ્રેસીઓ વિચારે છે કે 70 સીટો ઉપર થી લડ્યા છતાં આપણે 19 સીટો ઉપરથી શી રીતે જીતી ગયા ?
***
અમુક બિહારી કોંગ્રેસીઓ માને છે કે આમાં નિતિશ સરકારનો કથળેલો વહીવટ જવાબદાર છે !
***
ગુજરાતના કોંગ્રેસીઓ વિચારી રહ્યા છે કે જો ભાજપ 8માંથી 5 કોંગ્રેસી પક્ષપલટુઓને ટિકીટ આપીને જીતાડી શકે છે તો હવે 183માંથી કેટલા કોંગ્રેસીઓને ચાન્સ છે ?
***
ગુજરાત કોંગ્રેસમાં એવી પણ ચર્ચા ચાલી છે કે ધાનાણી – ચાવડા રાજીનામું આપવાની ઓફર શા માટે કરી રહ્યા છે ? ક્યાંક 2022માં એમનું પણ પક્ષપલટાનું પ્લાનિંગ તો નથી ને ?
***
વિચાર મંથનમાં સૌથી ગહન પ્રશ્ન એ રમી રહ્યો છે કે ‘ગાંડો ચાલશે પણ ગદ્દાર નહીં’ એ સુત્રમાં ગદ્દાર તો સમજ્યા, પણ ‘ગાંડો’ કોણ ?
***
દરમ્યાનમાં અમુક કોંગ્રેસીઓ એ બાબતે ગહન ચિંતામાં છે કે ઇલેક્શન કમિશન દ્વારા પરિણામો જાહેર કરવામાં જે અસહ્ય વિલંબ થયો છે તેના કારણે કોંગ્રેસી નેતાગિરીની ઊંઘમાં અસહ્ય ખલેલ પહોંચી છે.
***
દરમ્યાનમાં અમુક અન્ય કોંગ્રેસીઓએ એ બાબતે ગર્વની લાગણી વ્યક્ત કરી છે કે પરિણામો પછી ફટાકડા નહિ ફોડીને તેમણે દેશના પર્યાવરણને શુધ્ધ રાખવામાં બહુ મોટું બલિદાન આપ્યું છે.
***
જોકે મોટા ભાગના કોંગ્રેસીઓની મોટામાં મોટી ચિંતા એ છે કે હવે તો રાહુલ ગાંધી એટલા બધા 'મેચ્યોર' થઈ ગયા છે કે એમને તો કેટલી બધી 'ચિંતા' થતી હશે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment