ઘરની સાફસફાઇ સાથે મોબાઇલની સફાઈ પણ કરવાની કે નહીં? જરા ધ્યાનથી વાંચજો..
***
સુવિચારોનો કચરો કાઢો
રોજ સવાર પડે ને દસ સુવિચારો આવીને પડ્યા જ હોય છે. ક્યાં સુધી આવા સુવિચારોને સંઘરી રાખશો ? અને સંઘરીને કરશો શું ? તમે એનાથી સુધર્યા ખરા ?
- તો કાઢો એ બધો કચરો બહાર !
***
કોરોના મટાડવાના ઉપાયો
કાઢા, ઉકાળો, મંત્રો, નાસ… બધા ઉપાયો શીખી તો લીધા ! છતાં જે જનાર હતા એ તો ગયા જ ને ? હવે તમે બચ્યા છો તો ભૈશાબ, ટેન્શન છોડો, માસ્ક પહેરો અને ડીલીટ કરો એ ઉપાયોને….
***
સેંકડો સેલ્ફીઓ
રોજની દસ દસ સેલ્ફીઓ અને જ્યાં ને ત્યાં લીધેલી ‘ગ્રુપીઓ’ સંઘરીને શું કરશો ? બીજાઓના બર્થ-ડે અને એનિવર્સરીના એક જ ટાઈપના ફોટાનો ક્યાં લગી ગુણાકાર કરશો ? એક સમય તો એવો જ આવવાનો છે જ્યારે કાં તો તમારો ફોન હેંગ થઈ જશે અથવા તમે !
***
જુનાં ગ્રિટીંગ્સની પસ્તી
છેલ્લા ચાર વરસનાં હેપ્પી ન્યુ યર અને હેપ્પી દિવાલીનાં વિઝ્યુ્લ સંઘરીને શું કરશો ? અથાણું ? યાર, નવાં ‘કોરોના’ દિવાલી કાર્ડઝ લોકો મોકલવાના જ છે ! એમાંથી ફોરવર્ડ કર્યા કરજો ને ?
***
ડબલા ડુબલી જેવાં એપ્સ
ઘરના માળિયાંમાં સત્તર જાતની એવી ચીજો પડી હોય જે વરસના વચલા દહાડે પણ કામમાં ના આવી હોય ! એ જ રીતે તમારાં એપ્સ પણ નકામાં ડબલાં ડૂબલીની માફક જગ્યા રોકે છે. સરકાર વળી કેટલાં એપ્સ ઉપર બાન મુકશે ? ‘સ્વનિર્ભર’ બનો !
***
કોન્ટેક્ટ્સની ધૂળ ખંખેરો
તમે જેને ગ્રીટીંગ્સ મોકલો છો એમાંથી તમને કેટલા લોકો યાદ કરે છે ? કેટલા કોન્ટેક્ટ્સ એવા છે જે ફક્ત દિવાળી ગ્રીટિંગ્સ વખતે જ યાદ આવે છે ?
જરા એમની ધૂળ ખંખેરો ! કાં તો એકાદ ફોન કરો અથવા તો એને જ ખંખેરીને દૂર કરો… હેપ્પી દિવાલી ઇન એડવાન્સ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment