એ જમાનાના un-plugged ગરબા

આજના યંગસ્ટર્સને તમે કહો કે એક જમાનામાં લોકો માઇક વિના, સ્પીકર્સ વિના, ડીજે વિના, પેન-ડ્રાઈવ વિના, ઓરકેસ્ટ્રા વિના, અરે, લાઈટો વિના અને ચણિયા-ચોળી કે કુર્તા-પજામા વિના જાણે ઘરેથી જરાક શાક લેવા નીકળ્યા હોઈએ એવાં સિમ્પલ કપડાંમાં ગરબા રમતા હતા, તો એ લોકોને થશે કે ઓકે, એવું નાના ગામડામાં થતું હશે…


બકા, ના હોં ! ઇન ફેક્ટ, ગામડાંઓમાં તો ખરેખર ચણિયા-ચોળી-ઓઢણી ચોયણો-ફાળિયું વગેરે પહેરીને ગરબે રમતા લોકો જોવા મળતા હતા ! આ તો શહેરો અને ટાઉન્સની વાત થાય છે. ઉલ્ટું શહેરોમાં તો ચણિયા-ચોળી ટાઈપના ગરબા ફક્ત સ્કુલોના વાર્ષિક સમારંભમાં અથવા ટાઉનહોલમાં થતી ગરબા-સ્પર્ધામાં જ જોવા મળતાં !

બાય ધ વે, આજના વડીલોને યાદ હશે કે હાથમાં લાકડી અને લાકડીના છેડે જાડી થાળી જેવા આકારનું ‘ટીપુણું’ નામનું એક વિચિત્ર સાધન ઝાલીને છોકરીઓ નિશાળના સિમેન્ટથી બનેલા મંચ ઉપર ફેન્સી ‘ટિપ્પણી’ નૃત્ય કરતી હતી ! આજે તો એ રમૂજી નૃત્ય પ્રકાર યુ-ટ્યુબમાં પણ શોધ્યો જડે એમ નથી.

બાકી, જે વડીલોએ એ જમાનાના ‘નો નોન્સેન્સ’ ગરબા જોયા છે એ લોકો જરૂર કહેશે કે હા હોં, શું અદ્‌ભૂત ગરબા થતા હતા ! અરે, અદ્‌ભુત બદભૂત તો તમે જાણો પણ ભૈશાબ, બહુ મહેનત કરાવતા હતા એ ગરબા !

એક તો માઈક-બાઈક કશું નહીં એટલે જે બહેનો ગરબા ગવડાવતી હોય તેણે ગરબે રમતાં પણ જવાનું અને ગાતાં પણ જવાનું. સૌને સરખી રીતે સંભળાય એટલા માટે ચાર-પાંચ બહેનો સાથે મળીને ગાતાં. આમાં આજની જનરેશન માટે સૌથી મોટી ચેલેન્જ એ ગણાય કે બધાંએ બધા ગરબા ‘મોઢે’ કરવા પડે ! (અહીં ફિલ્મી ગાયનો આખાં નથી આવડતાં ત્યાં ગરબાઓ શી રીતે યાદ રાખવાના ?)

અમુક શેરીઓમાં માત્ર બહેનો જ ગરબે રમતી. જ્યારે અમુક શહેરી તથા ગ્રામીણ લત્તાઓ, કોલોનીઓ કે સોસાયટીઓમાં (તે વખતે સોસાયટીઓ નવી નવી હતી) પુરુષો પણ સાથે ગરબા રમતા. અહીં  નિયમ તો સેઈમ હતો કે ભઈ, ગવડાવનારે જોડે જોડે રમવાનું તો ખરું જ !

હા, અમુક પુરુષ-મંડળીઓ એવી હતી જે મૂળે ભજન-મંડળીઓ પણ હતી, એ લોકો માતાજીના ફોટા પાસે જ્યાં પેલી ગરબીઓ રાખી હોય ત્યાં નજીક બેસીને ઢોલક, તબલાં, નરઘાં, મંજીરાં અને પખવાજના તાલે ગરબા ગવડાવતા.

હવે કહો, તબલાં અને નરઘાંમાં શું ફેર ?

અહીં જુવાનિયાઓને સમજાવવું પડે કે બકા, જેમ તમારા ડ્રમ અને ઓક્ટાપેડ અલગ વાજિંત્રો છે ને, એ રીતે તબલાં અને નરઘાં અલગ હોય. જોકે દેખાવમાં બન્ને સરખાં જ લાગે પણ તબલાનું ઊંચું ઊભું તુંબડું ‘તિરકીટ-તુમ, તિરકીટ-તુમ’ વાગે અને બાંયું (એટલે કે બેઠા ઘાટનું તુંબડું) ‘ધા, ધા, ધૂંમ, ધૂઉંમ’ વગેરે અવાજો કાઢી શકે. જ્યારે નરઘામાં બાંયું હોય તે ‘ધુમ્બ ધુમ્બા ધુમ્બ’ એવા જ અવાજો કરે અને દાયું (ઊભું) ‘તુમ્બ તુમ્બા તુંમ્બ’ એવા અવાજો કાઢે.આ નરઘાંવાળું ઓરકેસ્ટ્રા પણ યુ-ટ્યુબમાં શોધવું મુશ્કેલ છે, પણ છોડો.

જ્યાં એક તાળી અને ત્રણ તાળી સિવાયના કોઈ બીજા તાલ ના હોય... જ્યાં ડાંડિયામાં પંદર, અઢાર કે એકવીસ સ્ટેપને બદલે માત્ર અઢી સ્ટેપ બબ્બે વાર રીપીટ થતાં હોય... જેને લાઈટની ‘જોરદાર’ ફેસિલીટી કહેવાની હોય ત્યાં હકીકતમાં 100 વોલ્ટનો ગોળો જ હોય... બાકી તો પેટ્રોમેક્સ કે ફાનસના અજવાળે ગરબા રમાતા હોય... અરે, એકપણ ફિલ્મી ટ્યૂનનો ગરબો ના હોય... ત્યાં આજના વડીલોને શું મઝા પડતી હશે ?

- એ સવાલનો જવાબ વડીલો એક જ રીતે આપશે : “બકા, તને નહીં સમજાય  !”

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments