કલ TRP હો ના હો !

સરકારે તમામ ટીવી ચેનલોના TRPના આંકડા બહાર પાડવા ઉપર ત્રણ મહિના માટે પ્રતિબંધ મુકી દીધો છે. આ વાત ઉપર અંગ્રેજીમાં કટાક્ષલેખો લખતાં એક બહેને સજેશન આપ્યું છે કે “જ્યારે હવે TRP ગણવાના જ નથી તો આપણે ન્યુઝ ચેનલો ઉપર GDP અને GSTની ચર્ચા ના કરી શકીએ ?”


વાહ, બે ઘડી તો અમે ઇમ્પ્રેસ થઈ ગયા ! પછી થયું કે બહેન, માંડ માંડ આ દેશ કોરોના પછી આળસમાંથી બેઠો થયો છે ત્યાં ફરી એમને ક્યાં ઊંઘાડી દેવાની વાતો કરો છો ? આઈ મિન, અનિદ્રાના દરદીને અમુક ડોક્ટરો દૂરદર્શનના ન્યુઝ જોવાની સલાહ આપતા હોય છે, પણ આ તો –

ચાલો ધારી લઈએ કે ન્યુઝ ચેનલો GDP અને GSTની સ્ટોરીઝ કરવા માંડે… તો એ કેવી હોય ?

અચાનક ટીવીમાં દેખાશે ‘બ્રેકિંગ ન્યુઝ…. બ્રેકિંગ ન્યુઝ… રાતોંરાત નિકલ ગયા બાંગ્લાદેશ કા GDP ભારત સે આગે… બ્રેકિંગ ન્યુઝ… બ્રેકિંગ ન્યુઝ…!’ આવું ચાલશે ?

ચાલો માન્યું કે આવા બ્રેકિંગ ન્યુઝથી વિરોધ પક્ષો ગેલમાં આવી જશે. સરકાર વિરુધ્ધ નિવેદનો કરશે. સરકાર બચાવ કરશે…. વગેરે વગેરે. પણ પછી બીજે દહાડે શું ? ફરી GDP ?

જોકે ન્યુઝ ચેનલવાળા બહુ ક્રિએટિવ લોકો છે પણ એવું તો ના જ બતાડે ને કે “દેખિયે, યહી હૈ વો બાંગ્લાદેશ કા બોર્ડર… જહાં સે ખુફીયા સોફ્ટવેર દ્વારા ભારત કા GDP ચૂરાયા જા રહા થા… હમેં મિલી ખબરોં કે અનુસાર બાંગ્લાદેશ કી પ્રધાનમંત્રી શેખ હસીના કી નજર બહોત પહલે સે ભારત કે GDP કે ઉપર થી… કૈસે રચી ગયી યે સાજિશ ? કૌન થા ઇસ મેં શામિલ ? કિસ દુશ્મન દેશને ઇસ દેશ મેં ગુપ્ત સહાયતા કી ? ક્યા હૈ વિકાસશીલ દેશોં કે GDPમેં ગિરાવટ લાને કા પુરા ષડયંત્ર ?... બને રહિયે હમારે ચેનલ પર…”

સાહેબ આટલી બૂમાબૂમ કરો તોય ટીવીના દર્શકો ચેનલ બદલીને ક્યાંક બીજે જતાં રહેવાના ! વળી આમાં એવું થોડું બતાડી શકાય કે “રાત કો ઠીક સે સો નહીં પાયા GDP… સિર્ફ દો ચાદર ઔર એક કંબલ દિયા ગયા થા GDP કો… અભી અભી મિલી ખબરોં સે પતા ચલા હૈ કિ સુબહ નાશ્તે મેં GDPને ખાયે હૈં મૂલી કે દો પરાંઠે….”

એ જ રીતે, ગુજરાતી ચેનલો GST માટે શું કરી શકે ? શું એમ કહેશે કે  “જો ગુજરાતના GSTની વાત કરીએ તો અમે આપને જણાવી દઈએ કે ગુજરાતના GST ગઈકાલ કરતાં આજે ત્રણ ટકા, જી હા, ત્રણ ટકા ઓછો થયો છે, તમે જોઈ શકો છો આ આંકડાઓમાં, કે GST, ગુજરાતનો GST, ત્રણ ટકા જેટલો ઓછો થયો છે. વધારે માહિતી માટે આપણે જઈએ અમારા ખાસ સંવાદદાતા પાસે, જેઓ ઘટનાસ્થળે હાજર છે.”

હવે તમે જ કહો, GST ઘટે કે વધે તેનું ઘટનાસ્થળ ક્યાંથી લાવવું ? છતાં માની લો કે એ લોકો કોઈ ઘટનાસ્થળ શોધી પણ કાઢે તો પેલો સંવાદદાતા ‘લાઈવ’ રિપોર્ટિંગ શું કરે ?

શું એમ કહે કે “હું અહીં એ જગ્યાએ ઊભો છું જેની બરોબર પાછળ જે શોપિંગ મોલ દેખાઈ રહ્યો છે, તે એ જ સ્થળ છે, જ્યાંથી એક સમયે રોજ હજારો રૂપિયાની સંખ્યામાં GST ભરાતો હતો પરંતુ હાલની પરિસ્થિતિની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે GST ઘટી રહ્યો છે, તમે જોઈ શકો છો કે અહીં મોલમાં GST ઘટવાને પરિણામે ઘરાકી ઘટી છે અથવા તો એમ કહી શકાય કે ઘરાકી ઘટવાને કારણે GST ઘટ્યો છે પરંતુ હવે ઘટેલો GST ક્યારે વધશે તે તો સમય જ કહી શકશે, કેમેરામેન ફલાણા-ફલાણા સાથે હું….”

ટુંકમાં, ‘તમે જોઈ શકો છો’ કે જ્યાં સુધી GDP કે GST ગણતરીમાં ન લેવાતો હોય તો પણ પરિસ્થિતિ એ છે કે અનેક બ્રેકિંગ ન્યુઝ કરવા છતાં પરિસ્થિતિની સ્થિતિ થાળે પડવાનો સંભવ ઘણો ઓછો જણાઈ રહ્યો છે !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments