કહે છે કે અમુક ન્યુઝ ચેનલો પોતાનો TRP વધારે દેખાડવા માટે પ્રેક્ષકોને લાંચ આપતી હતી !
આ જ વાત ઉપર સુઝી રહ્યાં છે થોડાં શબ્દ-કાર્ટુનો…
***
ચાર-પાંચ ન્યુઝ ચેનલોના મોટા અધિકારીઓ પોલીસ કમિશનર સાહેબને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે :
“સાહેબ, તમારે જે ઇન્વેસ્ટીગેશન કરવું હોય તે કરો પણ બસ, ફરી એકવાર રિયા ચક્રવર્તીની ધરપકડ કરી લો ! બાકીનું TRPવાળું અમે ફોડી લઈશું.”
***
એક ન્યુઝ ચેનલની ઓફિસે બે બોલ્ડ ટાઈપનાં વસ્ત્રો પહેરેલી અભિનેત્રીઓ આવીને ઊભી છે. એને લઈ આવનારો માણસ ચેનલના હેડ અધિકારીને કહે છે :
“સર, તમે TRP માટે ખર્ચા શું કામ કરો છો ? આ બે હિરોઈનો ચાલુ ચર્ચાએ સ્ટુડિયોમાં એકબીજા સાથે મારામારી કરવા તૈયાર છે ! એ પણ મફતમાં !”
***
એક સિરિયલો બનાવતી પ્રોડક્શન કંપનીની ઓફિસે ડીરેક્ટર, પ્રોડ્યુસર, લેખકો વગેરે બેઠા છે. સ્ટોરી ડિસ્કશન ચાલી રહ્યું છે ત્યાં એક જુવાન લેખક ઉત્સાહમાં આવીને કહે છે :
“સર ! 50 એપિસોડ ચાલે એવો મસાલો મળી ગયો ! આપણે એવું બતાડીએ કે સાસુ અને વહુ બન્નેને અલગ અલગ ચેનલોએ પોતાના ટીઆરપી વધારવા માટે સોપારીઓ આપી છે...”
***
આધુનિક સ્ટાઈલના પોલીસ મથકમાં એક નેતાજીને એક પોલીસ અધિકારી આખો વિસ્તાર બતાડતાં કહે છે :
“જુઓ, અહીં ‘ક્રાઈમ બ્રાન્ચ’ છે, આ તરફ ‘સાયબર ક્રાઈમ બ્રાન્ચ’ છે અને સામે ‘ટીઆરપી ક્રાઈમ બ્રાન્ચ’ની નવી ઓફિસ છે જેનું ઉદ્ઘાટન તમારે હસ્તે થવાનું છે…”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment