NRI ગરબા, નોન-ગુજરાતી ગરબા

મસ્ત મોટું લાકડાના ફ્લોરિંગવાળું ‘મેદાન’ હોય, ચારે બાજુ પ્રેક્ષકોને બેસવા માટેની સીટો હોય, એક તરફથી મેદાનમાં ‘એન્ટ્રી’ કરી શકાય એવું એન્ટ્રન્સ હોય, સાઈડમાં ઓરકેસ્ટ્રા માટેનું સ્ટેજ હોય, સરસ સાઉન્ડ સિસ્ટમ હોય અને… મેદાનની બન્ને બાજુ બાસ્કેટબોલના ‘ગોલ’ હોય !


જીહા, અમેરિકામાં આપણા દેશીઓની એ નવરાત્રિના વિડીયો જોતાં જોતાં આનંદ તો ખુબ જ થાય કારણ કે બધા જ ખેલૈયા સરસ રીતે એક મોટું ‘કુંડાળું’ બનાવીને રમતા હોય, સૌનાં સ્ટેપ પણ સરખાં જ હોય, ગરબા તો માતાજીના જ અથવા પરંપરાગત જ હોય, એકેય ફિલ્મી ટ્યૂનના હોય અને… કેમેરો પેલા બાસ્કેટબોલના ગોલવાળા પાટિયામાં ફીટ કરેલી મોટી ગરણી જેવા આકારના સળિયામાંથી પસાર થઈને જોરદાર ‘એન્ગલ’ બનાવતો હોય !

આ વરસે આપણા NRIઓ કેવા અને કેટલા ગરબા કરી શક્યા છે તેના વિડીયો હજી જોયા નથી પણ અગાઉ કેનેડામાં લાઈનબંધ ‘હાઉસિસ’ની બહાર રોડને અડીને જે ખુલ્લી જગ્યા હોય ત્યાં આપણા ગુજરાતીઓને ગરબા રમતા વિડિયોમાં જોયા છે. એમ તો પેલો UKનો વિડીયો શી રીતે ભૂલાય, જેમાં આપણાં દેશી આન્ટીઓએ ત્યાંના ‘બોબી’ ઉર્ફે ભૂરા ગણવેશવાળા પુલીસમેનને પણ ગરબામાં સામેલ કરીને રમતો કરી દીધો હતો !

આપણા ગરબાનો રંગ કોને કોને નથી લાગ્યો ? થોડાં વરસ પહેલાં મુંબઈના ઘાટકોપરમાં યોજાતા ગરબા મહોત્સવનો વિડિયો જોયેલા. એમાં ભાગ્યે જ કોઈ ગુજરાતી હતું ! રિધમ યાને કે ઢોલનો જે તાલ હતો તેમાં સ્પષ્ટ મરાઠી તાલનો વઘાર હતો અને ક્યાંક વળી દાંડીયાની સાથે લેઝિમ રમનારા પણ દેખાતા હતા !

અમે જ્યાં ભણ્યા તે અમદાવાદની NIDમાં દર નવરાત્રિએ ગરબાની શરૂઆત અમારી બેચથી થઈ હતી એમ ગર્વથી કહેવાનું મન થાય છે. એ વરસે અમારી એક સિનિયર સ્ટુડન્ટ પૌલોમીએ નોટિસ બોર્ડ ઉપર નાનકડું પતાકડું લટકાડેલું કે ‘લર્ન ગરબા ડાન્સિંગ ફ્રોમ પૌલોમી, મીટ એટ સિક્સ પીએમ ઇન ધ લોન.’

સાંજ પડે નોન-ગુજરાતી છોકરા-છોકરીઓ પૌલોમી પાસે ગરબા શીખવા ભેગાં થતાં. બીજા થોડા ઉત્સાહી ગુજરાતી સ્ટુન્ડન્ટોએ ગરબા માટે બજેટ કઢાવ્યું. ચાર જણા જઈને ડબગરવાડમાંથી ઢોલ ખરીદી લાવ્યા. રેકોર્ડિંગ સ્ટુડિયોમાંથી જુની સાઉન્ડ સિસ્ટમ કઢાવી અને પહેલાં જ નોરતે આપણા ગરબાનો ‘ચેપ’ નોન-ગુજરાતી સ્ટુડન્ટોને લાગી ગયેલો !

એક યુપીની અને એક બંગાળી છોકરી સુંદર અવાજે ગાતી હતી. એમને એવો ચટકો લાગ્યો કે ડઝનથી વધારે ગરબા શીખીને દેવનાગરી લિપીમાં પોતાની ડાયરીમાં ઉતારી લીધા. મઝા એ કે આખા મેદાનમાં સરસ લીલી છમ લોન, ઉપરથી ‘નોર્મલ’ વોલ્યુમમાં વાગતા સ્પીકરો અને વાજિંત્રોમાં માત્ર ઢોલ, ઢોલક, મંજીરા અને હાર્મોનિયમ !

એનાઉન્સમેન્ટો અંગ્રેજીમાં થાય છે : “પ્લીઝ કલેક્ટ યોર ડાંડિયાઝ… વિ આર સ્ટાર્ટિંગ ધ રાસ…” “ધોઝ હુ વોન્ટ ટુ પ્લે ધ રિવર્સ સ્ટેપ, પ્લીઝ ફોર્મ અનધર સર્કલ ઇનસાઈડ…” વગેરે.

શરૂઆતના ત્રણ-ચાર વરસ પછી અહીં ‘દિયા-ડાન્સ’ ગરબા શરૂ થયા ! ઝળહળતી ફ્લડ લાઇટો બંધ કરી દેવામાં આવે, માત્ર જરૂર પૂરતી ઝાંખી લાઈટો ચાલુ હોય અને દરેક ખેલૈયાના હાથમાં એકસ્ટ્રા લાર્જ સાઈઝના દિવડા આપવામાં આવે ! આવા વખતે ખાસ ધ્યાન રાખીને ઢોલ ધીમા અવાજે વાગે ! અને હા, ગરબે રમતાં દીવો હોલવાઈ જાય તો ‘વોલેન્ટિયર્સ’ હાથમાં મીણબત્તી સાથે ફરતા હોય.

આજે NIDમાં સ્ટુડન્ટો મોટા મોટા ‘સ્પોન્સરો’ લઈ આવે છે. ખાણી પીણીના ‘સ્ટોલ્સ’ પણ લાગે છે… જોકે આ વરસે ત્યાં પણ સન્નાટો છે. સી યુ નેક્સ્ટ યર.

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. There would be Mallamata.. (derived from Mohalla Mata)

    Kids would make a Gabbar.
    There would be some light series.
    Run a tube down with syringe at bottom, so there would be a fountain.
    And best part is this. On that syringe fountain, you put a table tennis ball. That table tennis ball would hug to that flow and keep going little up or down but not fall. What a magical view.

    ReplyDelete
  2. હા હા હા... સાચી વાત છે ! મને લાગે છે કે એમાંથી જ અમુક ટેણિયાંઓને આર્કિટેક્ટ બનવાની પ્રેરણા મળી હશે !

    ReplyDelete
  3. Please tell this to your Architect friend in Dallas..

    ReplyDelete

Post a Comment