આ વખતની આઇપીએલમાં બોલ્યો, બેટ્સમેનો અને ફિલ્ડરો ઉપરાંત પ્રેક્ષકો પણ ત્રણ ટાઈપના છે...
***
ત્રણ ટાઈપના બોલરો
(1) શરૂઆતની બે ઓવરોમાં માંડ બે-ત્રણ રન આપશે પણ છેલ્લે બોલિંગ કરવા આવે ત્યારે એક ઓવરમાં 15-20 રન આપી દે એવા બોલરો.
(2) વચ્ચેની ઓવરમાં જ્યારે ખાસ કંઈ ના થતું હોય ત્યારે ખાસ કંઈ ના આવડતું હોય એવી બોલિંગ નાખનારા બોલરો.
(3) ખાસ બેટ્સમેનો લાંબી લાંબી સિકસરો મારીને સહેલાઈથી મેચ પલટી શકે એવી લોલિપોપ બોલિંગ નાંખનારા બોલરો.
***
ત્રણ ટાઈપના બેટ્સમેનો
(1) લોલિપોપ જેવા બોલ ઉપર સિકસરોની રમઝટ મચાવી દે તેવા બેટ્સમેનો.
(2) હમણાં સિકસરો મારશે… હમણાં ધોઈ નાંખશે… હમણાં બાજી પલટી નાખશે… એવી આશા બંધાવીને માંડ છેલ્લી ઓવરમાં બે સિકસર મારીને આઉટ થઈ જનારા બેટસમેનો.
(3) ડ્રીમ-ઈલેવનમાં જેની ખાસ ગણત્રી ના થતી હોય છતાં અણધારી રીતે 50-60 રન ઠોકી જનારા ‘યુવા’ બેટ્સમેનો.
***
ત્રણ ટાઈપના ફિલ્ડરો
(1) જેના 50-60 રન થવા જ દેવાના છે તેના સાવ ઇઝી કેચ છોડી શકે તેવા ફિલ્ડરો.
(2) સાવ ઇઝી કેચ પકડી લીધા પછી જમીન ઉપર ગુલાંટ ખાઈને સ્ટાઈલ મારનારા ફિલ્ડરો.
(3) બરોબરની રસાકસી વખતે જાણીજોઈને ઓવર-થ્રો કરીને પાંચ રન આપી દેનારા એક્સપર્ટ ફિલ્ડરો.
***
ત્રણ ટાઈપના પ્રેક્ષકો
(1) ઘેર બેસીને ટીવી ચાલુ રાખીને મોબાઈલમાં મોં ખોસી રાખનારા પ્રેક્ષકો.
(2) ટીવીમાં પોતે દેખાઈ શકે એટલા માટે રજીસ્ટ્રેશન કરાવીને બિચારા આખેઆખી મેચ જોતા પ્રેક્ષકો.
(3) સોગિયું, બોરિંગ, દિવેલ પીધેલું ડાચું કરીને મેદાનના છેડે ડગ-આઉટમાં બેસી રહેતા સિનિયર ક્રિકેટરો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment