‘તમારી બેબીને અમે અપહરણ કરેલ છે. જીવતી જોયતિ હોય તો ૫૦ હજાર થસે. પોલીસ ને ખબર કરસો તો મારી નાખિસુ. બેબીને. અમારી બોવ ડેજર ગેગ છે.’
નિશાળની નોટબુકના લીટીવાળા કાગળ ઉપર લખેલી આ જાસાચિઠ્ઠી વાંચીને સૌથી પહેલાં તો ભદુ સર, એટલે કે ભરતકુમાર દુષ્યંતલાલ ભટોળ, યાને કે ભદુ માસ્તરે એમાંથી ચાર જોડણીની અને બે વ્યાકરણની ભૂલ કાઢી. પછી ધીમે રહીને વિચાર આવ્યો કે અલ્યા, મારી નવમામાં ભણતી બેબી બબિતા, ગઈ કાલે સાંજે એની બહેનપણીને ઘરે ઓનલાઇન હોમવર્ક કરવાનું છે એમ કહીને ગઈ હતી, તે હજી આજ સાંજ લગી પાછી જ નથી આવી !
હવે, ભદુ માસ્તરને ફાળ પડી ! એક તો પોતે ગોધરા નજીક આવેલા કાંકણપુર નામના નાનકડા ગામની માધ્યમિક શાળાના ગુજરાતી–હિન્દી ભણાવતા શિક્ષક. એમાં વળી ટ્યૂશનની પણ આવક ક્યાંથી હોય ? પચાસ હજાર રૂપિયા તો બેન્કમાં પણ ના પડ્યા હોય. અને આ ‘ડેજર ગેગ’ એટલે શું ?
ભદુ માસ્તર ટેન્શનમાં ને ટેન્શનમાં નિશાળેથી નીકળીને લગભગ પોલીસ સ્ટેશને પહોંચી જ ગયા હતા ત્યાં એમના મગજમાં બત્તી થઈ ‘ડેજર ગેગ’ એટલે ‘ડેન્જર ગેંગ’ !! ભદુ માસ્તર ફફડી ગયા. આખા શરીરે પરસેવો ફરી વળ્યો. પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાને બદલે, એમના બાર વરસ જુની સેન્ડલ પહેરેલા પગ પાછા ઘર ભણી વળ્યા.
સાંજે દિવાબત્તી ટાણે એક બાજુ ગેસ ઉપર ખિચડી મુકેલું કુકર ભદુ માસ્તરના દિમાગના ટેન્શન સામે પોતાના પ્રેશર વડે હરિફાઈમાં ઉતર્યું હોય એમ થોડી થોડી વારે લીક થઈ રહેલા ઢાંકણામાંથી અપશબ્દો ઉચ્ચારતું, વિવિધ અવાજો કરીને વરાળ છોડતું હતું. બીજી તરફ ભદુ માસ્તરના હાથ ભાખરીનો લોટ બાંધતાં અટકી ગયા હતા. પિયર ગયેલી પત્નીને ફોન કરું, કે ના કરું ? આ વિચાર જાણે એમની આંગણીઓ વચ્ચે ચોંટી ગયેલા લોટની માફક જીભના તાળવે ચોંટી ગયો હતો.
“બૈરીના ભાઈઓ અક્કલના બુઠ્ઠા છે. ગેંગને શોધવામાં મદદ કરવાને બદલે મને જ ઊંધા ચોંટશે… અમારી એકની એક ભાણી યે નથી સચવાતી તમારાથી ?” બન્ને સાળાઓએ બન્ને ગાલ ઉપર બબ્બે લાફા ઠોકી દીધા હોય એમ ભદુ માસ્તરનું માથું નકારમાં ધૂણી ઊઠ્યું. “ના ના… બૈરીને હમણાં જાણ કરવા જેવી નથી.”
નીચેની સાઈડે દાઝી ગયેલી અને ઉપરની સાઇડે વધારે પડતું પાણી રહી ગયેલી ખિચડીમાં સવારનું વધેલું દૂધ રેડીને ભાખરી સાથે તેના ડૂચા ગળે ઉતારતાં ભદુ માસ્તરને સૌથી પહેલો અફસોસ તો પોતાની જાત ઉપર થયો કે યાર, હું સાવ ગુજરાતી-હિન્દીનો માસ્તર કેમ છું ?
બીજો અફસોસ, એક સાચા શિક્ષક તરીકે, એ થતો હતો કે શાળાના પુસ્તકાલયમાં શેરલોક હોમ્સની ડિટેક્ટીવ કથાઓનો ગુજરાતી અનુવાદ કેમ હાજર સ્ટોકમાં નથી ? જોકે, શેરલોક હોમ્સના નામથી એમના મગજને નવી દિશા મળી… કે પૈસા ક્યાં પહોંચાડવા ? કોને પહોંચાડવા ? એ તો લખ્યું જ નથી ! અને જોડણી-વ્યાકરણની ભૂલો ઉપરથી એટલું તો ચોક્કસ કહી શકાય કે અપહરણકર્તાઓ ભણવામાં ઠોઠ હશે.
રાત આમ જ શેર-સવાશેરલોક હોમમાં વીતી. સવારે ઉઠીને જુએ છે તો બારણા નીચે સરકાવેલી બીજી ચિઠ્ઠી મળી. એમાં અગાઉ જેવી જ નોટબુકના લીટીવાળા પાનામાં ‘ખરાબ અક્ષરે’ લખ્યું હતું :
‘થેલીમાં રૂપિયા લઇને ભૂરા લવજીના ખેતર આવો. રૂપિયા નય લાવો તો બેબી પર રેપ થસે. ફોન જોડે લાવવો. બપોરે બે વાગે. લીખીતન ડેજર ગેગ.’
ભદુ માસ્તર શાકની થેલીમાં શક્ય એટલા, યાને કે રૂપિયા પાંચ હજાર એક, પુરા, લઈને ખેતરે પહોંચ્યા. ચારે બાજુ સન્નાટો હતો. બરોબર બે વાગે ફોનની રીંગ વાગી. સામેના છેડેથી સુચના આવી :
“થેલી જમીન ઉપર મેકીને એની આગરની સાઇડે ઊભા રઈને અંગૂઠા પકડો... અને થેલીને બરોબર ધ્યોંનથી બે પગ વચ્ચેથી જોતા રહો…”
માસ્તર એ અનોખા પોઝમાં પુરા કરવા સવા કલાક સુધી થેલી જોતા ઊભા રહ્યા. કોઈ આવ્યું નહીં.
બીજા દિવસે આખા કાંકણપુર ગામના તમામ મોબાઈલોમાં માસ્તરનો વિડીયો ફરતો હતો જેમાં માસ્તર મરઘો બનીને અંગૂઠો પકડીને ઊભા છે અને કેમેરો એમના ‘પૃષ્ઠ ભાગ’ ઉપર ઝૂમ-ઈન ઝૂમ-આઉટ થયા કરે છે.
- બસ, હવે ભદુ માસ્તરે સોગંદ ખાધા છે કે ગુજરાતીના ક્લાસમાં કોઈપણ છોકરો વ્યાકરણ કે જોડણીની ભૂલ કરે તો ભલે કરે, એને ક્લાસની બહાર કાઢીને અંગૂઠા નહીં પકડાવવાના.
***
-મન્નુ શેખચલ્લી
Email : mannu41955@gmail.com
Superb Mannubhai
ReplyDeleteThank you Vipul Bhai !
ReplyDeleteMast...
ReplyDeleteThanks !!
ReplyDelete😂😂😂
ReplyDelete