નોન-સ્ટોપ ગરબા કેસેટોનો એ જમાનો

ભલું થજો પેલા સ્વર્ગસ્થ ગુલશન કુમારના આત્માનું કે એણે આપણા ગુજરાતીઓને સોસાયટીનાં માઈકોમાં ભેંસ, પાડા, બળદિયા અને ગધેડા જેવા અવાજે ગાતા ‘ચોંટડુ’ ગાયકોથી મુક્તિ અપાવી !


તમે કહેશો કે મન્નુભાઈ, આપણે વીતેલી નવરાત્રિઓના ફ્લેશ-બેક માણવા બેઠા છીએ એમાં વળી આ ગુલશન કુમાર ક્યાંથી આવ્યા ? તો વાત એમ છે કે એ ગુલશનભઈ ના હોત તો ઓડિયો-કેસેટની ઇન્ડસ્ટ્રીમાં ક્રાંતિ ના થઈ હોત અને એ ક્રાંતિ ના થઇ હોત તો ગુજરાતી નોન-સ્ટોપ ગરબાની કેસેટો બહાર ના પડી હોત !

જી હા, ગુજરાતની સોસાયટીઓમાં ત્રાસદાયક રાગડા તાણનારા ગાયકોનું સામ્રાજ્ય તોડવાનું કામ નોન-સ્ટોપ ગરબાની કેસેટોએ કર્યું !

છેક 1986માં આપણી સંગીતકાર બેલડીનું આલ્બમ ‘મહેશ-નરેશ-86’ આવ્યું અને ‘છોરા ચ્યોં ચ્યોં જ્યો તો…’ તથા ‘છોરાએ આંખ મને મારેલી’ હિટ થયું એ પહેલાં ઓલરેડી નોન-સ્ટોપ ગરબાની કેસેટો બહાર પડવા માંડેલી. ‘સુરમંદિર’ નામની કંપનીની ‘ટહુકો’ બહાર પડી (હેમંત ચૌહાણ) પછી એની યે સિરીઝ ચાલી… ટહુકો-વન, ટહુકો – ટુ… વગેરે.

આ ‘નોન-સ્ટોપ’વાળી સિસ્ટમ આપણી સોસાયટીની પબ્લિકને બરોબર ફાવી ગઈ. ફક્ત 25-30 રૂપિયાની કેસેટો લાવવાની, એકાદ જણાનું ટુ-ઈન-વન માઈક સામે ધરી દેવાનું અને ચાંપ દાબી કે હાલ્યું… અડધો કલાકની નિરાંત ! ના પેલો શીખાઉ ઢોલી તાલ ચૂકવીને મઝા બગાડે કે ના પેલા માઈકમાં મોં ખોસીને મોડી રાત સુધી ‘ટેરરિઝમ’ના પ્રયોગો કરનારાને સહન કરવાના !

જોકે હા, ડબગરવાડ જઈને નવો ઢોલ ‘વહોરી’ લાવનારાઓ તથા ‘કેશિયો’માં નવે નવ રાતે ચાર-ચાર વાર સળંગ એક જ ક્રમમાં ‘ટેણેં ટેણેં’ કરીને ફિલ્મી ગાયનો વગાડનાર લોકલ સોસાયટી-સ્ટાર સંગીતકારો નવરા પડી ગયા.

ઇતિહાસકારોની નોંધ મુજબ એ ઉત્સાહઘેલાઓ પોતાના પરાજયનો બદલો લેવા માટે કેસેટ-ગરબા પતે પછી ઢોલ વડે ‘ધન ધતૂડી પતૂડી’ તથા ‘કેશિયો’ વડે નાગિન ટ્યૂન ઉપર સોસાયટીવાસીઓને રમાડવાનું સેશન છેક બાર વાગ્યાથી લઈને દોઢ-દોઢ વાગ્યા સુધી ખેંચવા માંડ્યું !

આ બધું ચાલ્યું લગભગ 1993 સુધી. ત્યાર બાદ સોસાયટી-ગરબાનો નવો યુગ શરૂ થયો જેને ઇતિહાસકારો ‘બામ્બુ-બિટ્સ-વેવ’ તરીકે ઓળખે છે ! જી હા, 1993માં રિલિઝ થયેલા બામ્બુ બિટ્સ ગ્રુપનું નોન-સ્ટોપ ગરબા આલ્બમ ‘ખેલૈયા’ આવ્યું પછી તે કોરોના વાયરસની ગતિએ આખા ગુજરાતમાં ફેલાઈ ગયું. આજે એ વાતને 27 વરસ થઈ ગયાં, તેના મુખ્ય ગાયક કિશોર મનરાજા આ કોરોનામાં (સાચુકલા કોરોનામાં) મોતને ભેટીને ઉપર ચાલ્યા ગયા છતાં હજી યે ઓનલાઈન ગરબામાં ‘હાલોઓઓ… પેલા… બામ્બુ બિટ્સના…’ વાગે જ છે.

વચમાં વળી અમિતાભ બચ્ચનના અવાજની નકલવાળું (સુદેશ ભોંસલે) એક હિન્દી ફિલ્મી ગાયનોવાળું નોન-સ્ટોપ પણ ખાસ્સું ચાલ્યું. છેલ્લે છેલ્લે જીજ્ઞેશ કવિરાજ (વીર ગજરો), ગીતા રબારી (રોણા શે’રમાં), કિંજલ દવે (ચાર બંગડી), અરવિંદ વેગડા (ભલા મોરી રામા) વગેરે ક્યાંક ક્યાંક સોસાયટીઓમાં છૂટકના ભાવે વાગી જાય છે પણ જે રીતે DDLJ મરાઠા મંદિરમાંથી ખસે જ નહીં એમ ‘બામ્બુ બિટ્સ’ નોન-સ્ટોપ ટકી રહ્યું છે.

જો તમારા ઘરના માળિયામાં હજી પેલું ટુ-ઈન-વન પડ્યું હોય તો જરા ધૂળ ખંખેરીને કાન માંડી જોજો… વિના કેસેટે નોન-સ્ટોપ ગરબા સંભળાશે ! જય માતાજી.

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments