ખાન, રોશન, કપૂર... એકબીજાનાં સગાં ?

કોઈ જાણીતા શાયરની પંક્તિઓ છે ને કે “બાત નિકલી હૈ તો દૂર તક જાયેગી...” એમ આ સગાઈઓના છેડા ઉકેલવા બેઠા છીએ તો સાહેબો, બહુ દૂર દૂરના છેડા નીકળવાના છે !

આજનો અવળચંડો ‘સગાઈ-સવાલ’ એ છે કે યાર, ઝિનત અમાનની સગાઈ છેક કવિવર રવિન્દ્રનાથ ટાગોર અને પત્રકાર-લેખક ખુશવંતસિંહ સાથે વળી શી રીતે નીકળે ?


તો બોસ, આ પણ એક કમાલની જિગ-સો-પઝલ જેવું છે. દિલીપકુમારની બહેન તાજ – તાજની દિકરી રૂબિયા. આ રૂબિયાનો પહેલો પતિ મઝહરખાન, જે ‘શાન’માં લંગડો બનેલો. (એટલે લંગડાનો રોલ કરતો હતો) આ મઝહરખાનની ત્રીજી પત્ની એટલે ઝિનત અમાન ! (હા ભઈ હા, ‘હરે રામા હરે ક્રિશ્ના’ વાળી જ ઝિનત અમાન) હવે ઝિનતના પિતા એટલે અમાનુલ્લા ખાન. જે એક જમાનામાં ફિલ્મોમાં લેખક હતા. (મુગલ-એ-આઝમ, પાકિઝા વગેરે ફિલ્મોના સંવાદ લેખક) ઝિનત 13 વરસની હતી ત્યારે અમાનુલ્લાખાન ગુજરી ગયા. ઝિનતની મા કોઈ જર્મનને પરણીને વિદેશ જતી રહી. (એટલે જ બહેન ઝિનતને હિન્દી બોલતા ફાવતું નહોતું.)

આ ઝિનત અમાન મઝહરખાનને પરણી તે પહેલાં તેણે મશહુર અભિનેતા સંજયખાન સાથે ખાનગીમાં લગન કરી નાંખેલું ! જોકે લગ્ન એક વરસથી વધારે ના ટક્યું, પણ જો ટક્યું હોત તો આજે હૃતિક રોશન પણ ઝિનત અમાનનો સગો થતો હોત ! કારણ કે જાણીતા ડીરેક્ટર રાકેશ રોશન (જે પાછા મહાન સંગીતકાર રોશનના સુપુત્ર થાય અને નિર્માતા જે. ઓમપ્રકાશના જમાઈ થાય) તેના દિકરા હૃતિક રોશનનું લગ્ન સંજયખાનની દિકરી સુઝાન સાથે થયું ! (આ લવમેરેજ હતું. સુઝાન અને હૃતિક બન્ને એક જ સ્કુલમાં જોડે ભણતાં હતાં.)

આ બાજુ ઝિનતનો ધણી મઝહરખાન તો મરી ગયો પણ એના બે દિકરાઓ અઝાન અને ઝેહાન છે. જેમાંથી અઝાન ખાને ‘બેન્કસ્ટર’ નામની એક ફ્લોપ ફિલ્મ બનાવી છે અને ઝેહાને સંગીતકાર તરીકે થોડી નિષ્ફળતાઓ મેળવી છે. બીજી બાજુ હૃતિક રોશન અને સુઝાનનાં બે દિકરા હૃદાન રોશન અને હૃેહાન રોશન જો ફિલ્મોમાં આવ્યા તો વળી લાંબા લપસિંદર ચાલવાનાં ! (હૃ.... હૃ... ના કરો યાર)

એ તો ઠીક, જાણીતો વિલન રઝા મુરાદ, જે એમના જમાનાના ભૂરી આંખોવાળા જાણીતા વિલન મુરાદનો દિકરો થાય તે ઝિનત અમાનનો કઝિન પણ થાય ! (ઝિનતના બાપા અમાનુલ્લા ખાન અને મુરાદ ખાન ભાઈ-ભાઈ થાય, સમજ્યા?) આટલો ગુંચવાડો ઓછો હોય એમ, હું તમને ફરી પૂછું કે ઝિનત અમાનના છેડા રવિન્દ્રનાથ ટાગોર અને ખુશવંતસિંહ સાથે કેવી રીતે અડે છે ?

તો સાંભળો, દિલીપકુમારના ભાઈ નાસીરખાનની પત્ની બેગમ પારાની ભાણી રૂખસાના પરણી એક સરદારને. જેનું નામ હતું શિવેન્દ્ર સિંહ. આ શિવેન્દ્ર સિંહ મશહુર લેખક ખુશવંત સિંહના ભત્રીજા થાય! અને એ જ શિવેન્દ્ર સિંહની દિકરી એટલે અમૃતા સિંહ ! (જે ફિલ્મ ‘બેતાબ’માં ધર્મેન્દ્રના દિકરા સની દેઉલની હિરોઈન બનેલી. બોલો, ચોંકી ગયા ને !) હવે એ અમૃતા સિંહ પરણી સૈફ અલી ખાનને, રાઈટ? (અને સૈફ અલી ખાન બીજી વાર પરણે છે રણધીર કપૂરની દિકરી કરીના કપૂરને ! એટલે આખું કપૂર કુટુંબ થઈ ગયું દિલીપકુમાર અને ઝિનત અમાનના સગામાં, સમજ્યા તમે?)

આ બાજુ સૈફ અલી ખાનના પિતા મન્સુર અલી ખાન પટૌડી તો ક્રિકેટર, પરંતુ મમ્મી શર્મિલા ટાગોર હતી હિન્દી ફિલ્મોની હિરોઈન, જે રાષ્ટ્રગીત ‘જનગણમન’ના રચયિતા રવિન્દ્રનાથ ટાગોરની દૂરની પ્રપૌત્રી થાય ! શોર્ટમાં સમજીએ તો શર્મિલાની મમ્મીની મમ્મી તે રવિન્દ્રનાથના ભાઈ દ્વિજેન્દ્રનાથના દિકરાની દિકરી થાય !

લો, આટલામાં જ થાકી ગયા ? અરે. હજી તો અમૃતા સિંહની દિકરી સારાહ અલી ખાન અને સૈફનીબહેન સોહા અલી ખાન જ ફિલ્મોમાં આવ્યાં છે. જેમાં સોહા પરણી છે કૃણાલ ખેમુને, જે પદ્મશ્રી વિજેતા નાટ્યકાર – લેખક મોતીલાલ ખેમુનો દિકરો થાય. એમનું એક ટેણિયું, નામે ઇનાયા ફિલ્મોમાં જ આવશે ને !

પેલી બાજુ ફીરોઝખાન, એટલે સંજયખાનનો મોટો ભાઈ, જે એક્ચુલી તો સંજયખાન કરતાં પહેલાં ફિલ્મોમાં હીરો બની ચૂક્યો હતો, તેનો દીકરો ફરદીન ખાન, ખાસ્સી સફળ નિષ્ફળ ફિલ્મો પછી હવે જરા જંપીને બેઠો છે. બીજી બાજુ, સંજય ખાનનો દિકરો ( યાને કે હૃતિકનો સાળો) ઝાયેદ ખાન પણ થોડી સફળતા - નિષ્ફળતા પછી અહીં જ ઠેબાં ખાતો બેઠો છે.

જે વડીલો આ બે બચોળિયાં સ્ટારને ના ઓળખતા હોય તો જણાવી દઈએ કે ફરદીન ખાન ૧૯૯૮ થી પ્રેમ અગન નામની ફિલ્મમાં હિરો બનીને આવ્યો પછી જંગલ, ફિદા, પ્યાર તૂને ક્યા કિયા, નો એન્ટ્રી, ઓલ ધ બેસ્ટ વગેરે ફિલ્મોમાં આવી ગયો. એ જ રીતે સંજય ખાનનો દિકરો ઝાયેદ ખાન મૈં હૂં ના, દસ, કેશ, સ્પીડ જેવી ફિલ્મોમાં સાઈડ રોલ અથવા બીજા ત્રીજા નંબરના હિરો તરીકે આવી ગયો.

આ બન્ને હાલમાં તો લગભગ નવરા છે પણ એમનાં બબ્બે બચ્ચાં આજે ટીન-એજર્સ બની ગયાં છે ! રાહ જુઓ... આગળ ક્યાં સાંધા અડે છે !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. સગાઈની સગાઈનાં સગાં સંબંધીઓને શોધવા બેસીએ તો ગૂંચ વધવાની જ છે !

    ReplyDelete
  2. જબરું લાવ્યા હો મનુભાઈ

    ReplyDelete

Post a Comment