15 ઓક્ટોબરથી મલ્ટીપ્લેક્સ અને સિનેમા હૉલ ચાલુ કરવાની ગાઇડલાઈન તો આવી ગઈ પણ હજી કેટલાક સવાલો છે.
- સમજી લો એના જવાબ !
***
સવાલ :
એક સીટ છોડીને બેસવાનું હોય તો જે યંગ કપલ હોય તેણે શું કરવાનું ?
જવાબ :
‘અંધારુ થાય તેની રાહ જોવાની’…
સોરી, આ સહેલો જવાબ છે ! પરંતુ એમ નહીં ચાલે. અહીં તો યંગ કપલે એમ વિચાર્યા વિના છૂટકો નથી કે “હમ દોનોં કે બીચ દુનિયા ને (દિવાલ નહીં, પણ) કુરસી ખડી કર દી હૈ !”
***
સવાલ :
ઇન્ટરવલ દરમ્યાન અમુક જ પ્રેક્ષકોને બહાર નીકળવા દેવામાં આવશે. એનો મતલબ શું થયો ?
જવાબ :
જેને બહુ ‘લાગી’ હોય એણે પહેલાં જવાનું રહેશે. ઓછી લાગી હોય તેનો વારો છેલ્લો.
***
સવાલ :
દરેક શો પછી આખા હોલને સેનિટાઈઝ કરશે તો અંદર સતત સેનિટાઇઝરની વાસ નહીં આવ્યા કરે ?
જવાબ :
એટલા માટે જ તો માસ્ક રાખ્યું છે !
***
સવાલ :
સિનેમાહોલમાં માત્ર પેક ફૂડની પરવાનગી અપાશે એનો મતલબ શું ?
જવાબ :
વેરી સિમ્પલ. જે વાસી સમોસા અને સેન્ડવિચ કાચના શૉકેસમાં મુકી રાખતા હતા તેને હવે પ્લાસ્ટિકની કોથળીમાં મુકીને વેચશે ! એટલું જ નહીં, જે પોપકોર્ન તમારી નજર સામે તાજા બનતા હતા એ પણ હવે વાસી આપી શકાશે.
***
સવાલ :
બે જણા વચ્ચેની ખાલી સીટમાં કોઈ બેસી જાય તો ?
જવાબ :
એવું ના થઈ શકે એ માટે સીટમાં ઝીણી સોયો, ટાંકણીઓ, પિનો અને અણીદાર કાંટા સંતાડેલા હશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment