નારકોટિક્સ સેલવાળા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતા ડ્રગ-કૌભાંડનાં છેડા શોધી રહ્યા છે. દરમ્યાનમાં અમે તો વરસોથી વપરાતા આવેલાં કેટલાક ખતરનાક ડ્રગ્સ શોધી કાઢ્યાં છે.
***
ચમચાઝ ચરસ-ચિલ્લમ
પોતે ઊઠે બેસે કે સૂવે ત્યાં આસપાસ ચાર ચમચા ના હોય તો મગજને ચેન ના પડે એવું આ નશીલું દ્રવ્ય છે. સાદી ભાષામાં એને ચમચાગિરીની આદત કહે છે.
***
પાવર સુટ્ટા-ક્શ
સુટ્ટાનું અંગ્રેજી sutta યાને કે સત્તા, અર્થાત્ પાવર નામનો નશો નેતા, ગેંગસ્ટર, એક્ટરથી લઈને સાસુજીને પણ લાગી શકે છે. આ નશીલા કેમિકલનો કોઈ ઇલાજ નથી.
***
હેટ્રેડ વૉયલ-સ્પ્રેડ
ધાર્મિક, જાતિગત પ્રદેશ કે ભાષાને લગતા કોઈપણ પ્રકારના ધિક્કારને (HATE)નો નશો ખતરનાક હોય છે. આ એક રોગ પણ છે જેના સુપર સ્પ્રેડર્સ વધતા જ જાય છે.
***
ભૂંડાઈના ભાંગ-ભડાકા
આ સોશિયલ મિડિયાનો સ્પેશીયલાઈઝ નશો છે. આમાં જાણીતા, સફળ અને ગ્લેમરસ લોકો વિશે ભૂંડામાં ભૂંડી, ગંદામાં ગંદી અને ખરાબમાં ખરાબ વાતો, ટીકા, મજાક, બદનામી કે અફવાઓ ફેલાવવાનો જે નશો છે તે ઝટ ઉતરતો નથી.
***
ગુમાન-ગાંજાની ગોળી
‘હું કોણ, મને ઓળખતો નથી ?’ આવી ટણી અર્થાત્ મગજમાં રાઈ રાખવાની આદત જીંદગીભરનો નશો બની જાય છે. આ રાઈનો ઇલાજ ભલભલી વાસ્તવિક્તાના પહાડથી પણ થઈ શકતો નથી.
***
ન્યુઝ-નાર્કોટિક્સ
આ લેટેસ્ટ નશો છે. માણસને ન્યુઝ ચેનલનું એવું બંધાણ થઈ જાય છે કે બિચારી રિયા ભલે છૂટી જાય પણ આ નશેડીઓ ન્યુઝમાંથી છૂટી શકતા નથી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment