લગભગ ’93 ’94ની વાત હશે. એક દિવસ મારી ઓફિસનો પટાવાળો (માંડ ઓગણીસ વરસનો, આઠમું ફેલ) આવીને મને કહે “સાહેબ, અમારી મ્યુઝિક પાલ્ટીનું કોઈ નામ પાડી આલો ને !”
હું ચમક્યો “અલ્યા, તેં મ્યુઝિક પાર્ટી ચાલુ કરી ? મારી નોકરી છોડી દઈશ ?”
તો કહે “ના ના સાહેબ, આ તો નોરતાં આયાં ને, એટલે…”
ટુંકમાં, મામલો એમ હતો કે મારા પટાવાળાના પપ્પા કોઈ ઓરકેસ્ટ્રામાં કેસિયો વગાડવા જતા હતા. એમનું પોતાનું કી-બોર્ડ પણ હતું. હવે એમના ઓરકેસ્ટ્રાએ નવું નક્કોર ‘યામાહા’નું મોટું કી-બોર્ડ લીધું એટલે આ ‘કેસિયો’વાળું ઘરે નવરું પડ્યું. એનો બાબો પપ્પાને જોઈ જોઈને ગરબા, ફિલ્મી ગાયનો વગેરે ઠીકઠાક વગાડતાં શીખી ગયો હતો એટલે બીજા ભાઈબંધોની પાર્ટનરશીપમાં મ્યુઝિક પાર્ટી સ્ટાર્ટ કરવાના હતા !
મેં એમને ‘રિધમ-બિટ્સ’, ‘સરગમ-સંગીત’, ‘ડાન્સ-દિવાને’ વગેરેથી લઈને ‘દે ધનાધન’, ‘ધમ્માલ મસ્તી’ ટાઈપનાં છ-સાત નામો લખી આપ્યાં. જોકે એમણે છેવટે તો ‘જય અંબે મ્યુઝિક પાર્ટી’ જ ફાઈનલ રાખ્યું. બીજા દિવસે મને કાર્ડ આપ્યું : “રાસ-ગરબા માટે સંપક કરો. (સંપર્ક નહીં, ‘સંપક’) ફોન નંબર : ફલાણો ફલાણો…”
કાર્ડ જોઈને મેં કીધું “સરસ, સરસ. કેટલાં વાજિંત્રો છે પાર્ટીમાં ?”
એણે બહુ જ સરળતાથી કીધું “બે”.
“બે ?” હું જરા ચોંકી ગયો.
એણે ખુલાસો કર્યો. “એક જુનું કેસિયો અને એક સેકન્ડ હેન્ડ ઢોલ.”
હું જરા વિચારમાં પડ્યો કે અલ્યા બે વાજિંત્રોના આ ઓરકેસ્ટ્રાને બોલાવશે કોણ ? નવરાત્રિ શરૂ થવાને હજી અઠવાડિયું બાકી હતું એટલે મારા મગજમાંથી આખી વાત સાઈડમાં જતી રહી. ત્રીજે કે ચોથે નોરેતે મને મારો પ્યુન કહે છે “સાહેબ, આજે જરી વહેલા જવા દેજો ને, ગરબાનો એક ઓડર આયો છે !”
હું ખુશ તો થયો પણ પછી જરી ચિંતામાં પૂછ્યું. “અલ્યા, બે જ જણા જશો ?”
તો એ ઉત્સાહમાં કહેવા લાગ્યો “હોતું હશે ? અમે છ જણા છીએ. એક ઢોલી એકસ્ટ્રા લઈ આયા છીએ અને બે જણા ખંજરી વગાડશે.”
“અને છઠ્ઠો ?”
“કેમ, માઇક ટેસ્ટિંગ નંઈ સંભાળવાનું ?”
તમે નહિ માનો, એ ‘જય અંબે મ્યુઝિક પાર્ટી’એ પહેલી જ સિઝનમાં ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સાથે 500-500 રૂપિયાના ત્રણ ઓર્ડર લીધા હતા !
આ વરસે જ્યારે જાણવા મળે છે કે નવરાત્રિમાં ગરબા બંધ રહેવાને કારણે ઓરકેસ્ટ્રાના સેંકડો કલાકારોની રોજી ગઈ છે ત્યારે આ કિસ્સો યાદ કરતાં વિચાર આવી જાય છે કે આપણા તહેવારો અને લગ્ન જેવા પ્રસંગો કેટ-કેટલા લોકોને રોજી આપતાં જાય છે !
આવાં મીની-માઈક્રો ઓરકેસ્ટ્રાથી માંડીને મોટી મોંઘી ઇવેન્ટોમાં છાતીનાં પાટિયાં બેસી જાય એવી રાક્ષસી સાઉન્ડ સિસ્ટમો ધરાવતાં ઘોંઘાટ પ્રદુષક ઓરકેસ્ટ્રાઓમાં અમને સૌથી ફની પેલી મિડલ રેન્જવાળી પાર્ટીઓ લાગે છે.
જેમાં “પ્રોગ્રામ” શરૂ કરતાં પહેલાં એકવાર “હલો…” બોલે એના છ-છ પડઘા પડે એવી એકો-સિસ્ટમ હોય, જેમાં હિન્દીમાં એનાઉન્સમેન્ટ થતાં હોય, બે પુરુષ ગાયકોમાંથી એક જ થોડા સમય માટે સૂરમાં ગાતો હોય, બીજો ઘાંટા અને રાગડા જ તાણતો હોય, જેમાં મહિલા ગાયિકા ત્રણ દહાડાનો ઉપવાસ કરીને ગાવા આવી હોય એટલું ઢીલું ગાતી હોય અને ઊંચા સૂરમાં ગાવાનું આવે ત્યારે ‘હું તો ગઈ તીઈઈઈ મેળે…’માં પેલાં ‘ઇઇઇઇ’માં 108ની સાયરન જેવો અવાજ નીકળતો હોય..
અને હા, છેલ્લે સોસાયટીમાં 17 જાતની કેટેગરીનાં ઇનામો એનાઉન્સ થતાં હોય ત્યારે જાણે ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’નાં ફાઇનલ વિજેતાનાં નામો ડિકલેર થતાં હોય એવા જોરશોરથી સત્તરે સત્તર વાર ઓરકેસ્ટ્રાવાળા ‘ધમાધમી’ મચાવી મુકતાં હોય !
બોલો, આજે પેન ડ્રાઈવ વડે આવું કરી શકો ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment