તમે નહીં માનો, પણ વોટ્સ-એપના અમુક યુઝરોમાં આજના અમુક નેતાઓના આત્મા ઘુસી ગયા છે ! આમ પહેલી નજરે જુઓ તો ખાસ ખ્યાલ નથી આવતો પણ ધ્યાનથી એમની પોસ્ટો વાંચતા-જોતા રહો તો તમને મારી વાત સાચી લાગશે ! જુઓ…
***
અમુક ગ્રુપના તો ગ્રુપ-એડમિન જ સોનિયા ગાંધી જેવા હોય છે ! ભલે એ કોઈ પોસ્ટ મહિનાઓ સુધી ના મુકે પણ બીજા ગ્રુપ મેમ્બરો સતત એમનાથી ડરતા હોય છે !
એ જ રીતે અમુક ગ્રુપ મેમ્બરો ગુલામ નબી આઝાદ જેવા હોય છે. ક્યારેક જોશમાં આવીને કંઈક લખી તો નાંખે છે પણ પછી બીજા મેમ્બરોનો રિસ્પોન્સ ના મળે એટલે પોતાની જ પોસ્ટ ડિલિટ કરી નાંખે છે !
અમુક ગ્રુપ મેમ્બરો તો તમે જાણો જ છો, એમના સદાકાળ માટે મનમોહન સિંહનો આત્મા બિરાજતો હોય છે. વરસો લગી એ કંઈ પોસ્ટ નથી મુકતા, પોતે કોઈની પોસ્ટ વાંચે છે કે નહીં, એ માટે બ્લુ ડબલ-ટિકનો ઓપ્શન બંધ રાખે છે, ‘લાસ્ટ-સીન’ પણ ના જાણવા મળે… અને કોઈ વાર કંઈ પોસ્ટ મુકી હોય તો તે કોઈના કહેવાથી ! બોલો.
છતાં અમુક ગ્રુપ મેમ્બરો ભાજપના પેલા સાંસદ રામદાસ આઠવલેનો આત્મા લઈને ફરતા હોય છે ! આવા લોકો કંઈપણ બાલમંદિરનાં જોડકણાં જેવી કવિતાઓ ઠપકારે રાખે છે છતાં એમને ઢગલાબંધ હાહાહીહી કરતાં ઈમોજી મળ્યા જ કરે છે !
એ જ રીતે અમુક મેમ્બર રાહુલ ગાંધી જેવા હોય છે. એ બિચારા કંઈપણ પોસ્ટ મુકે, કાં તો ઓટો-સ્પેલ એમના શબ્દોનો અર્થ ફેરવી નાંખે છે કાં તો એમની સિરિયસ પોસ્ટ પણ બધાને ફની જ લાગે છે !
અમુક ગ્રુપ મેમ્બરો તો શંકરસિંહ વાઘેલાની અસરમાં હતા તેની હમણાં હમણાં જ ખબર પડી ! કેમકે આ લોકો જ્યારે જુઓ ત્યારે દારૂની જ ફેવર કરતી જોક્સ, વિડીયો ક્લીપો, શાયરીઓ તથા દાખલા-દલીલોની પોસ્ટ ફોરવર્ડ કરતા રહે છે.
આજકાલ અરવિંદ કેજરીવાલનો આત્મા પણ અનેક લોકોમાં ઘૂસી ગયેલો જણાય છે કેમકે એમને દરેક વાતમાં કોઈને કોઈની ‘ચાલ’ દેખાય છે ! ચીનની ચાલ છે… અમેરિકાની ચાલ છે… ભાજપનો એજેન્ડા છે… સેક્યુલરોનું કાવતરું છે… કોંગ્રેસનો પેંતરો છે… નિપોટિઝમ ગેંગનો આખો ખેલ છે… વગેરે.
સૌથી અલગ અમુક ભોળા મેમ્બરો બિચારા અખિલેશ યાદવ અનેતેજસ્વી યાદવ જેવા છે ! એ લોકો પોતાના ફેમિલીના ગ્રુપ સિવાય ક્યાંય બીજે દેખાતા જ નથી. ઇટ્સ ઓલ અબાઉટ લવિંગ યોર પેરેન્ટ્સ !
એ જ રીતે અમુક શરમાળ છોકરીઓ પણ પ્રિયંકા ગાંધી જેવી છે. મમ્મી-પપ્પા, નાના-નાની કે પરદાદાની બર્થ-ડે કે પૂણ્ય તિથિ હોય ત્યારે નાનકડી ‘ક્યૂટ’ ટાઈપની પોસ્ટ મુકીને ફરી અલોપ થઈ જાય છે !
બીજી બાજુ અમુકને અમિત શાહના પુત્ર જય શાહની જેમ બળજબરીથી કોઈ ગ્રુપમાં ઢસડી લાવીને ‘એડ’ કરવામાં આવે છે. પણ એ ‘ડોન્ટ નો’… ‘નો કોમેન્ટ્સ’… કરીને થોડા સમયમાં જાતે જ ‘લેફ્ટ’ થઈ જાય છે.
બાકી અમુક શૂરવીરો બિલકુલ કંગના રાણાવતના આત્માને આત્મસાત કરીને મંડ્યા જ રહે છે ! એમને પોતાના ગ્રુપમાં, બીજાના ગ્રુપમાં, દરેકે દરેક પોસ્ટમાં કંઈ ને કંઈ ઘોંચપરોણા કર્યા વિના ચેન જ નથી પડતું !
આ શૂરવીરોથી આગળ વધીને અમુક સંજય રાઉત જેવા હોય છે ! એ વોટ્સ-એપની ચેટથી એટલા બધા ઉશ્કેરાઈ જાય છે કે ઘેર આવીને મારવાની જ ધમકીઓ આપવા માંડે છે !
ચાલો, હશે… પણ દરેક ગ્રુપમાં નવજોત સિધ્ધુ અને અર્ચના પુરનસિંહ જેવા બે-ચાર મેમ્બરો તો એવા હોય જ છે જે સાવ ફાલતુમાં જોક ઉપર બબ્બે ડઝન ‘લોલ’ અને ‘રોફલોલ’ ઇમોજીઓનાં તોરણ ફરકાવતા રહે છે.
અને, જવા દો ને, અમુક ગ્રુપો તો આખેઆખાં કોંગ્રેસ પાર્ટી જેવાં સોગિયાં હોય છે. કોઈ નવી પોસ્ટ મુકાતી ના હોય છતાં ડરના માર્યા સૌ ગ્રુપમાં જ બેસી રહે છે !
બાકી અમને તો મોદી સાહેબ જેવા મેમ્બર ગમે ! હંમેશાં ‘મન કી બાત’ જ કહેતા હોય, એવા !
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment