ઓનલાઇન ગરબાની સુચનાઓ !

આ વખતે તો ‘વર્ક ફ્રોમ હોમ’ની જેમ ‘ગરબા ફ્રોમ હોમ’ કરવાનું છે ! આ આખો અખતરો પહેલી જ વાર થઈ રહ્યો હોવાથી સૌએ અમુક સુચનાઓ સમજી લેવાની જરૂર છે.


***

સુચના (1)

ભલે ઘરમાં ગરબા રમવાના હો, તોય ટ્રેડિશનલ ડ્રેસ તો જોઈશે જ ! ભાઈઓને ખાસ વિનંતી કે બર્મુડા ચડ્ડીઓ અને ભલતા-સલતા ટી-શર્ટ પહેરીને ગરબા ગાવા દેવામાં નહીં આવે.

***

સુચના (2)

પોતાના ડ્રોઈંગરૂમમાં ગરબા રમતી વખતે 1 મીટરનું સોશિયલ ડિસ્ટન્સ રાખવું આમ તો ફરજિયાત નથી પણ જોશમાં આવીને ઉછળવાં જતાં અંદરો અંદર ભટકાઈ ના પડો તેનું ધ્યાન રાખજો.

***

સુચના (3)

વધારે પડતા ઉત્સાહમાં આવીને ઠેકડા મારવા જતાં ક્યાંક તમારા જ ઘરના ફર્નિચરની તોડફોડ થઈ જાય તો અમારી કોઈ જવાબદારી નથી.

***

સુચના (4)

ઓનલાઈન ગરબામાં ક્યારેક નેટવર્ક નબળું પડે કે છૂટી જાય ત્યારે જો પિકચર ચોંટી જાય તો તમારે ચોંટી જવાની જરૂર નથી.

***

સુચના (5)

એ જ રીતે નબળા નેટવર્કને કારણે જો પિકચર જમ્પ મારે તો એ કંઈ નવું સ્ટેપ છે એમ સમજીને ઠેકડો મારવાનો નથી.

***

સુચના (6)

ઘરના ધાબે જઈને એક હાથમાં મમોબાઈલ પકડીને, સેલ્ફી મોડમાં… ગરબા ગાતા હો તો ધાબેથી ગબડીને હેઠા ના પડો તેનું ખાસ ધ્યાન રાખવું.

***

સુચના (7)

વડીલો, વૃધ્ધો, અશક્તો તથા બિમાર વ્યક્તિઓ માટે ખાસ ‘બેઠા ગરબા’ની વ્યવસ્થા રાખી છે. પલંગમાં, સોફામાં, ખુરશીમાં કે વ્હીલચેરમાં બેઠા બેઠા તાળીઓ વગાડશો તો ચાલશે. જય માતાજી.

***

સુચના (8)

અને હા, જેના મોબાઇલ માં એકપણ ચાઈનીઝ એપ હશે તેને બૅન કરવામાં આવશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments