ફિલ્મોની દુનિયામાં અજીબો-ગરીબ ઘટનાઓ બનતી હોય છે. બિહારના ભાગલપુર ગામમાં જન્મેલો કુમુદલાલ નામનો એક જુવાનિયો કોલકતામાં વકીલાતનું ભણ્યો તો ખરો પણ જીવ સિનેમામાં પરોવાયેલો હતો. ફાઈનલ પરીક્ષામાં કુમુદલાલ નાપાસ થયો. પિતાજીનો રોષ ખમવો ના પડે એટલે ભાઈ મુંબઈ પહોંચ્યા, જ્યાં એમની મોટી બહેન રહેતી હતી. બનેવી બોમ્બે ટોકિઝ નામના સ્ટુડિયોમાં ટેકનિકલ વિભાગમાં ઊંચા હોદ્દા ઉપર હતા. પોતાના સાળાને ઠેકાણે પાડવા એમણે કુમુદલાલને સ્ટુડિયોમાં લેબ-આસિસ્ટન્ટ તરીકે ગોઠવી દીધો. પાંચેક વરસ લગી આ નોકરી કર્યા પછી એક ઘટના બની…
1936માં ‘જીવન-નૈયા’ નામની ફિલ્મનો હીરો, નામે નજમ-ઉલ-હસન, બોમ્બે ટોકિઝના માલિક હિમાંશુ રોયની પત્ની દેવિકા રાની સાથે ભાગી ગયો ! જોકે દેવિકા રાની થોડા સમય પછી પતિદેવ પાસે પાછી ફરી પણ છંછેડાયેલા હિમાંશુ રોયે તાત્કાલિક, ડિરેક્ટર ફ્રાન્ઝ ઓસ્ટનને હુકમ કર્યો કે પેલો લેબમાં જે છોકરો છે તેને હીરો બનાવી દો ! હિમાંશુજી માત્ર એટલું જ સાબિત કરવા માગતા હતા કે પેલો નજમ-ઉલ-હસન વળી કયા ખેતરનો મૂળો છે ? હું ધારું તેને હીરો બનાવી શકું !
બસ, પછી તો કુમુદલાલને મેકપ કરીને કેમેરા સામે ઊભો કરી દેવામાં આવ્યો. એમની ‘જીવન નૈયા’ ચાલી નીકળી ! આ કુમુદલાલ ગાંગુલી એટલે અશોકકુમાર ! એ પછી જ્યારે એ જ દેવિકા રાની સાથે બીજી ફિલ્મ ‘અછૂત કન્યા’ આવી અને હિટ નીવડી કે તરત અશોકકુમાર સ્ટાર બની ગયા.
અશોકકુમારની પાછળ પાછળ તેમના નાનાભાઈ કીશોરકુમાર પણ કોલકત્તાથી મુંબઈ આવી પહોંચ્યા. જોવાની વાત એ છે કે સાળાની સફળતા જોઈને બનેવી શશધર મુખર્જી પ્રોડ્યુસર બની ગયા. શશધરની સફળતા જોઈને એમનો ભાઈ સુબોધ મુખર્જી પણ નિર્માતા બની ગયો. આ બન્ને ભાઈઓ એ ભેગા મળીને ફિલ્મીસ્તાન સ્ટુડિયોની સ્થાપના કરી.
હવે જોજો, ક્યાંના છેડા ક્યાં નીકળે છે. શશધર મુખર્જીનો દિકરો એટલે છ ફૂટની હાઈટ વત્તા સવા ઇંચના વાળના ફુગ્ગાવાળો હીરો જોય મુખર્જી. ચહેરા ઉપર ચાર એક્સ્પ્રેશન માંડ લાવી શકતો હોવા છતાં જોય ટકી ગયો. એટલે જોયે એના નાનાભાઈ શોમુ મુખર્જીને હીરો બનાવવા ચક્કર ચલાવ્યાં. જોયની ઢળતી કારકીર્દિ ચાલી રહી હતી એ દરમ્યાન એણે શોમુને સ્ટાર બનાવવા માટે ‘એક બાર મુસ્કુરા દો’ (1972) બનાવી. શૂટિંગ દરમ્યાન શી ખબર શું રંધાયું તે તનુજા (નુતનની નાની-બહેન) શોમુ મુખર્જીને પરણી ગઈ !
બસ, આ શોમુ-તનુજાની દિકરી એટલે માંજરી આંખોવાળી, જરા શ્યામવર્ણી, ‘દિલવાલે દુલ્હનિયાં લે જાયેંગે’થી છવાઈ ગયેલી અભિનેત્રી કાજોલ ! કાજોલ-શાહરૂખની જોડી ઓન-સ્ક્રીન બેસ્ટ કપલ તરીકે ફેમસ થઈ રહી હતી પરંતુ બહેન કાજોલ પણ એની મમ્મીની જેમ સાવ સામાન્ય દેખાવવાળા અજય દેવગણને પરણી ગઈ ! હવે તમે તો જાણો જ છો કે અજયના પપ્પા એટલે વીરુ દેવગણ. જે ફિલ્મોમાં ફાઈટ માસ્ટર હતા. (પાછળથી એક્શન ડિરેક્ટર કહેવાતા થયા.)
પેલી બાજુ તનુજા અને નુતનની મમ્મી એટલે શોભના સમર્થ ! એ પોતે એમના જમાનાની બહુ જાણીતી અભિનેત્રી હતી. ભલે ફિલ્મોમાં એમણે મોટા ભાગે ‘ભારતીય નારી’નો રોલ કર્યો, બાકી રિયલ લાઈફમાં એ બહુ જ બિન્દાસ હતાં. કહેવાય છે કે એ જમાનામાં મોતીલાલ નામના એક્ટર સાથે લગ્ન કર્યા વિના તે 10 વરસ સાથે રહ્યાં હતાં ! પછી તે કુમારસેન સમર્થને પરણીને ઠરીઠામ થયાં. કાજોલનાં આ બિન્દાસ દાદી 92-95 વરસની ઉંમરે મરણ પામ્યાં તે પહેલાં લોનાવાલાના એક બંગલામાં 11 કુતરાંઓ સાથે એકલાં રહેતાં હતાં ! બોલો.
તનુજાની મોટી બહેન (કાજોલની માસી) તે નૂતન, પોતાની કરિયરના છેડે છેડે આવતાં રજનીશ બહલને પરણી. એમનો દિકરો તે મોહનીશ બહલ, જે હેન્ડસમ હોવા છતાં રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોમાં ડાહ્યા દિકરાના રોલ સિવાય બીજે ખાસ ન ચાલ્યો.
અને છેલ્લે, રાની મુખર્જી (‘કુછ કુછ હોતા હૈ’ની બીજી માંજરી હીરોઈન) તે સુબોધ મુખર્જીના ભત્રીજા રામ મુખર્જીની દિકરી થાય ! ઓકે ?
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment