આજે માસ્ક એ જ જીવન છે. નવાઈની વાત એ છે કે આજના ચિંતનકારોએ માસ્ક વિશે ખાસ કંઈ ચિંતન કર્યું લાગતું નથી.
ચાલો, વાંધો નહીં, અમે જે થોડું ચિંતન કરીને તમને અમારાં ચિંતન-મોતી પીરસી રહ્યા છીએ !...
***
માસ્ક એ તો માનવીએ સર્જેલું સવા બે ઇંચનું, મોત સામેનું કવચ છે.
***
બોલાયેલો શબ્દ હોઠથી નીકળે છે. સંભળાયેલો શબ્દ કાને પહોંચે છે. પરંતુ આજે બન્નેને જોડતી એક જ કડી છે. તે છે માસ્કની ઇલાસ્ટિકવાળી દોરી !
***
ચહેરા ઉપરનું મહોરું એ માનવીનું અસત્ય છે પરંતુ ચહેરા ઉપરનું માસ્ક એ માનવીનું અસ્તિત્વ છે.
***
માસ્ક થકી લીધેલા શ્વાસ અને માસ્કમાં કાઢેલા ઉચ્છવાસની બાદબાકી પછી જે બચે છે એ જ આપણું જીવન છે.
***
માસ્ક તો ગહન જ્ઞાનની ડૂબકી મારીને મોતી શોધતા મરજીવા સમાન વૈજ્ઞાનિકની પ્રયોગશાળા છે. અહીં પ્રાણવાયુ અને અંગારવાયુ, એ બન્નેનું સરખું મહત્વ છે.
***
માસ્ક એ સવા બે ઇંચની એવી છત્રછાયા છે જ્યાં હોઠમાંથી નીકળેલી ગાળ તથા નાકમાંથી નીકળેલા લીંટ, એ બન્નેને શરણ મળે છે.
***
આજે પોતાના જ માસ્કમાં પોતાની છીંકને કેદ કરી રાખવા જેવું પૂણ્ય બીજું કોઈ નથી.
***
રંગબિરંગી ડિઝાઈનવાળાં માસ્ક પહેરીને બેધડક ઘરની બહાર નીકળતી વીરાંગનાઓ સો સો સલામને પાત્ર છે કેમ કે તેઓ મોતને પણ રંગીન રીતે લલકારી રહી છે.
એક મૌલિક વિચાર આપું ? કોઈ વેપારીએ ‘રાણી લક્ષ્મીબાઈ’ બ્રાન્ડનાં માસ્કની સિરીઝ બહાર પાડવા જેવી છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment