ઝિયા-ઉલ-હક દિલીપકુમારના શું સગા થાય ?

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એકબીજાની સગાઈઓનાં લાંબા-લાંબા એટલાં લપસિંદર છે કે ઘડીભર એમ જ લાગે કે અલ્યા, અહીં બધાં એકબીજાનાં સગાં જ છે કે શું ? જોકે આજનો જે સગાવાદ ‘આ ઇન્ડસ્ટ્રી અમારી બાપદાદાની જાગીર છે’ એ ટાઈપનો થઈ ગયો છે, એવું જુના સમયમાં નહોતું.


આપણો શુધ્ધ હેતુ તો નિર્દોષ પંચાતથી મળતા હળવા મનોરંજનનો જ છે. અહીં કોઈની બદબોઈ કે નિંદા કરવાનો ઇરાદો નથી. તો ચાલો, ગયા અઠવાડિયે અશોકકુમારનો છેડો પકડીને આપણે જે કીશોરકુમારની સગાઈઓ તરફ પહોંચ્યા હતા ત્યાંથી આગળ વધીએ.

કીશોરકુમારની ત્રીજી પત્ની હતી  ’70ના દાયકાની ભરાવદાર હિરોઈન યોગિતા બાલી. આ લગ્ન ગોઠવાયું ત્યારે પણ બધાને નવાઈ લાગતી હતી કે અલ્યા, આ કેમનું થયું ? જોકે લગ્ન ઝાઝું ટક્યું નહીં. કિશોરકુમારથી છૂટા પડીને યોગિતા બાલીએ ડેશિંગ ડાર્ક અને હેન્ડસમ એવા મિથુન ચક્રવર્તી સાથે લગ્ન કર લીધાં. હવે કહો, આ હિસાબે મિથુન અમિતકુમારનો (કીશોરના સુપુત્રનો) શું સગો થયો ? જુદી રીતે પૂછીએ તો ભૈ, બીજી સાવકી માના બીજા પતિને શું કહેવાય ?

આપણે ત્યાં જ્યાં સાળાવેલી, પાટલાસાસુ અને વડસસરા જેવાં સગાઓનાં નામો છે તેમાં નવાં બે ડઝન નામો બનાવીને આખો 'સગાઈ-કોશ' બહાર પાડવો પડે એવું છે આ સગાઈઓનું જાળું !

હવે ચાલો, એ જાળામાં જરા આગળ જઈએ ? કીશોરકુમારે જેની સાથે ચોથું લગ્ન કર્યું તે હતી ’60ના દાયકાની બેબી-ડોલ ફેસવાળી લીના ચંદાવરકર. બરાબર ? હવે ક્યાંની સગાઈ ક્યાં નીકળે છે તે જોજો.

લીના ચંદાવરકરનો પહેલો પતિ સિધ્ધાર્થ બંદોકર હતો અને તે ગોવાના મુખ્યપ્રધાન કે. બંદોકરનો દીકરો થાય. પણ મારા સાહેબ, કે. બંદોકરની દીકરી એટલે શશીકલા ! જે ફિલ્મોમાં કચકચિયણ નણંદથી લઈને ગ્લેમરસ કેબરે ડાન્સરના રોલ સરખી સહજતાથી નિભાવી લેતી હતી. (ફૂલ ઔર પથ્થર – શીશે સે પી, યા પૈમાને સે પી...) ટુંકમાં અમિતભાઈનાં સાવકા મમ્મી લીનાબહેન પેલાં શશીકલા દેવીની નણંદ થાય !

હવે ચાલો, લીના ચંદાવરકરના ભાઈની સગાઈઓનો ટ્રેક પકડો. લીનાનો ભાઈ અનિલ ચંદાવરકર મરાઠી ફિલ્મોમાં અચ્છો સંગીતકાર હતો અને અનિલના સસરા તે મશહુર ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક આત્મારામ ! આ આત્મારામ એવરેજ ટાઈપની સામાજિક ફિલ્મો બનાવી લેતા હતા, જેના સગા ભાઈ તે ગુરુદત્ત ! ‘કાગઝ કે ફૂલ’ અને ‘પ્યાસા’ જેવી અદ્ ભૂત ફિલ્મો બનાવનાર ગુરુદત્તનો વારસો ઉતર્યો છે મહિલા દિગ્દર્શક કલ્પના લાજમીમાં !

હવે આ કલ્પના લાજમી કોણ ? તો કહે, ગુરુદત્તની પત્ની ગીતા દત્ત અને ગીતા દત્તની નણંદ (એટલે ગુરુદત્તની બહેન ! યાર) લલિતાનાં લગ્ન ગોપી લાજમી નામના સજ્જન સાથે થયાં અને તેમની પુત્રી તે ‘રૂદાલી’ અને ‘દમન’ જેવી નારીવાદી ફિલ્મો બનાવનારી કલ્પના લાજમી ! સમજ્યા ?

ટુંકમાં, હજી તો એક જ અશોકકુમાર નામની ડાળી હલાવી છે ત્યાં આટલાં બધાં ડાળખાં જોડાયેલાં નીકળ્યાં ! હવે ફરી પાછા જઈએ કે. આસિફવાળી ડાળી ઉપર ! આસિફ સાહેબની પહેલી પત્ની સિતારાદેવીની સગાઈ છેક ગાયક રણજિત બારોટ અને ગાયિકા સુષ્મા શ્રેષ્ઠ સાથે તો નીકળી પણ એ જ કે. આસિફની ત્રીજી પત્ની હતી અખ્તરબાનો. આ અખ્તરબાનોનો સગો ભાઈ કોણ હતો જાણો છો ? દિલીપકુમાર ! મતલબ કે ‘મુગલ-એ-આઝમ’નો હીરો તેના દિગ્દર્શકનો સગો સાળો જ હતો !

હવે કહો, આ દિલીપકુમાર (યુસુફખાન) અને પાકિસ્તાનના ભૂતપૂર્વ સરમુખત્યાર પ્રેસિડેન્ટ ઝિઆ-ઉલ-હક વચ્ચે શું સગાઈ છે ? સમજવા જેવું છે. દિલીપકુમારનાં ભાઈ નાસીરખાન યાદ છે ? (જે ‘ગંગા-જમુના’માં તેનો મોટો ભાઈ બનેલો.) આ નાસીરખાને જેની સાથે નિકાહ કરેલા તે બેગમ પારા, ઝિઆ-ઉલ-હકની માસિયાઈ બહેન થાય ! બોલો.

હવે તમે જ કહો, જ્યારે દિલીપકુમારને પેલો 'નિશાન-એ- પાકિસ્તાન'નો એવોર્ડ મળ્યો હતો ત્યારે બાલ ઠાકરે અને બીજા નેતાઓ વિરોધ કરી કરીને થાકી ગયા છતાં દિલિપભાઈ કેમ મુંગામંતર બનીને બેસી રહ્યા હતા ?

ચાલો છોડો એ ચેપ્ટર જુનું થયું પણ દિલીપકુમારની બીજી સગાઈઓના છેડા પણ જાણવા જેવા છે. પોતાની 44 વરસની ઉંમરે જે 22 વરસની સાયરાબાનુ નામની અભિનેત્રીને પરણ્યા હતા તે સાયરા મશહુર તવાયફ નૃત્યાંગના નસીમબાનોની દીકરી હતી. નસીમબાનોએ પાછળથી ફિલ્મોમાં પણ કામ કરેલું. તેના પુત્ર ( યાને કે સાયરાબાનુના ભાઈ)ની પહેલી પત્ની રાહતબાનુ, બીજીવાર પરણી હતી અય્યુબ ખાન સાથે ! જેના અબ્બા (પિતા) ‘મધર ઇન્ડિયા’ જેવી યાદગાર ફિલ્મ બનાવનાર મહેબૂબ ખાન હતા !

હવે દિલીપકુમારને કોઈ પુછે કે તમારા સાળાની પત્નીના બીજા સસરા અને તમારા સગા બનેવી એકબીજાના શું સગા થાય, તો શુધ્ધ ઉર્દૂ ભાષામાં દિલીપ સાહેબ શું જવાબ આપે ?

(સગાઈઓનાં આ લપસિંદર હજી લાંબા ચાલવાનાં છે. વાંચતા રહેજો.)

***

-મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments