ઘરે બેઠાં બેઠાં વીતી ગયેલી નવરાત્રિઓનો વિચાર કરીએ છીએ ત્યારે જરા હસવું પણ આવે છે અને શરમ પણ આવે છે કે મોટા કોમર્શિયલ પાર્ટી પ્લોટોના ગરબામાં યુવાનો પોતાનાં ચંપલ-મોજડીઓ વગરે કોઈ બીજા પહેરી ન જાય એટલા માટે તેને વચ્ચે રાખીને આજુબાજુ ગોળ ફરતાં ગરબા કરતા હતા !
અલ્યા ભઈ, ગરબાના કુંડાળા વચ્ચે માતાજીનો ફોટો રાખવાનો હોય અને પેલાં કાણાંવાળાં માટલાં, જેમાં દીવા સળગાવ્યા હોય છે, (જેને ‘ગરબો’ કહે છે) તેને મુકવામાં આવે છે.
તમે નહીં માનો, અમને એક શહેરી જુવાનડીએ પૂછેલું કે ‘અંકલ માટલામાં એ લોકો કાણાં શી રીતે પાડતા હશે ?’ મેં કહ્યું, ‘તુ જ કહે ને ?’ તો કહે “આઇ થિન્ક, એ લોકો ડ્રીલ વડે કાણાં પાડતા હશે !” લો બોલો….
હવે એમને શી રીતે સમજાવવું કે જ્યારે માટલાં ઘડાતાં હોય ત્યારે, તેને નીંભાડામાં (આ નીંભાડો એટલે શું એ પણ સમજાવવું પડે) પકવતાં પહેલાં જ એમાં કાણાં પાડ્યા હોય. જોકે આ ગરબા (માટલું)નું ધાર્મિક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ શું છે એ તમે બીજા લેખોમાંથી વાંચી લેજો પણ આજે વાત કરવી છે એ સમયની જ્યારે આ ગરબાઓની પહેલાં નોરતે સીધી સાદી રીતે સ્થાપના થતી (ગોર મહારાજ વિના) અને છેલ્લે નોરતે તેને માતાજીના મંદિરે સમર્પિત અથવા વિસર્જિત કરી આવતા હતા.
આજે તો ગરબામાં નાચવાની જ લ્હાય એટલી બધી છે નવમાં નોરતા સુધી નાચીને અમુક સોસાયટીઓના ઉત્સાહીઓ છેક દશેરાના દિવસે ગરબાઓને માતાજીના મંદિરે મુકવા જાય છે ! (માતાજી પણ મીઠું મીઠું મલકીને એમનો ઉત્સાહ જોતાં એમને માફ કરતા હશે.) બાકી નાનાં ગામડાંઓમાં અને ટાઉન્સમાં નવમું નોરતુ એટલે આખા ગામનો સામુહિક ઉત્સવ !
સૌ એક જ ઠેકાણે ભેગા થાય… માતાજીના મંદિરે ! જી હા, ગામનાં અલગ અલગ ફળિયાં, મહોલ્લા કે શેરીઓમાં (અને સોસાયટીઓ પણ) જેણે જેણે ગરબો માંડ્યો હોય તેઓ નવમા નોરતે આરતી વગેરે કર્યા પછી માત્ર પાંચ ગરબા રમીને પેલી ગરબાની માટલીઓ ઉપાડી લે. પછી જવાનું ગામના કે ટાઉનના માતાજીના મંદિરે…
અહીં વારાફરતી એક પછી એક મંડળીઓ આવે અને જાણે એકબીજાને બતાડી દેવાની (ઇમ્પ્રેસ કરવાની) હરિફાઈ હોય એમ માતાજીના ચોકમાં પાંચ ગરબા રમવાને બહાને એક આખો કલાક ખેંચી કાઢે ! એમાંય વળી જે શેરીના ગરબા સૌથી બેસ્ટ હોય એ તો છેલ્લે છેલ્લે એન્ટ્રી મારે ! જેમ જેમ મંડળીઓ આવતી જાય તેમ તેમ એ જ લોકો પ્રેક્ષકોમાં ઉમેરાતા જાય. આમ કરતાં કરતાં છેલ્લી મંડળીનું કામ પતે ત્યાં સુધીમાં તો પરોઢ ગઈ હોય !
આજે પણ (આ વારેઘડીએ લખાઈ જાય છે ! કોરોનાને કારણે ‘આજે’ ગરબા બંધ છે, છતાં’ !) મોટાભાગનાં ગામોમાં અને નાના ટાઉન્સમાં આ પરંપરા ચાલુ છે. શહેરની સોસાયટીઓની મંડળીઓ નીકળે ત્યારે ઘોંઘાટ વધારે કરે છે અને મંદિરે જઈને ત્યાં ગરબા રમે ય ખરા અને ના પણ રમે. ચાલો, જેની જેવી ઇચ્છા ! હવે તો એવું પણ થવા માંડ્યું છે કે નવમું નોરતું રમીને તમે ઘરે પાછા જતા હો તો દશેરાના ફાફડા-જલેબીની હાટડીઓ ખુલી ગઈ હોય છે !
આખી વાતમાં વડીલોએ બહુ ટેન્શનો ના લેવાં કારણ કે જે વહેણ બદલતી રહે, એ નદીનાં પાણી હંમેશાં તાજાં રહે છે. બાકી, બંધિયાર તળાવો જતે દહાડે ગંધાવા લાગે. ઓકે ?
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment