લ્હાણીઓ, ઈનામો અને નવરાત્રિના નાસ્તા

‘આ વખતે લ્હાણીમાં શું આપવાનું છે ?’ ‘ગયા વરસ જેવી પાતળી છોતરાં જેવી ડીશો ના આલતા’ ‘અમે તો જે વાટકીઓ આપેલી તે હજી બધાનાં રસોડામાં પડી છે’ ‘ભઈ, પ્લાસ્ટિકની આઈટમોનું કંઈ વિચારો, બજેટ ઓછું છે ને મોંઘવારી વધતી જાય છે.’


એક સમયે પોળોમાં અને મહોલ્લાઓમાં નવરાત્રિની લ્હાણી થતી. ઘેર ઘેર ઉઘરાણું થતું. તે વખતે મહોલ્લાના આગેવાનોમાં આવી ચર્ચાઓ ચાલતી.

લહાણી માટે અમુક સધ્ધર કુટુંબો વધારે પૈસા આપતા પણ એમાં શું વટ પડે ? એટલે અમુક મહોલ્લાઓમાં આરતીની ‘ઉછામણી’ થતી ! ખાસ તો આઠમની આરતી માટે રીતસરની ‘બોલીઓ’ થતી. (IPLનું ઓક્શન થાય છે એવું, લગભગ) અમુક મહોલ્લામાં પાંચ જણાની આરતીની લિમિટ હોય તો અમુકમાં સાત જણાની. જે ઘરેથી સૌથી ઊંચી બોલી બોલાઈ હોય તે ઘરની વહુ (કે ધણિયાણી) આરતી કરવા માટે ખાસ સરસ મઝાનું શેલું પહેરવામાં અને તૈયાર થવામાં જાણી જોઈને મોડું કરતી! જેથી બધા એમની રાહ જોતાં ઊભાં રહે !

આ જે રકમ ભેગી થાય એમાંથી ઘેર ઘેર કોઈ ચીજવસ્તુની લ્હાણી થતી. મહોલ્લાના મોવડીઓ બજારમાં જાય. સાત દુકાને ફરે, સત્તર ચીજો જુએ, ગંભીર ચર્ચા વિચારણા કરે પછી કમ સે કમ બે કલાકે નિર્ણય લેવાય ! છતાં લ્હાણી મળ્યા પછી અમુક ખાસ લોકોનાં મોં મચકોડાયેલાં જ હોય ! એ કારણ હશે કે કોઈ બીજું, પણ ધીમે ધીમે લ્હાણી પ્રથા જતી રહી.

એ પછી વચમાં એવો ગાળો હતો જ્યારે છેલ્લા નોરતે ‘ઇનામો’ આપવામાં આવતાં ! નાનાં બાળકો માટે કંપાસ – બોક્સ, રબર-પેન્સિલનો સેટ અને બે નોટબુક હોય. તો વળી મોટી છોકરીઓ માટે માથામાં નાંખવાની પિન, પાવડરનો ડબ્બો કે હેન્ડલવાળો અરીસો રાખતા !

આ બધા ઇનામો કોણ નક્કી કરે ? તો કહે, મહોલ્લામાં જેણે સૌથી વધુ ‘ફાળો’ નોંધાવ્યો હોય તેના પ્રમુખપદે એક ‘પેનલ’ રચાઈ હોય ! એ તો ઠીક, પણ ઇનામો વહેંચતા હોય ત્યારે અચાનક કોઈ દિલદાર દાતા ‘ફલાણી બેબીને મારા તરફથી એકાવન રૂપિયા !’ એવી જાહેરાત કરે ! આમાં મહોલ્લાની (કે સોસાયટીની) સૌથી ક્યુટ બેબલી પાસે તો ઈનામોનો ઢગલો થઈ જાય.

જ્યારે ટીવી યુગ આવ્યો અને ગરબામાં સોળ સ્ટેપ, અઢાર સ્ટેપ અને સાડા ઓગણીસ સ્ટેપ  શરૂ થઈ ગયાં ત્યારે શહેરના ઝાકઝમાળભર્યા ગરબાઓમાં માનવંતા નાગરિકો અથવા કોઈ મિડલ સાઈઝના ફિલ્મ સ્ટારને જજ તરીકે બેસાડવામાં આવતા. જોવાની મઝા એ રહેતી કે જેને ઇનામની લ્હાય હોય એ લોકો જ્યાં જજ બેઠા હોય ત્યાં જ ઉછળ્યા કરતા હોય !

આ ઇનામોવાળું તો હજી અમુક ઠેકાણે જ ચાલે છે. પણ ‘નાસ્તા’ ઠેર ઠેર વ્યાપી ગયેલા. બાર સાડાબાર વાગે એટલે એક બ્રેક પડે. જાણે નાચી નાચીને શું ય એવા થાકી ગયા હોય એમ બધા પ્લાસ્ટિકની ખુરશીઓમાં કે ઓટલે બેસી જાય. (ગરબા રમવાનું જ સવા અગિયારે ચાલું થયું હોય, છતાં !) પછી ત્રણ બાઈકો ઉપર આઠ જણા નાસ્તા લેવા જાય !

કોઈ દહાડો સમોસા, કોઈ દહાડો કચોરી, કોઈ દહાડે વળી સેવપુરી ને ભેળ આવે. કોણે કઈ આઇટમ મંગાવવા માટે પૈસા આપ્યા તેની વાહવાહ ચાલે, ક્યારેક એમની ‘જે’ બોલવામાં આવે !  પછી વધેલા નાસ્તા પેપરડીશોમાં મુકી, ઉપર પેપરડીશો ઢાંકીને પેપરડીશોનાં બલ્ક પેકિંગમાં નાનાં ટેણિયાઓ દ્વારા ઘેર રવાના કરવામાં આવે.

આખા આ ‘રિચ્યુઅલ’માં સૌથી વધુ ક્રેડિટ પેલા નાસ્તા લઈ આવનારા ખાતા હોય. “મેં ઊભા રહીને ગરમાગરમ બનાવડાયા હોં !” “અરે, ચટણીનું તો મેં યાદ કરાયું, બાકી ભૂલી જ જવાના હતા.” “બોલો, કાલે શું મંગાવવાનું છે, અત્યારથી ફાઈનલ કરો, ભૈ !”

આ વખતે તો નાસ્તા-બાસ્તા કશું જ નથી. છેલ્લે છેલ્લે ચાર-પાંચ વરસમાં તો એવો સીન થતો હતો કે આઠ ઘરની આરતીનો પ્રસાદ એક જ પડિયામાં આવી જતો હતો પણ નાસ્તાની છ-છ પેપર ડીશોનો ‘બફર-સ્ટોક’ થઈ જતો હતો.

ચાલો, આ વરસે યાદોનો બફર સ્ટોક વાપરી નાંખ્યો છે પણ આશા રાખીએ કે આવતા વરસે નવી નવરાત્રિઓ માણવાને બદલે બળદિયાઓની જેમ બેઠાં બેઠાં આ જ યાદોનો સ્ટોક વાગોળતાં બેસી રહેવાનો વારો ના આવે.

જય માતાજી.

***

E-mail : mannu41955@gmail.com

Comments