ચાલો, આ વખતની નવરાત્રિ તો ગરબા વિનાની ગઈ પણ શું ગુજરાતીઓને કોઈ ગરબા કરતાં રોકી શકે ? જો આપણે લગ્નના વરઘોડામાં ગરબા રમી શકીએ છીએ તો હવે બધું નોર્મલ થાય પછી ક્યારે ક્યારે રમી નાંખીશું ગરબા ? અત્યારથી પ્લાનિંગ કરી લો…
***
સ્કુલો ખૂલે ત્યારે
મમ્મીઓ પોતાનાં બાળકોને સ્કુલે મુકવા જશે… ટેણિયાંઓ ‘બાય બાય’ કરીને અંદર જશે… પછી બહાર, રોડ ઉપર, સ્કુલ-વાન અને સ્કુલ-રીક્ષાઓ જાય કે તરત… એ હાલોઓ… ગરબા કરીશું !
***
કોલેજો ખૂલે ત્યારે
તમને શું લાગે છે, કોલેજો ખુલ્યા પછી સ્ટુડન્ટો છેક એન્યુઅલ ડેની રાહ જોશે ? અરે, નવા સ્ટુડન્ટોને આવકારવા માટે ફ્રેશર્સ પાર્ટી થશે ત્યારે એના ડીજેને કહેવામાં આવશે : “બકા, આ વેસ્ટર્ન બોલીવૂડ બધું બંધ કર ! ચલ, ગરબા ચાલુ કર ગરબા !”
***
થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર
જો બધું સમુંસુતરું પાર ઉતર્યું અને ડિસેમ્બરમાં જો બજારો ખુલી ગયાં તો બોસ, લખી રાખજો, 31 ડિસેમ્બરની રાતે સડકો ઉપર અને પાર્ટીઓમાં ગરબા જ થવાના છે !
***
મોલમાં ગરબા
અને હા, 31 ડિસેમ્બર પહેલાં જો મોલ ખુલી ગયા હશે તો એના ખુલ્લા ગ્રાઉન્ડ ફ્લોરમાં કંઈ સાન્તાક્લોઝને નચાવવાના છે ? ના ભઈ ના, અહીં તો આખા ફ્લોરમાં ફેલાય એવડા મોટા ગરબા થશે !
***
ઉત્તરાયણમાં ગરબા
આખી સોસાયટીએ ભેગા થઈને નક્કી કરવાનું કે ભઈ, આપણા બધાની સાઉન્ડ સિસ્ટમમાં એક જ FM સ્ટેશન વાગવું જોઈએ ! એ FM ઉપર ગરબા જ વાગતા હશે ! પછી તો એ હાલોઓઓ… આખા શહેરનાં ધાબાં ઉપર ગરબા જ ગરબા !
- હવે એમ ના પૂછતા કે વેલેન્ટાઈન ડે ઉપર શું કરવાનું છે ! ગરબા જ હોય ને ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment