2019 અને 2020ની સાલમાં બસ, આમ જોવા જાવ તો માત્ર ઓગણીસ વીસનો જ ફરક છે ! જુઓને…
***
ઓગણીસમાં…
છોકરાંઓને કહેતા હતા કે ફોન ‘મુક’ અને ભણવામાં ધ્યાન આપ.
વીસમાં…
છોકરાંઓને કહીએ છીએ કે ફોન ‘લે’ અને ભણવામાં ધ્યાન આપ !
***
ઓગણીસમાં…
કામવાળી ચાર દિવસ ના આવે તો પૂછતા હતા કે ‘કેમ નહોતી આવતી ?’
વીસમાં…
કામવાળી ચાર મહિના પછી આવે તોય પૂછે છે “કેમ આવી ?”
***
ઓગણીસમાં…
જે પુરુષોને રાંધવામાં રસ ધરાવતા હોય તેને ‘ફૂડી’ કહેતા હતા.
વીસમાં…
જે પુરુષોને રોટલી, દાળભાત, શાક બનાવતાં આવડે છે તેને ‘પતિ’ કહે છે !
***
ઓગણીસમાં…
દેશની લોકશાહી ખાતર લોકો મતદાન મથકની બહાર લાઈન લગાવીને ઊભા હતા.
વીસમાં…
દેશના અર્થતંત્ર ખાતર લોકો દારૂની દુકાનની બહાર લાઈનો લગાવીને ઊભા હતા !
***
ઓગણીસમાં…
સેંકડો ખેડૂતો શા માટે આત્મહત્યા કરે છે તેની ચર્ચા માંડ ચાર કલાક ચાલતી હતી.
વીસમાં…
સુશાંત સિંહ રાજપૂતે શા માટે આત્મહત્યા કરી તેની ચર્ચા ચાર ચાર મહિના લગી ચાલતી રહી !
***
ઓગણીસમાં…
જવા દો ને, હેલ્મેટ પહેરતાં જોર આવતું હતું !
વીસમાં…
બધા કેવા માસ્ક પહેરતા થઈ ગયા !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment