કપૂર ખાનદાનની ઓછી જાણીતી સગાઈઓ

જે રીતે ઇતિહાસના પાઠ્ય-પુસ્તકોમાં છોકરાંઓ મુઘલવંશને ગોખી મારતા હતા કે બાબરનો દિકરો હુમાયુ અને હુમાયુનો દિકરો અકબર, પછી અકબરનો જહાંગીર અને જહાંગીરનો શાહજહાંન... એ રીતે અમારી પેઢીએ કપૂર ખાનદાનની ટેકસ્ટ-બુક બાળપણથી જ ગોખી મારેલી !


પૃથ્વીરાજ કપૂરને ત્રણ દીકરા. એક  રાજકપૂર, બીજો શમ્મીકપૂર અને ત્રીજો શશીકપૂર. પછી રાજકપૂરને ત્રણ દિકરા એક રણધીર કપૂર, બીજો રિશી કપૂર અને ત્રીજો રાજીવ કપૂર (રામ તેરી ગંગા મૈલી)... પણ શમ્મીકપૂરવાળું આવે એટલે ખાસ યાદ ના હોય ! શશીકપૂરની એટલી ખબર, કે તે કોઈ વિદેશી ગોરીને પરણેલો. પણ એનાં છોકરાં શું ઉકાળે એની ખાસ ખબર નહોતી...

પણ આ ગૂગલ મહારાજને પૂછ્યું તો ભાઈ ચક્કર ખાઈ ગયા કે આ કપૂર પરિવારના સાંધા ક્યાંના ક્યાં અડે છે ! સુરિન્દર કપૂર પરિવાર, બચ્ચન પરિવાર, પટૌડી ખાનદાન, ટાગોર પોરિબાર, નંદા ફેમિલી અને શિવદાસાની કુટુંબ... ઓહોહો ?

જે જાણીતા અને સફળ કપૂરો છે એની તો આપણને ખબર છે પણ રાજકપૂરની અમુક ઓછી જાણીતી સગાઈઓની આપણને ખબર નથી, જેમકે રાજ સાહેબ જેને પરણ્યા તે ક્રીષ્નાના ત્રણ ભાઈઓ હતા. (ત્રણ સાળાઓ એમ વાંચો) એમાં સૌથી મોટો સાળો તે પ્રેમનાથ. શરૂઆતમાં તે હેન્ડસમ હતો અને હીરો તરીકે આવતો.

રાજકપૂરે બનાવેલી ‘બરસાત’માં તો  આ સાલે સાહેબનો પેરેલલ રોલ હતો ! (બબ્બે સુપરહિટ ગાયનો તેની ઉપર પિક્ચરાઈઝ થયેલાં, 'પતલી કમર હૈ તીરછી નજર હૈ' અને 'બરસાત મેં તાક ધીના ધીન' ! ) જોકે હીરો તરીકે પ્રેમનાથનું તાક ધીના ધીન બહુ વરસો ના ચાલ્યું અને તે લગભગ ગુમનામ થઈ જાત.. પણ ફિલ્મ ‘જ્હોની મેરા નામ’માં વિજય આનંદે (એ પણ ત્રણ ભાઈઓ હતા, એમના છેડા જરા વિચિત્ર છે, એટલે પછી વાત) વિલન તરીકે પ્રેમનાથનો કમ-બેક કરાવી આપ્યો. પછી રાજ સાહેબે સાળા પ્રેમનાથને ‘બોબી’માં પોઝિટીવ છતાં પ્રભાવી કેરેક્ટર રોલ આપીને સિતારો બુલંદ કરી આપ્યો.

રાજ સાહેબના બીજા સાળા તે કોમેડિયન રાજેન્દ્રનાથ ! વિચિત્ર પહેરવેશ, સ્ટુપિડ હરકતો અને અજબ પ્રકારના ચેનચાળા વડે તેણે ‘કીશોરકુમાર પરંપરા’ની કોમેડી આગળ વધારી એમ ગંભીરપણે કહી શકાય. છેલ્લે રાજ સાહેબનો ત્રીજો સાળો તે નરેન્દ્રનાથ, જેણે  ’70ના દાયકામાં ખતરનાક વિલન તરીકે એન્ટ્રી લેવાની નિષ્ફળ કોશિશ કરી. નવાઈની વાત એ છે કે ભાઈ નરેન્દ્ર આજકાલ કોમેડી સિરિયલ ‘ભાભીજી ઘર પે હૈ’માં ક્યારેક દેખાઈ જાય છે !

હવે પ્રેમનાથની વાત કરીએ તો તે પોતાની જુવાનીમાં તે મશહુર અને ખુબસુરત હિરોઈન બીના રોયના પ્રેમમાં પડ્યા અને પરણી પણ ગયા. એમના થકી જે દીકરો થયો તે પ્રેમ કીશન. આ પ્રેમ કિશન કયો ? તો અંકલ, યાદ કરો ‘દુલ્હન વહી જો પિયા મન ભાયે !’ એમાં તે હીરો હતો. પાછળથી હીરોગીરી છોડીને પ્રેમ કિશને ‘સિને વિસ્ટા’ નામની પ્રોડક્શન કંપની બનાવીને દુરદર્શનના જમાનામાં ડઝનબધ સિરિયલો બનાવી. અને હલો, એમનો દિકરો સિધ્ધાર્થ પી. મલ્હોત્રા જેણે ‘હિચકી’ અને ‘વિ આર ફેમિલી’ જેવી મલ્ટીપ્લેક્સ ફિલ્મો બનાવી છે. બોલો.

રાજકપૂરના ત્રણ દીકરા રણધીર, રિશી અને રાજીવ તો જાણીતા થયા પણ એમની જરાય જાણીતી નહીં એવી દિકરી રિતુ કપુરને પરણાવી જાણીતા ઉદ્યોગ પરિવાર નંદા ફેમિલીમાં. (જે ‘એસ્કોર્ટ્સ’ ગ્રુપના માલિકો છે.) હવે જોવાની વાત એ થઈ કે એ જ નંદા પરિવારમાં, એ જ રિતુ નંદાની પુત્રવધુ બનીને પધારી અમિતાભ બચ્ચનની દિકરી શ્વેતા બચ્ચન ! લો બોલો, કપૂર ખાનદાન અને બચ્ચન પરિવાર તો એકબીજાનાં ‘ગાઢ’ સગાં જ થઈ ગયા ને ?

કપૂર ખાનદાનની વધુ એક ઓછી જાણીતી વાત એ છે કે એક સમયે રાજકપૂરની નાની દિરી રીમા અને રાજેન્દ્ર કુમારના દિકરા કુમાર ગૌરવની સગાઈ થઈ ગઈ હતી ! પછી  એ સગાઈ તૂટી ગઈ અને રીમાને પરણાવી વધુ એક ઉદ્યોગપતિના ઘરમાં, જેથી તે બની રીમા મનોજ જૈન. અને તેમનો ગોરો સરખો છોકરો ‘હીરો બનું હીરો બનું’નાં અરમાન લઈને એક ફિલ્મમાં આવ્યો પણ કરો. (નામ : અરમાન જૈન, ફિલ્મ : લેકર હમ દિવાના દિલ) પણ પછી પોતાનું દિવાના દિલ પાછું લઈને લાઈમ-લાઈટથી દૂર છે.

બીજી બાજુ, કપૂર ખાનદાનની પરંપરા હતી કે માત્ર દિકરાઓ જ ફિલ્મોમાં કામ કરશે અને દિકરીઓ લાઈમ લાઈટમાં નહીં આવે.. તથા ઘરમાં ફિલ્મી બેકગ્રાઉન્ડવાળી કોઈ છોકરી વહુ બનીને ‘હરગિઝ’ નહીં આવે... તો એમાં બળવો પોકાર્યો રણધીર-બબિતાએ! આમાં બબિતા તો ઓલરેડી સાધનાની માસિયાઈ બહેન હતી ! બોલો, કેવું કહેવાય ?

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments