રાવણ ફરતો ફરતો આજની દુનિયામાં આવી પહોંચ્યો. હજી ચાર રસ્તા ક્રોસ કરીને આગળ જાય છે ત્યાં પોલીસે પકડ્યો.
“ચલો, દસ હજાર રૂપિયા કાઢો.”
‘દસ હજાર ? શેના ?’
‘માસ્ક ના પહેરો તો એક હજાર રૂપિયાનો દંડ છે, ખબર નથી ?’
‘હા, પણ હું તો એકલો જ છું.’
‘આ બાકીના નવ ચહેરાનો દંડ કોણ, મારો બાપ ભરશે ?’
***
રાવણ મલ્ટિ-પ્લેક્સમાં મુવી જોવા ગયો. એણે કહ્યું : ‘એક ટિકિટ આપો.’
‘ના મળે.’
‘કેમ ?’
‘નિયમોનો ભંગ થાય છે.’
‘કેવા નિયમોનો ?’
‘સોશિયલ ડિસ્ટન્સના નિયમોનો ! તમે તો વચલી સીટમાં બેસશો પણ આજુબાજુની બે સીટમાંથી તમારા આ માથાં બેઠાં હશે એનું શું ?’
***
મંદોદરી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ હતી. રાવણ હજી તૈયાર થતો હતો.
મંદોદરીએ કહ્યું “ચાલો, કેટલી વાર ? મોડું કરશો તો ફાફડા-જલેબીની દુકાનો બંધ થઈ જશે.”
રાવણ અકળાયો. “તારે તો ઠીક છે, એક જ સાડી પહેરવાની છે, અહીં મારે દસ દસ માસ્કો પહેરવાનાં હોય છે !”
***
રાવણે ફાફડા-જલેબીની દુકાને ફરિયાદ કરી ‘યાર, તમારા ફાફડા-જલેબીમાં ખાસ મઝા ના આવી.’
‘ક્યાંથી આવે ?’ દુકાનવાળો બગડ્યો. ‘તમારાં એક સાઈડનાં માથાં ફક્ત ફાફડા ખાય છે. બીજી સાઈડનાં માથાં ફક્ત જલેબી ચાવે છે. અને વચ્ચેનું તમારું મોં ચટણી જ પધરાવ્યા કરે છે !’
***
રાવણે રડતાં રડતાં જઈને કેરોસીન વેચતા ફેરિયાને કીધું ‘જિંદગી જીવવા જેવી નથી રહી ભાઈ… મને વીસ લીટર કેરોસીન આપી દે.’
‘કેમ શું થયું ?’
‘આ વખતે બધા રાવણ દહનના પ્રોગ્રામ કેન્સલ છે… મારે તો જાતે જ બળી મરવું પડશે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment