ઓક્સિમોરોન ઘટનાઓ !

હમણાં ક્યાંક વાંચ્યું કે અમુક લોકોમાં ‘બેઠા ગરબા’ રમવાની પરંપરા છે !


અમે માથું ખંજવાળ્યું… ‘બેઠા ગરબા’ વળી રમવાના હોય ? જો બેઠા બેઠા ગાતા જ હોય તો એને ‘ગરબા-ગાન’ શા માટે નથી કહેતા ?

પછી વિચાર કરતાં ખ્યાલ આવ્યો કે દેશમાં અને જગતમાં એવી એવી ઘટનાઓ બને છે કે જેને ‘ઓક્સિમોરોન’ (જે કહેવા માગે છે તેનું જ વિરોધાભાસી) કહેવી પડે ! જુઓ નમૂના...

***

આખા દેશમાં જેની ખુબ જ ચર્ચા છે તે બળાત્કારની ઘટનામાં આવેલા મેડિકલ રિપોર્ટમાં જણાવાયું છે કે પિડીત મહિલા ઉપર બળાત્કાર થયો નહોતો.

***

દેશની ન્યાયપ્રક્રિયામાં અસહ્ય વિલંબ શા માટે થાય છે તેની તપાસ કરવા માટે ચાર નિવૃત્ત જજોની પેનલ બનાવવામાં આવશે. તેઓ તેમનો રિપોર્ટ બે વરસમાં આપી દેશે.

***

… રસપ્રદ વાત એ છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટનો આ ચૂકાદો આવતા સાડા ત્રણ વરસ થયાં છે.

***

હોલીવૂડની ફલાણી ફલાણી અભિનેત્રીએ સોશિયલ મિડિયામાં એક વિડીયો વડે એ વાત શેર કરી હતી કે બાળપણમાં મારી ઉપર બળાત્કાર થયો હતો એ વાત મેં કોઈને કીધી જ નથી.

અભિનેત્રીના આ વિડીયોને 10 મિલિયન લોકો દ્વારા જોવામાં આવ્યો છે.

***

જાણીતા ક્રિકેટર અને તેની અભિનેત્રી પત્નીએ પોતાના હનીમૂનની અંગત પળોની ખુબસુરત તસવીરો સોશિયલ મિડિયામાં શેર કરતાં નીચે કોમેન્ટ કરી હતી કે અફસોસ, અમારી પર્સનલ લાઈફ પર્સનલ રહેતી જ નથી.

***

1 લાખ 86 હજાર કરોડના કૌભાંડમાં નિર્દોષ છૂટેલા તમામ આરોપીઓએ કહ્યું હતું કે અમે કોર્ટના આદેશનો આદર કરીશું.

***

112 રને હારી ગયેલી ટીમના કેપ્ટને કહ્યું હતું કે અમારી ટીમના ખેલાડીઓ ધીમું રમ્યા તેથી અમે હારી ગયા.

***

- મન્નુ શેખચલ્લી

Comments