વોટ્સએપમાં પેલા ચીનાઓ ભેગા મળીને ગરબાની પ્રેક્ટિસ કરતા હોય એવું જોઈને અમારો તો જીવ બળી જાય છે ! હૈયામાંથી એકસોને અડતાળીસ ડિગ્રીના ફળફળતા નિશ્ર્વાસ નીકળે છે કે અરેરે… શું ગયા વરસોની નવરાત્રિઓ હતી….
કવિની ભાષામાં કહીએ તો ‘યાદોનાં વંટોળિયાં’ ચારેબાજુ ‘ચક્કરડી ભમ્મરડી ફરતાં રહે છે’ કે… આહાહા… કેવાં સરસ મઝાનાં એ નોરતાં હતાં ! રાતનાં બબ્બે વાગ્યા લગી સોસાયટીઓમાં મોટા અવાજે સ્પીકર ઉપર ગરબાની પેન-ડ્રાઈવો વાગતી હતી… રાત્રે ત્રણ-ત્રણ વાગ્યા લગી કપલિયાંઓ સ્કુટીઓ અને બાઈકો ઉપર આઇસ્ક્રીમો ખાવા માટે રોડ ઉપર હડીયું કાઢતાં હતાં. “અરે બોસ, કોઈ બી ક્લબના પાસ જોઈતા હોય તો આપડાને કહેવું”… એવી ડંફાશો મારનારા બિચારા આજે એટલા ડિપ્રેસ થઈ ગયા છે કે ઓનલાઈન ગરબામાં પણ લોગ-ઈન થતા નથી.
જરા યાદ કરો, એક વરસે આખું ગુજરાત ‘ઢીકલાંગ ઢીકલાંગ’ વાળા ગરબાની એક્શનો કરતું હતું… એના થોડા વરસ પહેલાં ‘ઢોલી તારો ઢોલ વાગે…’ની ટ્યૂન ઉપર હજારો ખેલૈયાઓ સલમાનો અને ઐશ્ર્વર્યાઓના વહેમમાં ઉછળ્યા કરતા હતાં. આ વખતે તો છેક જાન્યુઆરીથી નક્કી હતું કે ‘હેલ્લારો’ના પેલા બે-ત્રણ ગરબા તો સ્ટેપ-બાય-સ્ટેપ ગોખી જ મારવા છે, પણ…
શું કરીએ યાર ? યાદોની વણઝારો રોકી રોકાતી નથી. એક જમાનો હતો જ્યારે આ બધી પેન-ડ્રાઈવો બેન-ડ્રાઈવો કશું નહોતું. એ વખતે સાદી ગરબાની કેસેટો વાગતી હતી. રાતના રોડ ઉપર સ્કુટર લઈને નીકળો તો એક સોસાયટી છોડીને બીજી સોસાયટીમાં ‘એ હાલો… પેલા બામ્બુ બિટ્સના ગરબા…’ વાગતા જ હોય !
કેસેટોના જમાના પહેલાં ‘ઓરકેસ્ટ્રા’નો જમાનો હતો. સોસાયટીના જ ચાર જણા ઢોલ વગાડવા બેસી જતા હતા. સોસાયટીનો જ એકાદ છોકરો ‘કેશિયો’ ઉપર ગુજરાતી ગરબા અને હિન્દી ગાયનોની ‘મેડલી’ બનાવીને ‘લાઈવ રિમિક્સ’ વગાડતો હતો ! આહાહા… શું જમાનો હતો !
રાત્રે બાર વાગે ગરબા બરોબર ફૂલસ્પીડમાં ચગ્યા હોય ત્યારે ફરજિયાત રીતે ‘નાગિન’ની ધૂન ‘ટેણેં ટેણેં ટેણેંણેંણે…’ કરતી ગાજી જ ઊઠી હોય ! એ તો ઠીક, સુપર-સ્પીડવાળો છેલ્લો ગરબો પતે અને બધા થાકીને ઠૂસ થઈ ગયા હોય પછી ધીમે રહીને ઢોલ ઉપર ‘ધન ધતૂડી પતૂડી’ ચાલુ થતું ! બધા એના તાનમાં આવે ના આવે ત્યાં તો સૌના દિલમાં દેશભક્તિનાં પુર આવતાં અને ‘યે દેશ હૈ વીર જવાનોં કા…’ ઉપર લગભગ રાષ્ટ્રિય એકતાની પરંપરા હોય એ રીતે ‘ભાંગડા’ ડાન્સ થતો હતો.
પણ એ જમાના ગયા. હવે આ વરસે શું ઓનલાઈન ‘ધતૂડી પતૂડી’ કરવાના ? ઓનલાઈન ડાંડીયા-રાસ પણ માંડ માંડ થાય એવી હાલત છે. આપણે ભલે લેવા ખાતર ગર્વ લઈએ કે બોસ, આ ફેરી તો છેક લંડન અને ટોરેન્ટોથી ગુજરાતીઓ ઓનલાઈન જોડાયા છે. પણ યાર, લાઈવ એટલે લાઈવ, શું કહો છો ?
જુઓને, કેસેટના જમાના પહેલાં તો કેવાં નોરતાં થતાં હતાં ! સોસાયટીની બે ચાંપલીઓ (અથવા ખડૂસ ખુરશી પ્રેમી નેતા જેવા વડીલ) માઈક ઉપર ચોંટ્યા એ ચોંટ્યા ! બીજા કોઈને ચાન્સ જ ના મળે ! છેક ‘આરતીનો ટાઈમ થઈ ગયો છે….’ એવા એનાઉન્સમેન્ટથી શરૂ કરીને છેલ્લે બધાના કાન પાકી ગયા હોય છતાં આખરી ‘આજ કે આનંદ કી… જય !’ બોલાવ્યા વિના માઇક ના છોડે એવી જળોને પણ યાદ કરવી પડે ને ?
બાકી, એ પહેલાં તો ક્યાં ‘ગરબા’ જ થતા હતા ? માઇક વિના, સ્પીકર વિના, ઢોલ ડ્રમ કેસિયોના ઓરકેસ્ટ્રા વિના, ફેન્સી ચણિયા-ચોળી વિના, સાદા કપડામાં જાતે જ ત્રણ તાળી કે એક તાળીના ગરબા ગાઈ નાંખવા પડતા હતા, નહીં ?
હવે કોઈ વડીલ એમ કહેશે કે મન્નુભાઈ, અસલી ગરબા તો એ જ હતા ! બોલો…
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment