ઓનલાઇન ગરબાના નવાં સ્ટેપ !

હવે જ્યારે ‘વર્ક ફ્રોમ હોમ’ની જેમ ‘ગરબા ફ્રોમ હોમ’ કરવાનું જ છે ત્યારે ઓનલાઇન ગરબામાં શું ફક્ત ડ્રોઇંગરૂમમાં જ સાદી રીતે પતાવી દેવાના છે ?


ના ભઇ ના, અમારી પાસે ઓનલાઈન ગરબાનાં નવાં નવાં સ્ટેપ્સ છે !....

***

પાટલા ગરબા

જે રીતે એક જમાનામાં અમુક બહેનો માત્ર એક જ થાળી ઉપર પગ ગોઠવીને ગરબાના કરતબ બતાડતી હતી એ રીતે તમે થાળી ઉપરાંત પાટલા ઉપર પણ ગરબા કરી શકો છો !

***

સોફા ગરબા

ગરબાના મેદાનમાં તો બહુ ઠેકડા મારતા હતા હવે ડ્રોઈંગરૂમમાં ક્યાં ઠેકડા મારશો ? તો જવાબ છે સોફામાં ! યાર, પોચા સરસ મઝાના સોફા હમણાં નહીં તો ક્યારે કામમાં આવશે ?

અહીં તો ઉછળી ઉછળીને પીઠ ઉપર પણ પડી શકાય છે… ફરી ઉછળવા માટે !

***

લીસ્સા ફ્લોર ગરબા

લીલી પ્લાસ્ટિકની ચાદરો ચોંટાડેલા મેદાનો કરતાં આપણા ડ્રોઇંગરૂમના લીસ્સા ફ્લોરની ખાસિયત જ અલગ છે ! અહીં તમે લસરી શકો છો ! લીસ્સા ટાઈલ્સ ઉપર નવાં નવાં સ્ટેપ્સ શોધી કાઢો…  જેમ કે, ફાસ્ટ સ્પીડમાં આવીને બે પગે લપસી પડવાનાં સ્ટેપ ! અથવા, બેઠાં બેઠાં જ ગોળ ગોળ ચકરડી ભમ્મરડી ફરવાનાં સ્ટેપ !

***

સેલ્ફી સ્ટેપ

ગરબે રમતાં રમતાં પોતાની સેલ્ફીનો જ વિડીયો ઉતારો ! એનાથી પણ સારાં  સ્ટેપ કરવાં હોય તો બન્ને હાથમાં મોબાઈલો પકડીને બે એંગલથી સેલ્ફી વિડીયો શૂટ કરો !

***

સેલ્ફી-સ્ટીક સ્ટેપ

માત્ર હાથમાં શા માટે, સેલ્ફી સ્ટીકમાં મોબાઇલ ફીટ કરીને ગરબા રમોને ! આમાં તો બે જણા સામસામી સેલ્ફી-સ્ટીકો વડે ડાંડીયા પણ રમી શકે !

ટ્રાય કરીને વિડીયો મુકજો ! જય માતાજી.

***

- મન્નુ શેખચલ્લી

Comments