અમેરિકાની ચૂંટણી ડિબેટમાં આવું કેવું ?

અમેરિકાના પ્રેસિડેન્ટ માટેની ચૂંટણીમાં બન્ને ઉમેદવારો જે રીતે ચર્ચા કરતા હતા…


***

અમને તો એમ કે…

આપણી ઇન્ડિયાની ટીવી ચેનલોની જેમ મોટો શોરબકોર હશે અને કોઈ કોઈને બોલવા જ નહીં દેતું હોય…

પણ અહીં તો…

ખુદ સંચાલક પણ કંઈ ખાસ નહોતો બોલતો ! હદ કહેવાય.

***

અમને તો એમ કે…

ડિબેટ પછી અમેરિકાના પોતાના પ્રશ્નોનું એનાલિસિસ થશે. જેમ કે દેશનો GDP કેટલો વધ્યો કે ઘટ્યો ? એવરેજ અમેરિકન કેટલો કંગાળ કે સમૃધ્ધ થયો ? અમેરિકાએ દુનિયાભરમાં યુધ્ધો કરીને કેટલા ડોલર બગાડ્યા ? મેક્સિકો બોર્ડરની દિવાલ કેટલી મોંઘી પડી ? બબ્બે વાર શટ-ડાઉન થયું એમાં જે નુકસાન થયું તે માટે કોણ જવાબદાર ? વગેરે…

પણ અહીં તો…

એનાલિસિસ એ વાતોનું ચાલે છે કે એક ઉમેદવારે બીજા ઉમેદવારને કેટલી વાર બોલતાં અટકાવ્યો ? કયા ઉમેદવારની બોડી લેંગ્વેજ કેવી હતી ? કેમેરામાં કુલ કેટલી મિનિટ જોયું ? સામેના ઉમેદવાર સામે કેટલી વાર ભ્રુકુટિ તાણી ? કોણ કુલ કેટલી મિનિટ બોલ્યું ? કોણે કેટલી વાર નાક ઉપર હાથ ફેરવ્યો ? કેટલી વાર બોચી ખંજવાળી ? કેટલી વાર ગળું સાફ કયું ? જબરું કહેવાય ભઈ.

***

અમને તો એમ કે…

જે પાર્ટી સત્તામાં હોય એ હંમેશા એમ જ કહેતી હોય કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ખામી નથી. EVM ઓકે છે, વગેરે…

પણ અહીં તો…

ખુદ ટ્રમ્પ કહેતા હતા કે આ વોટિંગની આખી રીતમાં ગેરરિતીઓ થવાની છે ! બોલો.

***

અમને તો એમ કે…

વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આટલો બધો આગળ વધેલો દેશ એકદમ હાઈ-ફાઈ રીતે ચૂંટણી કરાવતો હશે.

પણ અહીં તો…

બિલકુલ આપણી સાહિત્ય પરિષદની માફક ટપાલના ડબલાંમાં વોટ નાખીને ચૂંટણી થવાની છે ! ભારે કરી !

***

- મન્નુ શેખચલ્લી

 

Comments