નોરતાંનો ઢોલ ખરીદવાના ધખારા !

આ વખતની નવરાત્રિ તો ‘વર્ક ફ્રોમ હોમ’ની જેમ ‘ડાન્સ ફ્રોમ હોમ’ બની ગઈ છે ! આવી ‘ઘેરબેઠાં ગરબા રમો’ ટાઈપની જ્યાં સ્કીમ ચાલી રહી હોય ત્યાં આપણને વીતેલાં વરસોની નવરાત્રિઓ જ યાદ આવે ને…


જેને આપણે ‘પેન-ડ્રાઈવ યુગ’ તથા ‘કેસેટ પ્લેયર કાળ’ પહેલાંનો ‘માઈક-ઢોલ કાળખંડ’ કહીએ છીએ એ જમાનામાં લોકો સીધા સાદા માઈક ઉપર રાગડા તાણીને બાજુમાં એક સીધું સાદું ઢોલ વગાડીને જ ગરબા રમતા હતા. આમાં ઢોલ ખરીદવા જવાનો જે મહિમા હતો તેની વાત જ અનોખી હતી.

સૌથી પહેલાં તો નોરતાંના દસ-બાર દિવસ અગાઉથી સોસાયટીમાં ઘેર ઘેર ફરીને ફાળો ઉઘરાવનારું ઉત્સાહી ટોળું નીકળે… “ના ના માસી, દસ રૂપિયા તો ચાલશે જ નહીં. ઘરમાલિક હોય એણે મિનિમમ એકાવન અને ભાડુઆતે એકવીસ આપવાના જ છે…” આવી લમણાંઝીંકો કરી કરીને માઈક, ‘ફોક્સ લાઈટ’, મંડપ, મંજીરા અને ઢોલનો ખર્ચો ભેગો કરવામાં આવતો.

મૂળ તો ફાળો ઉઘરાવવામાં જ દિવસો વીતી ગયા હોય એટલે છેક છેલ્લે દહાડે સોસાયટીના ચાર ઘેલસઘરાને થાય કે “હેંડો અલ્યા, ડબગરવાડમાં જઈને નવું ઢોલ લઈ આઈયે !”

ડબગરવાડ એટલે અમદાવાદની એ પ્રખ્યાત ગલી જ્યાં ‘ઓરકેશ્ટ્રાવાળા’ કલાકારો માટે ઢોલ, તબલાં, નરઘાં, બોંગો, ડ્રમ્સ વગેરે વેચાતાં મળતાં હતા. જોવાની વાત દર વખતે એ થતી કે પ્રોફેશનલ મંડળીઓ તો નોરતાંના પંદર દહાડા પહેલાં અહીં અગાઉથી આપેલા ઓર્ડર મુજબ, જાતે જોઈ-વગાડીને ઢોલ ખરીદી જતા હત પણ સોસાયટીવાળા ઘેલાઓ છેલ્લા દહાડે જ અહીં આવે !

એક તો ઢોલમાં સાંધાની યે સુઝ પડતી ના હોય છતાં ‘આ કેટલાનું ?’ ‘આમાં બીજું શું શું આવે ?’ ‘વગાડીને બતાડો ને !’ ‘કેટલા વરસની ગેરંટી?’ ‘ફાટી તો નહીં જાય ને ?’ એવા સત્તર સવાલો પૂછવાના પણ ઢોલ શી રીતે વગાડવો એ કોઈને ના આવડતું હોય ! છતાંય, એકાદ ચાંપલો દુકાનના ઓટલે પગની આંટી વાળીને બેસે અને ‘મેરે મનકી ગંગા, ઔર તેરે મનકી જમુના કા…’ એવા કોઈ ફિલ્મી ગાયનના ઢાળ ઉપર નંદુ ભગતે જે ભજન બનાવ્યું હોય તેનો ઠેકો પોતાના દોસ્તારોને વગાડી બતાડે !

ડબગરવાડના દુકાનદારો તો જાણતા જ હોય કે તલમાં કેટલું તેલ છે, છતાં ‘મસ્ત’ વગાડો છો, હોં ! એવો મસકો મારીને ઢોલની કિંમતમાં વીસ રૂપિયા વધારાના ઠોકી લેતા.

ઉત્સાહી જુવાનિયાઓ ઢોલ ‘વહોરીને’ પાછા આવે પછી વારાફરતી એકે એક જણ પોતાનો હાથ સાફ એ રીતે કરવા આવી પહોંચે કે જાણે કોઈનું પાકિટ ચોરતાં પાકિટમાર પકડાયો હોય અને આવતા જતા સૌ કોઈ બે-ચાર ધોલધપાટ મારી લેતા હોય ! એમાંય વળી અમુક દોઢ ડાહ્યા ઢોલ ઉપર રાસ રમવાનો જાડો ડાંડીયો પીટીને ‘વોલ્યુમ ચેક’ કરતોહોય ! બીજા અમુક સોસાયટીમાં ઉગેલા લીમડાની ડાળી તાત્કાલિક તોડીને એમાંથી દાંડી બનાવીને ટ્રાય કરી જુએ !

પહેલા નોરતે તો ઢોલ બરોબર વાગે પણ બીજા-ત્રીજા નોરતે એનો અવાજ સાવ બોદો થઈ જાય ! “સાલું શું થયું ? પેલા દુકાનવાળાએ બોગસ માલ પધરાવ્યો ?” એવી શંકાઓ વચ્ચે કોઈને યાદ આવે કે બાજુની સોસાયટીમાં ફલાણાભાઈ જરા કલાકાર ટાઈપ છે. એમને બતાડો ને ?

છેવટે એ ભાઈ આવે, ડૉક્ટરની જેમ ઢોલ ઉપર ટકોરા મારે… અને છેવટે ઢોલના ચામડાં સાથે બાંધેલી દોરીઓ ખેંચીને ટાઈટ કરે… પછી પગ વચ્ચે ઢોલ ગોઠવીને થાપ મારે…

ત્યારે ‘ધબધબ’ અને ‘થપથપ’ અવાજ કરતો ઢીલો ઢોલ ‘ધ્રિબાંગ ધ્રિબાંગ’ અને ‘ત્રમ… ત્રમ…’ કરતો થઈ જાય !

- તમે એ જમાનાના વડીલોને પૂછી જોજો, એમાંથી મોટાભાગના ડબગરવાડના એક્સ્પર્ટ નીકળશે !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment