આંતરરાષ્ટ્રિય નોબેલ પુરસ્કારોની જાહેરાતો થઈ રહી છે તો અમને થયું થોડા દેશી નોબેલ પુરસ્કારો પણ જાહેર કરી દેવા જેવા છે…
***
શાંતિ પુરસ્કાર
આપણા દેશની તમામ ન્યુઝ ચેનલોને સામુહિક રીતે એનાયત થવા જોઈએ ! કેમકે સળંગ એક કલાક ન્યુઝ સાંભળ્યા પછી જો ટીવી બંધ કરી દો… તો ગજબની શાંતિ લાગે છે !
***
અર્થશાસ્ત્ર પુરસ્કાર
દેશના તમામ દારૂડીયાઓ સામુહિક રીતે આ પુરસ્કારને લાયક છે ! લોકડાઉન પછી દારૂની દુકાનો ખુલી ત્યારે શિસ્તબધ્ધ રીતે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહીને દેશની લથડતી ઈકોનોમિનો ફરી ઉધ્ધાર કરવાનું જે ઝનૂન હતું (હજીયે છે) તે સન્માનને લાયક છે ! હીક…. હીક…
***
સાહિત્ય પુરસ્કાર
અહીં બે દાવેદારોને સરખે ભાગે પુરસ્કાર આપવો રહ્યો. એક ‘ઝૂમ’… અને બીજો, ‘ફેસબુક’ને ! લોકડાઉન દરમ્યાન માત્ર આ બે પ્લેટફોર્મ્સને સહારે આ દેશમાં સાહિત્યની સરવાણીઓ વહેતી રહી છે ! જો ‘ઝૂમ’ના હોત તો બિચારા કંઈ હજારો કવિઓની ઓનલાઈન અભિવ્યક્તિ ગળામાં જ અટકી ગઈ હોત.. અને જો ‘ફેસબુક’ ના હોત તો લાખો લેખકોની કલમ શબ્દો વિના સૂની થઈ ગઈ હોત !
***
ફિઝિક્સ પુરસ્કાર
નવ તારીખે, નવ વાગીને, નવ મિનિટે દીવાઓ પ્રગટાવવાથી જે ઊર્જા પેદા થઈ તેના લીધે જે આખી પૃથ્વીની ભ્રમણકક્ષા સ્હે…જ બદલાઈ અને પૃથ્વી પેલા શુક્ર અને મંગળની ભ્રમણકક્ષામાંથી…. વગેરે જે કંઈ થિયરી હતી, તેની શોધ કરનારને આ પુરસ્કાર !
***
ગણિત પુરસ્કાર
તમામ પ્રકારનાં અવળચંડા ગણિતો ધરાવતાં આર્થિક પેકેજો જાહેર કરનાર નિર્મલા સીતારામનને !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment