ચાલો, આ વખતની IPL પ્રેક્ષકો વિના રમાઈ રહી છે એ તો જાણે સમજ્યા, પરંતુ એ સિવાય પણ આ વખતે અનેક અનોખી અને વિચિત્ર વાતો બની રહી છે…
***
સ્ટેડિયમમાં ઓડિયન્સ જ નથી છતાં કોમેન્ટ્રીમાં સતત ઘોંઘાટ સંભળાયા કરે છે !
***
દરેક ટીમના ડગ-આઉટમાં સામટા 20-25 જણા બેઠા હોય છે પણ એ લોકો તાળીઓ કે સીટીઓ વગાડતા જ નથી !
***
એ તો ઠીક, પણ જ્યારે પોતાની જ ટીમનો બેટ્સમેન ચોગ્ગા અને છગ્ગા ફટકારી રહ્યો હોય ત્યારે ડગ આઉટમાં બેઠેલા સિનિયર પ્લેયરોના મોં સાવ બેસણામાં આવ્યા હોય એવા કેમ હોય છે ?
***
ટોસ ઉછાળતાં પહેલાં રીતસર આંકડાઓ બતાડે છે કે ભઈ, આ ગ્રાઉન્ડ ઉપર જે પહેલાં બેટિંગ કરે છે તે મિનિમમ 200 રન ફટકારે છે છતાં ટોસ જીતનારો કેપ્ટન ફિલ્ડીંગ શા માટે લે છે ?
***
જે બોલરે અગાઉ એક ઓવરમાં 18-20 રન આપ્યા છે એને જ છેલ્લી નાંખવાનું શા માટે કહેવામાં આવે છે ?
***
માત્ર ત્રણ જ મેદાનો છે, એની એ જ પિચો છે, હરીફરીને એ જ ટીમો એકબીજા સામે રમે છે, છતાં પેલા એક્સ્પર્ટ લોકો મેચ શરૂ થતા પહેલાં દોઢ-દોઢ કલાક સુધી એવું તે શું ‘ડિસ્કસ’ કર્યા કરે છે ?
***
મેચ પતી ગયા પછી એક ખૂણામાં જ એવોર્ડ આપે છે તો યાર, આખા સ્ટેડિયમની બીજી લાઈટો શું બતાડવા માટે ચાલુ રાખે છે ?
***
અને હા, જ્યાં ગરમી, ભેજ અને બફારાને કારણે બધા પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે ત્યાં શાહરૂખ ખાન કયા લોજિકથી ઊનની ટોપી પહેરીને મેચ જોવા બેઠો હોય છે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment