એક બાજુ સરકાર નવરાત્રિમાં ગરબા કરવાની ના પાડે છે અને બીજી બાજુ સામી ચૂંટણીએ પ્રચારકો અને મતદારોની ભીડ ભેગી થવાની ! આમાં ગરબાનાં તો નવાં રિ-મિક્સો જ થવાનાં ને !
***
(સમજુ નાગરિકો કહે છે ..)
વાગ્યો રે ઢોલ
અલ્યા, વાગ્યો રે ઢોલ !
ચૂંટણી પ્રચારનો
વાગ્યો રે ઢોલ…
ડહોળું થયું રે, અલ્યા
ડહોળું થયું…
કોરોનાનું ચિત્ર
વધુ ડહોળું થયું !
***
(બિચારી લોકશાહી ગાશે ..)
હું તો ગઈ તી… રેલીએ !
ચેપ… અડી ગયો રેલીમાં !
ગળું પકડાઈ ગયું
ફેફસું ઝલાઈ ગયું
ચૂંટણીના ઝમેલામાં !
***
(જોકે કાર્યકરો જોશમાં હશે ..)
એ હાલો, પેલા…
પાટિલ સાહેબના,
ગરબા રમવા જઈએ !
કોવિદનો સાથ છે
ડિસ્ટન્સ બાકાત છે
ચેપ ફેલાવવા… હાલો ને !
***
(બિચારી ભોળી પ્રજા, બન્ને બાજુથી ભીંસાવાની છે..)
ડિસ્ટન્સ પાળું પાળું
ને ઘટી જાય
ડિસ્ટન્સ પાળું પાળું
ને ઘટી જાય !
ના નેતાને કહેવાય
ના પોલીસને કહેવાય
ઉપરથી દંડના પૈસા પણ જાય !
***
(છેવટે તો આ જ થવાનું…)
ગોરી ચૂંટણી ને
કાળા વોટ..
ભીડમાં ઘુમે ભૂલી ભાન !
ખુરશીનું રૂપ છે
સત્તાની પ્રીત છે
મોતને રમાડે ડાબે હાથ…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment