બન્યું એવું કે સુશાંતસિંહનો ભટકતો આત્મા અચાનક અમને રસ્તામાં મળી ગયો ! એ જ વખતે અમારા શરીરમાં કોઈ પત્રકારનો આત્મા ઘૂસી ગયો ! પછી થયો આ ઈન્ટરવ્યુ…
***
“યાર, સુશાંત, સૌથી પહેલાં તો એ કહી દે તારું મોત હત્યા હતી કે આત્મહત્યા ?”
બિચારો સુશાંતનો આત્મા કન્ફ્યુઝ થઈ ગયો ! મને કહે “મને જ સમજ નથી પડતી ! તમે ટીવીમાં જોઈને કહો ને, શું લાગે છે ?”
“અચ્છા, એ છોડો, આ રિયા ચક્રવર્તી કેવી છોકરી છે ?”
“કેવી ???” બિચારાએ ત્રણ – ત્રણ પ્રશ્નાર્થ સાથે વાપરી નાંખતા કહ્યું “યાર, એ આવી પણ હશે એની ખબર પણ મને ટીવી જોયા પછી જ થઈ !”
“અચ્છા, એ પણ છોડો, આ નિપોટિઝમ વિશે કંઈ કહો.”
“હવે શું કહું ?” એનું મોં વિલાઈ ગયેલું હતું. “અહીં મને સ્વર્ગમાં એન્ટ્રી નથી મળતી કેમ કે જો આત્મહત્યા હોય તો મને થોડી ઓછી ફેસિલિટી મળશે… પણ મેં જોયું કે મારી પાછળથી આવેલા બે આત્માઓને જન્નતમાં ફટાફટ એન્ટ્રી મળી ગઈ ! એમણે ખાલી એટલું જ કીધું કે અમે દિલીપકુમારના ભાઈઓ છીએ !”
“ઓહોહો, ત્યાં પણ એવું છે ? ચાલો, એ પણ છોડો. મને કહો, તમે ચંદ્ર ઉપર જમીનનો પ્લોટ લીધો હતો એનું શું થશે ?”
“અરે યાર, હું ભટકતો ભટકતો ત્યાં પણ જઈ આવ્યો ! પણ બોસ, ત્યાં કોઈ ટીવી ચેનલના સિગ્નલો પકડાતા નથી એટલે બોર થઈને પાછો આવતો રહ્યો.”
“ચાલો, ચંદ્રનો પ્લોટ છોડો. મને કહો કે આ કંગના રાણાવતનું શું થશે?”
“થવાનું શું છે ? એને ‘વાય’ કેટેગરીની સુરક્ષા મળી ગઈ છે કારણ કે સતત પૂછ પૂછ કરતી હતી… વ્હાય ? વ્હાય ? વ્હાય ? ”
“ઓકે…. તો…” અમે બીજો સવાલ પૂછવા જતા હતા ત્યાં સુશાંતનો આત્મા ભાગવા માંડ્યો !
“અરે, અચાનક કેમ ભાગવા માંડ્યા ?”
“પાછળ જુઓ ! ટીવીવાળા આવી રહ્યા છે ! ક્યાંક મને જોશે તો મને જ મારો ખૂની સાબિત કરી દેશે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment