હાસ્યકથા: બેન્ક રોબરી ઈન માસ્ક !

‘અલ્યા, આ માસ્કો પહેરીને લોકો ફરે છે એમાં કોઈ ઝટ ઓળખાતું જ નથી. કાલે પેલા બેન્કવાળા કાકા છેક મારા ઘર આગળથી નીકળ્યા ત્યારે મેં ઓળખ્યા જ નહીં !’


‘સાલું, મારું બૈરું તો મને બજારમાં સામે મળે તોય મારી સામું એ રીતે જુએ છે કે જાણે હું કોઈ અજાણ્યો મવાલી હોઉં !’

‘પણ યાર, એ હિસાબે માસ્ક પહેરીને બેન્ક લૂંટી હોય તો સાલી પોલીસ બી ગોથાં ખાતી થઈ જાય, નહીં ?’

ચેતન ચેચકની આ વાતથી ત્રણે દોસ્તારોની આંખો એક સાથે ચમકી ઊઠી. ત્રણે બિચારા કોરોનાના માર્યા હતા.

ચેતન ચેચક એક રેસ્ટોરન્ટના કીચનમાં લોટ બાંધવાનું અને શાક સમારવાનું કામ કરતો હતો. એને કાઢી મુક્યો હતો. ભરત ભૂરિયો એક હેર-કટિંગ સલૂનમાં શીખાઉ કારીગર હતો. એના ભાગે સિનિયર સિટિઝનોનાં માથાં સફાચટ કરવાનું સહેલું કામ આવતું હતું. કોરોનાની મંદીના સપાટામાં એની નોકરી પણ ગઈ હતી.

ત્રીજો હતો રૂપેશ રાજા. એ મામૂલી ચોર હતો. લોકો વેકેશનમાં કે લગ્નપ્રસંગે માટે ઘર બંધ કરીને ગયા હોય એવા ઘરોની રેકી કરીને પછી એ સલામતી રીતે તાળું તોડીને ‘સિઝનલ’ ચોરીઓ કરતો હતો પણ કોરોનાને લીધે રાજા પણ ઘર છોડીને ક્યાંય જાય જ નહીં તો બિચારો શું કરે ?

માસ્કવાળી વાત ત્રણેના દિમાગમાં ફીટ થઈ ગઈ. એક બેન્કનો પટાવાળો આ ત્રણેને ઓળખીતો હતો. એની પાસેથી વાત કઢાવીને શોધી કાઢ્યું કે અઠવાડિયાના વચ્ચેના દિવસોમાં બપોરે અઢીથી સાડા ત્રણના ટાઈમમાં ઘરાકો સૌથી ઓછા હોય છે. એ પણ શોધી કાઢ્યું કે કેશિયરના ખાનામાં લગભગ કેટલી કેશ હોય છે અને સ્ટ્રોંગ રૂમમાં આશરે કેટલો દલ્લો પડ્યો હોય. સીસીટીવી કેમેરા ભલેને હોય ? એમાં મોં ક્યાથી ઓળખવાનાં હતાં? ચેતન ચેચક પાસે જોરદાર પ્લાન હતો :

“મોં ઉપર માસ્ક અને માથે કેપ પહેરીને બિન્દાસ અંદર જવાનું શાંતિથી કેશિયર પાસે જઈને રિવોલ્વર ધરી દેવાની અને કહેવાનું, ફટાફટ સ્ટ્રોંગ રૂમમાંથી જેટલી કેશ હોય એટલી આ થેલામાં ભરી દે નહિતર...”

“એ ટોપા, રિવોલ્વર ક્યાંથી લાઈશું એ તો વિચાર ?” ભરત ભૂરિયાએ પ્લાનમાં પથરો નાંખ્યો. ‘અને બેન્કના બારણે પેલો સિક્યોરીટીવાળો રાઈફલ લઈને ઊભો હોય એનું શું?’

“એનો ઉપાય મારી કને છે.” રૂપેશ રાજાએ કહ્યું. “મારી ગર્લફ્રેન્ડ એક નર્સિંગ હોમમાં મહેતરાણી છે. એ ક્લોરોફોર્મ લઈ આવશે. આપણે એનાથી ચોકીદારને બેહોશ કરી નાંખવાનો !”

“ચોકીદાર કંઈ ડફોળ છે કે આપણા હાથમાં ક્લોરોફોર્મવાળો રૂમાલ જોઈને પોતાનું માસ્ક ખોલીને એને સુંઘવા આવશે ?”

“એનો ઉપાય પણ છે. મારી રૂપલી માસ્ક વેચવાવાળી બનીને બેન્કના દરવાજા પાસે જશે. માસ્કમાં ઓલરેડી ક્લોરોફોર્મ હશે. રૂપલી એને પટાવીને, સ્માઈલો આપીને, ગમે તેમ કરીને માસ્ક પહેરાવી જ દેશે !”

“પછી રિવોલ્વર ?”

આ સવાલ અઘરો હતો. છતાં એ ત્રિપુટીએ આ કોરોના મહામારીમાં બેકાર બેઠેલા એક ‘ડોન’નો કોન્ટેક્ટ શોધી કાઢ્યો. ડોન એક દિવસ માટે રિવોલ્વર ‘ભાડે આપવા’ તૈયાર થયો ! ભાડું 10 હજાર રૂપિયા અને બે બુલેટના બીજા 800 રૂપિયા એકસ્ટ્રા !

આમ બધું જ સેટિંગ પાર પડી ગયું. આમાં રૂપલીનું ઇન્વેસ્ટમેન્ટ સૌથી વધારે હતું : પુરા 5000 રૂપિયા. આખરે રોબરીનો દિવસ આવી પહોંચ્યો. ચારે જણા બેન્ક પર પહોંચ્યા. પણ આ શું ? બેન્કની બહાર પૂંઠા ઉપર નોટિસ લખી હતી : “બેન્કના એક કર્મચારીને કોરોના પોઝિટીવ આવ્યો હોવાથી બેન્ક 14 દિવસ માટે બંધ રહેશે !”

હવે ? રિવોલ્વરના 10,000 વત્તા બે બુલેટના 800... કંઈ મફતમાં થોડા જવા દેવાય ? તાત્કાલિક ડિસિઝન લીધું કે આ જ બેન્કની બીજી બ્રાન્ચમાં પહોંચી જઈએ !

સાલું, અહીં તો મામલો સાવ ઇઝી નીકળ્યો ! ચોકીદાર ખુરશી ઉપર ઢીલો થઈને ઘસઘસાટ ઊંઘતો હતો ! અંદર જઈને ભરત ભૂરિયાએ કેશિયર સામું ગન ધરી ત્યાં તો એ બોલી ઊઠી : “હમણાં દસ મિનિટ પહેલાં તો તમે બેન્ક લૂંટીને ગયા ! હવે ફરીથી શું લેવા આવ્યા છો ?”

વાત એમ હતી કે આવી જ એક બીજી કોરોનાથી મજબૂર બનેલી ગેંગ આવાં જ શર્ટ-માસ્ક અને કેપ પહેરીને આવી હતી અને આ જ રીતે બેન્ક રોબરી કરી ગઈ હતી !

ગભરાઈને ત્રણે જણા બહાર જવા જાય છે ત્યાં પોલીસ સામે ઊભી હતી ! ...બિચારી પોલીસને આવતાં દસ મિનિટ તો લાગે ને ?

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment