દસ વણમાગી સલાહો !


આજકાલ સોશિયલ મિડિયામાં ‘સારું જીવન’ જીવવા માટેની સલાહોનો રાફડો ફાટ્યો છે. એમાં અમુક સલાહો તો મહા-સ્ટુપિડ હોય છે. જેમ કે-

- આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો !

- ટુથપેસ્ટ વાપર્યા પછી ઢાંકણું અવશ્ય બંધ કરો !

આવી સલાહોના ‘લેવલ’માં આવી શકે એવી થોડી સલાહો અમે પણ બનાવી કાઢી છે…

***

સલાહ (1)

પાણીની બોતલ કચડીને ફેંકી દેશો નહીં. એમાં તમે પીધેલું પાણી ફરી ભરો.

***

સલાહ (2)

રોજ નહાતી વખતે બાથરૂમની બહારના લોકોને પસંદ હોય તેવું કોઈ ગીત ગાઓ.

***

સલાહ (3)

આનંદમાં આવતા હતા ત્યારે જે વ્હીસલ વગાડવાનું શીખ્યા હતા તેની હવે દુઃખમાં પ્રેક્ટિસ કરો.

***

સલાહ (4)

બસની, ટ્રેનની કે સિનેમાની ટિકીટનું ભૂંગળું વાળીને, મોંમાં મુકીને, સેલ્ફી લો. સારું લાગશે.

***

સલાહ (5)

છાપાનું ભૂંગળું વાળીને વંદો, મંકોડો કે માખી મારવાની કોશિશ ભલે કરો પણ ચહેરા બેઠેલું મચ્છર મારવાના પ્રયાસો કરવા નહીં.

***

સલાહ (6)

ટીવીમાં કોમેડી શો જોતી વખતે હસવાના અવાજો સાંભળીને જ હસવાનું રાખો. નહિતર લોકો તમને ડફોળ માનશે.

***

સલાહ (7)

રોડ ક્રોસ કરતી વખતે રોડ ક્રોસ કરો, વાહન ચલાવતી વખતે વાહન ચલાવો અને પુસ્તક વાંચતી વખતે પુસ્તક વાંચો.

***

સલાહ (8)

બાળપણથી જ જીવન શી રીતે જીવવું તે શીખવાનું શરૂ કરી દો. કોર્સ બહુ લાંબો છે.

***

સલાહ (9)

આ દસે દસ સલાહો માનશો તો તમે કોઈને પણ આ દસ સલાહ આપી શકશો.

***

- મન્નુ શેખચલ્લી

Comments