સુશાંત કેસનું દોડતું 'હરણ' !

લાગે છે કે હવે સુશાંત સિંહના કેસનું રહસ્ય ખુલી જવાની તૈયારીમાં છે ! જુઓ કઈ રીતે...


***

સુશાંતના મોતની તપાસ કરતાં ખબર પડી કે મુંબઇ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ‘નિપોટિઝમ’ નામની ગેંગ છે જે સુશાંતને કામ ના મળે, તેની ફિલ્મો ફ્લોપ જાય અને તે ડિપ્રેશનમાં સરી પડે તેનું કાવતરું ઘડતી હતી. એ ગેંગ તરફથી સુશાંતને ફોનમાં ધમકીઓ મળતી હતી એટલે સુશાંતે 51 સીમ કાર્ડ બદલ્યાં હતાં. જેના કારણે તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી સાથે ઝગડો થયો હતો કારણ કે સુશાંત ઉટીમાં જે ચાનો બગીચો ખરીદવા માગતો હતો તે ચાનો ટેસ્ટ રિયાને પસંદ નહોતો એટલે સુશાંતના મોતના ત્રણ દિવસ પહેલાં તે ઘર છોડીને જતી રહી હતી કેમ કે સુશાંતની અગાઉની સેક્રેટરી દિશા સાલિયાને આત્મહત્યા કરી હતી તે પહેલાં તે હજી સુશાંત જોડે ફોન પર લાંબી લાંબી વાતો કરતી હતી. પરંતુ સુશાંતના મોત પછી મોડે મોડે તેના મા-બાપને ખબર પડી કે રિયાએ સુશાંતના 15 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. આની ફરિયાદ કરતાંની સાથે જ બિહાર પોલીસ અને મુંબઈ પોલીસ વચ્ચે અંટસ પડી જવાને કારણે મુંબઈમાં કોરોનાના કેસ વધી જવાથી બિહારના પોલિસ ઓફિસરને મુંબઈમાં ક્વોરન્ટાઈન કરી દેવાથી રાજકારણીઓ વચ્ચે ટક્કર ચાલુ થઈ ગઈ. જેના કારણે છેક દિલ્હી સુધી હોહા મચી જવાથી આખરે CBIને તપાસ સોંપવામાં આવતાં રિયા ચક્રવર્તીની ધરપકડ થવાને પગલે મિડિયા ટ્રાયલ શરૂ થઈ જતાં રિયાના લાંબા લાંબા ટીવી ઇન્ટરવ્યુ પ્રસારિત થવાથી કંગના રાણાવત નામની અભિનેત્રી મેદાનમાં ઉતરી પડી હતી અને તેણે મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે ચોંકાવનારી માહિતીઓ બહાર પાડતાં એક ન્યુઝ ચેનલના મુખ્ય એન્કરે મહારાષ્ટ્રની સરકારના નેતાઓને ખુલ્લો પડકાર ફેંકવા માંડતાં મામલો ગરમાઈ જતાં હાહાકાર મચી જવાના સંજોગોમાં કંગનાએ મુંબઈમાં આવતાં પહેલાં તે શહેરને POK સાથે સરખાવતાં સંજય રાઉત નામના નેતા ભડકી ઉઠ્યા હતા. આ ઝગડો રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ ના કરે તેવા હેતુથી BMC મદદે આવતાં કંગનાની ઓફિસ તોડી પાડવામાં આવી જેના પગલે આખું ડ્રગ્સ કૌભાંડ ખુલી જવાથી હવે શંકાની સોય દિપિકા પાદુકોણ, દિયા મિરઝા તથા શ્રધ્ધા કપૂર તરફ તકાઈ રહી છે...(ક્રમશઃ)

***

- મન્નુ શેખચલ્લી

Comments