સૌથી પહેલાં તો સ્ટેન્ડ-અપ કોમેડીની વ્યાખ્યા સમજી લો. મંચ ઉપર બેઠાં બેઠાં શાહબુદ્દીન રાઠોડ કે માયાભાઈ આહિર જેવા વક્તાઓ જાતભાતની વાતો કરીને તમને ગમે એટલા હસાવે, એને સ્ટેન્ડ-અપ કોમેડી ના કહેવાય. ‘સ્ટેન્ડ-અપ’નો મતલબ જ ઊભા-રહો ! ઊભા ઊભા કરો એને જ સ્ટેન્ડ-અપ કોમેડી કહેવાય. બેઠા બેઠા, સુતાં સુતાં કે અડધા બેઠા, અડધા સુતાં કરો તેને સ્ટેન્ડ-અપ કોમેડી ના કહેવાય.
હવે એના કેટલાક નિયમો પણ સમજી લો. (જોકે આમાં મોટાભાગના નિયમો પ્રેક્ષકોએ પાળવાના હોય છે.)
***
નિયમ : (1)
કોમેડી કરનાર મંચ ઉપર આવીને કહે કે ‘આઈ એમ ફલાણા ફલાણા એન્ડ આઈ એમ ફ્રોમ ગુડગાંવ’ એટલે તમારે હસવાનું છે. ગુડગાંવને બદલે, દિલ્હી, મથુરા, મુંબઈ, આગ્રા, ચિંચપોકલી, ભટિંડા, જલંધર, ત્રિચિનાપલ્લી… કંઈ પણ નામ બોલે ત્યારે હસવાનું છે. (શા માટે હસવાનું છે ? એવું પૂછવાનું નથી.)
***
નિયમ : (2)
હસનારાઓએ માત્ર હસવાનું જ નથી. સાથે સાથે તીણા અવાજે ‘વ્હુઉઉઉ….’ એવી ચીસો પણ પાડવાની છે, તાળીઓ પણ વગાડવાની છે અને ક્યારેક સીટી પણ મારવાની છે.
***
નિયમ : (3)
કોમેડી શો જોવા આવનાર પ્રેક્ષકોને કદી સાદા ફોર્મલ ટ્રાઉઝર, શર્ટ વગેરે પહેરવાની છૂટ નથી. તમારે ઢીલા બર્મુડા, ચડ્ડા, ટુંકા, હોટ-પેન્ટ્સ, ઢીલાં અથવા ટાઈટ ટી-શર્ટ, પગમાં સ્લીપર્સ, (જેને ફ્લોટર્સ કહે છે તે) મોજાં વિનાના કેન્વાસ શૂઝ અથવા ઝાંઝર પહેરીને આવવાનું છે.
***
નિયમ : (4)
જો કોમેડી ઇંગ્લીશમાં થતી હોય અને ઓડિયન્સ પણ હાઈ-ફાઈ હોય તો વચ્ચે જ્યાં ‘ભ’ અને ‘ચ’ ટાઈપની દેશી ગાળ (ભલે અલ્પવિરામની જેમ) બોલાય તો પણ ખુબ જોરજોરથી હસવાનું છે. (શા માટે ? એવું પૂછવાનું નથી. BTW આ નિયમ વારંવાર આવશે.)
***
નિયમ : (5)
કોમેડિયને કોઈપણ ટોપિક શરૂ કરતાં પહેલાં એ ટોપિકને લગતા કેટલા લોકો હાજર છે તેની એટેન્ડન્સ લેવાની છે. દાખલા તરીકે : હાઉ મેની એન્જિનિયર્સ હિયર ? હાઉ મેની ગુજરાતીઝ હિયર ? હાઉ મેની મુંબઈ ગર્લ્સ હિયર ? હાઉ મેની દિલ્હી બોયઝ હિયર ? હાઉ મેની હેવ ટ્રાવેલ્ડ ઇન અ લોકલ ટ્રેન ? હાઉ મેની ઓફ યુ હેવ સીન અ બફેલો ? વગેરે. (બાય ધ વે, ઉસ કો ભેંસ કહતે હૈં, એવું કહે ત્યારે પણ હસવાનું છે.)
***
નિયમ : (6)
કોમેડિયનોમાં બે પ્રકાર હોય છે. ઇંગ્લીશમાં બોલનારા અને હિન્દીમાં (વર્નાક્યુલર કહેવાય) બોલનારા. આમાં ઇંગ્લીશવાળાએ સામાન્ય રીતે ડ્રાઈવર, કામવાલી બાઈ, હિન્દી ટિચર, સંસ્કૃત ટિચર, હવાલદાર, ગુજ્જુભાઈ, મરાઠી માણુસ, મલ્લુ (મલયાલી) કલ્લુ (કોલકત્તાવાળા) વગેરે ‘લોકલ’ લોકોની મશ્કરી કરવાની હોય છે. જ્યારે હિન્દી (વર્નાક્યુલર) કોમેડીયનોએ દેશી ગાળો બોલ્યા વિના મિડલ ક્લાસને લગતી ‘ફની’ જોક્સ મારવાની હોય છે.
***
નિયમ : (7)
કોઈપણ સંજોગોમાં કોમેડીયને લેપલ માઈક અથવા કાનમાં કે શર્ટમાં ભરાવેલું માઈક વાપરવાનું નથી. માઈક એક હાથમાં પકડીને બીજો હાથ હલાવતાં હલાવતાં થાય એને જ સ્ટેન્ડ-અપ કોમેડી કહેવાય. (બે હાથ એકસાથે હલાવનાર તો એક્ટર કહેવાય ને?)
***
નિયમ : (8)
150 રૂપિયાની ટિકીટ લેનારે 150 વાર અને 300ની ટિકીટ લેનારે 300 વાર જાતે જ પોતાની રીતે હસી લેવાનું છે. તમે નહીં હસો તો લોકો તમને ‘ઓછા ઇન્ટેલિજન્ટ’ માનશે ! સંભાળજો.
***
- મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment