આ ‘નિપોટિઝમ... નિપોટિઝમ...’ની બૂમરાણ તો હમણાં હમણાં ઊઠી છે બાકી હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સગાંવાદની વાત કરો તો એ વરસોથી ચાલ્યો આવે છે !
જોકે, આજે જે સગાંવાદ દૂષણ બનીને સામાન્ય કુટુંબના પ્રતિભાશાળી કલાકારોની કારકિર્દી બરબાદ કરવાના ધંધા કરે છે એવું એ જમાનામાં નહોતું. હા, સગાઈને લીધે પહેલી એન્ટ્રી જરા સહેલી હતી પણ પછી તો ટેલેન્ટ અને નસીબ જ કામ આવતું હતું.
છતાં, કંઈ કેટલાય લોકોના છેડા ક્યાંથી ક્યાં જઈને અડે છે એ જાણશો તો દિમાગ ચકડોળે ચઢી જાય એવું છે !
મને કહો, અશોકકુમાર સત્યજીત રેના શું સગા થાય ? અને દિલિપકુમાર કવિવર રવિન્દ્રનાથ ટાગોર જોડે કઈ સગાઈથી સંકળાયેલા છે ? ચોંકી ગયા ને ? ભાઈ સાહેબ, આખે આખા ફિલ્મ ઉદ્યોગમાં કંઈ કેટલાય લોકો એકબીજાનાં સગાં જ છે ! વાત માત્ર કપુર કુટુંબ, ખાન ટોળકી કે જોહર ફેમિલીની નથી. અહીં સગાઈઓના છેડા એટલા લાંબા લંબાય છે કે એમાં લેખક ખુશવંતસિંહ સહિત મોટા નેતાઓનો પણ સમાવેશ થઈ જાય છે !
પતિઓ, પત્નીઓ, સાળાઓ, બનેવીઓ, સાવકા ભાઈઓ, સાવકી બહેનો, બીજા અને ત્રીજા પતિઓ, તૂટી ગયેલી સગાઈઓ, ટકી રહેલા પ્રેમ સંબંધો, અને લગ્ન કર્યા વિનાનાં લગ્ન સંબંધો... શું શું નથી આ ઓલ્ડ ‘ક્લાસિક’ નિપોટિઝમમાં ? બસ, થોડી ધીરજ રાખીને આ નવી લેખમાળા વાંચતા રહેજો... જેમ જેમ આગળ વધતા જઈશું તેમ તેમ ડબલ સગાઈઓ અને ટ્રિપલ સગાઈઓ નીકળતી જશે....
સૌથી પહેલાં શરૂઆત કરીએ અશોકકુમારથી. એ ત્રણ ભાઈઓ : અશોકકુમાર, કીશોરકુમાર અને અનુપકુમાર. રાઈટ ? એમાંથી કિશોરકુમારે ચાર-ચાર વાર લગ્ન કર્યાં. જેમાંથી પહેલું લગ્ન જેની સાથે થયું તે રૂમા દેવી અનુપકુમારની સાળી થાય. અને વિશ્વવિખ્યાત ડિરેક્ટર સત્યજીત રે તે રૂમા દેવીના કાકા થાય ! તો બોલો, અશોકકુમાર સત્યજીત રે ના શું સગા થાય ? ચાલો, આ તો જરા શોર્ટ-કટમાં સગાઈ થઈ. હવે લોંગ-કટમાં આવો...
તો કિશોરકુમાર અને રૂમા દેવીથી જે પુત્ર જન્મ્યો તેનું નામ અમિતકુમાર જે આજે કિશોરકુમારની ચોથી પત્ની લીના ચંદાવરકર સાથે એક જ બંગલામાં રહે છે. પોતાની પ્લે-બેક સિંગરની કારકિર્દી ખતમ થઈ ગયા પછી અમિતકુમાર પોતાના પિતાજીની મિલકતની દેખરેખ સિવાય બીજું કંઈ ખાસ કામકાજ કરતો નથી, પરંતુ એના પપ્પાએ જે ચાર ચાર લગ્નો કર્યાં તેના કારણે અમિતકુમારની સગાઈઓ એટલી લાંબી નીકળે છે કે બિચારો પોતે ગોથાં ખાઈ જાય !
કિશોરકુમારની બીજી પત્ની (કેમકે રૂમા દેવી ઘોષનું મૃત્યુ થયું) તે બીજી કોઈ નહીં પણ પોતાના જમાનાની બ્યુટિ-ક્વીન સમાન હિરોઈન મધુબાલા. આ મધુબાલાની સગી બહેન ચંચલનાં લગ્ન થયેલાં ‘મુગલ-એ-આઝમ’ના ખ્યાતનામ દિગ્દર્શક કે. આસિફ સાથે. (મધુબાલાનું અસલી નામ મુમતાજ જહાન બેગમ દેહલવી હતું. તેની બહેન ચંચલનું અસલી નામ ખબર નથી.) જોકે થોડા જ સમયમાં એમના તલ્લાક થઈ ગયા. એ પછી કે. આસિફ પરણ્યા સિતારાદેવીને. આ સિતારાદેવી ડાન્સર હતાં. પણ હેલન જેવી ફિલ્મી સ્ટાઈલનાં નહીં પરંતુ ક્લાસિકલ શાસ્ત્રિય શૈલીનાં ડાન્સર. આ જ સિતારાદેવીનો ભત્રીજો એટલે મશહુર નૃત્યકાર અને ડાન્સ ડિરેક્ટર ગોપીકિશન. (‘ઝનક ઝનક પાયલ બાજે’ તથા ‘નવરંગ’ જેવી ફિલ્મોનાં અદ્ ભૂત નૃત્યોનાં ડિરેક્ટર.)
હવે ગોપીકિશનના સગાભાઈની દિકરી તે સુષમા શ્રેષ્ઠ ! જે શરૂઆતમાં બાળ ગાયિકા તરીકે આવી પછી ’80ના દાયકામાં ફિલ્મોમાં ‘પૂનમ’ના નામે પ્લે-બેક સિંગર બની. પાછળથી પૂનમ નામ પડતું મુકીને સુષમા શ્રેષ્ઠ નામ ચાલુ રાખ્યું. આજે એ ગાયિકા પણ ગુમનામ છે અને અમિતકુમાર પણ સુર્ખિયોમાં નથી. છતાં વિચારો, અમિતકુમાર અને સુષમા શ્રેષ્ઠ એકબીજાનાં શું સગા થાય ?
હવે સગાઈના આ ફાંટામાં આગળ જઈએ તો સિતારાદેવીનું કે. આસિફ સાથે ત્રીજું લગ્ન હતું ! પહેલું કોઈ મિસ્ટર દેસાઈ સાથે, બીજું કોઈ નાઝિર એહમદ સાથે અને ત્રીજા નંબરે કે. આસિફ ! હજી ઊભા રહો, સિતારાદેવીનું આ લગ્ન પણ ના ટક્યું અને તેમનાં ચોથા લગ્ન થયાં સિનેમેટોગ્રાફર કમ દિગદર્શક પ્રતાપ બારોટ સાથે, જેમનો પુત્ર તે રણજીત બારોટ !
આ એ જ રણજીત બારોટ છે જેણે હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગર ઉપરાંત બે ડઝન ફિલ્મોમાં મ્યુઝિક ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. આજકાલ એ કોઈ ઇન્ટરનેશનલ મ્યુઝિક બેન્ડ સાથે જાઝ અને પોપ મ્યુઝિક ગાય-વગાડે છે. હજી થોડી સગાઈ આગળ શોધીએ તો રણજીત બારોટનાં લગ્ન પેલી ‘આશિકી’ ફિલ્મની હિરોઇન અનુ અગ્રવાલ સાથે થવાનાં હતાં પણ સગાઈ તૂટી ગઈ !
(હજી તો શરૂઆત છે. સગાઈઓની આ લેખમાળા લાંબી ચાલવાની છે, ધીરજ રાખજો !)
***
-મન્નુ શેખચલ્લી
E-mail : mannu41955@gmail.com
નવો પરિવેશ મૌજનો....રોચક માહિતીઓ સાથે.....
ReplyDeleteThank you so much Rasesh bhai !
DeleteJordaar information.
ReplyDeleteJordaar information.
ReplyDeleteThanks 😊 😊
Deleteજોરદાર ખાંખ્ખા ખોળા!!! યાદ કરીને પડો પાછળ,વંશવાદ છે આગે।
Deleteહાહાહા..્્
Deleteઆ વળી નવું સ્લોગન !
થેન્ક યુ !!