અમુક વાર્તાઓ પ્રિડિક્ટેબલ હોય છે. છોકરો ઇન્સ્ટાગ્રામમાં હોટ છોકરીનાં બોલ્ડ સ્ટેટમેન્ટો વાંચીને ફોલોઅર બને છે પછી ધીમેધીમે કોમેન્ટ કરતાં કરતાં બન્ને એકબીજા જોડે ચેટિંગ કરવા માંડે છે. છોકરી વધારે ભાવ આપે છે એટલે બન્ને ફોન નંબરની આપ-લે કરે છે.
પછી તો છોકરી ફોન ઉપર એવી એવી ‘હોટ’ વાતો કરવા માંડે છે કે છોકરો બિચારો ઝાલ્યો નથી રહેતો ! એને થાય છે કે યાર, આને પર્સનલી મળું તો સાલી કેવી મઝા પડી જાય ? પણ એ ક્યાં રહેતી હશે ? મળવા માટે કહું તો એ ‘આવે’ ખરી ?
આખરે એક દિવસે (એટલે કે મોડી રાત્રે) ગરમાગરમ ભીની રેશમી વાતો કરતાં કરતાં છોકરો પૂછી લે છે. “તું ક્યાં રહે છે ? આપણે મળીએ તો કેવું ?”
- બસ, પછી ‘પ્રિડિક્ટેબલ’ વાર્તામાં એવું બને કે પેલી એને કોઈ હોટલના રૂમમાં બોલાવીને, તેનું વસ્ત્રાહરણ કરીને, તેને બબૂચક બનાવીને એને લૂંટી લે ! પણ આ વાર્તામાં કંઈક જુદું જ બન્યું !
પેલી છોકરીએ ‘હસ્કી’ અવાજમાં કહ્યું “આય હાય રાગલા, હું તો તારી ઓફિસમાં તારી પાછળના જ ટેબલ પર બેસું છું !”
પતી ગયું... રાગલા ઉર્ફે રાગેશના માથાના કર્લી કરાવેલા વાળથી લઈને બેટમજીના પગની રૂંવાટી સુધીના અણુએ-અણુ ‘સીધા’ થઈ ગયા ! હદ થઈ ગઈ યાર ? છેલ્લા બે મહિનાથી ફોનમાં આટલી ‘હોટમ્ હોટ’ વાતો કરતી છોકરી મારી જ ઓફિસમાં મારી પાછળના ટેબલે બેસે છે ? આટલા વખતથી મારું ધ્યાન કેમ ના ગયું ?
સાલું, લોકો પણ કેવી ડબલ લાઈફો જીવતા હોય છે ! આ પાછળ બેસતી સંગીતા ઉપર કોઈની ‘ખાસ’ નજર પડે જ ક્યાંથી ? મોં ખોસીને કામ કરતી હોય, બોસ સિવાય કોઈની જોડે વાત પણ ના કરે, હંમેશાં ફિક્કા કલરનાં સિમ્પલ કપડાં પહેરીને આવે અને ઘેરથી લાવેલા પ્લાસ્ટિકના ડબ્બામાંથી શાક-રોટલી ખાય. એ પણ મોં નીચું જ રાખીને !
લંચ-ટાઈમે તે ઊભી થઈને વૉશ-રૂમ તરફ ગઈ ત્યારે રાગેશે તેનું ફીગર નજર વડે માપી લીધું. મનમાં થયું. ‘કાશ આંખોમાં ખાસ ટાઈપનો એક્સ-રે હોત...’ જોકે દિમાગે તો તેનું કામ કરવા જ માંડ્યું હતું. રાગલાને થયું, યાર, સાદાં કપડાંને લીધે નજર જ નહોતી પડતી, બાકી ફીગર તો....
એ રાત્રે રાગલાએ ફોનમાં પૂછી જ લીધું. “મારી જોડે ઓફિસમાં કેમ નથી બોલતી ?” પેલીએ હસ્કી-સેક્સી અવાજે કહ્યું “કોઈને ખબર પડી જાય તો ? બાકી મને તો પહેલેથી જ ફિઝિકલ થવામાં ઇન્ટ્રેસ્ટ હતો...”
આહાહા... રાગલાનાં તો રૂંવેરૂવાં ઊભાં થઈ ગયાં. “જો એવું જ હોય તો કાલે ઓફિસેથી છૂટ્યા પછી....” હજી એ વાક્ય પુરું કરે ત્યાં તો પેલી ઉત્તેજનાથી હાંફતા અવાજે બોલી ઊઠી. “શ્યોર ! તું કહે ત્યાં...”
બીજે દિવસે ઓફિસમાં સાંજ પાડતાં પાડતાં તો રાગલાનો દમ નીકળી ગયો. છેવટે ઓફિસ ટાઈમ પત્યો અને મોટા ભાગનો સ્ટાફ જતો રહ્યો ત્યારે સંગીતા ઊભી થઈ. રાગેશ તરફ સ્માઈલ આપતાં એ બોલી “જવું નથી ?”
“જવું છે ને !” રાગેશ તો તૈયાર જ હતો ને ! નસીબજોગે નીચે જતી લિફ્ટ પણ ખાલી જ હતી. લિફ્ટમાં સંગીતા સ્માઈલ આપતી, વાળની લટ કાન પાછળ ગોઠવતી ઊભી હતી ત્યાં રાગલાથી રહેવાયું નહીં... એણે કચકચાવીને તેને બાથમાં ભરી લીધી !!
- બસ, પછી તો બધું ‘પ્રિડિક્ટેબલ’ જ થયું. સંગીતાએ ચીસાચીસ કરી મુકી, લોકો ભેગા થઈ ગયા અને રાતોરાત રાગલાને ઓફિસમાંથી કાઢી મુકવામાં આવ્યો.
માત્ર અનપ્રિડિક્ટેબલ વાત એ હતી કે બિચારી સંગીતાએ એની ખાસ ફ્રેન્ડ જુલિયાનાને બે મહિના પહેલાં જ કહ્યું હતું કે “યાર, હું ગમે એટલી મહેનત કરું, જ્યાં સુધી મારો સિનિયર રાગેશ આ જોબ છોડીને બીજે ક્યાંક ના જાય, ત્યાં સુધી મારું પ્રમોશન થવું ઇમ્પોસિબલ છે.”
બિન્દાસ સ્વભાવની બહેનપણી જુલિયાનાએ સંગીતાનું પ્રમોશન માત્ર પોતાના હસ્કી અવાજ વડે કરાવી દીધું હતું !
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment