રણઝણસિંહ અને દિપિકાવાળી !

‘કોમેન્ટેટર ગવાસ્કરની એક જરા અમથી કોમેન્ટ તો ભારે બબાલ ઊભી કરી નાંખી, બાપલ્યા !’


અમે રણઝણસિંહનાં ઘરે મોઢે બુકાની બાંધીને પ્રવેશ્યા ત્યારે એ હિંચકે બેઠાં છાપું વાંચતા બેઠા હતા. મારી વાત સાંભળીને એમણે સાવ ભલતો જ જવાબ દીધો :

“મન્નુડા, જ્યાં જુવો ન્યાં દિપિકાવાળી હાલી છે !”

“આલેલે !” અમે ગુંચવાણા. “આખી વાતમાં દિપિકા ક્યાંથી આવી ?”

“દિપિકા નંઈ તો કંગના, કંગના નંઈ તો રિયા… હંધીયુંવાળી હરખી જ હાલી છે !”

હવે અમે સામો હૂમલો કર્યો. “જુઓ, ગવાસ્કરે કોમેન્ટ્રીમાં જે કીધું ઈ અનુષ્કાને જરાય નથી ગમ્યું. એમાં જ આ સોશિયલ મિડિયાએ ઉપાડો લીધો છે. આમાં દિપિકા ક્યાંથી આવી ?”

રણઝણસિંહ એમની ફરફરતી ધોળી દાઢીમાંથી જરીક મૂછ હલાવીને એમાંથી જરીક મરક્યા. મને કહે :

“ઓલ્યો ઉમેશ યાદવ જેવો નેશનલ લેવલનો બોલર સળંગ ત્રણ ત્રણ નો બોલું નાંખે અને ઓવરમાં સત્તાવીસ રન દઈ દ્યે, એન્ગીડી જેવો ઇન્ટરનેશનલ બોલર જાણે છે કે ઓલ્યો જોફરા આર્ચર બેટ વિંઝવા માંડે તો સિકસરુંનો વરસાદ વરસાવે છે, છતાંય ઇને સાવ લોલિપોપ જેવા બોલ નાંખીને ચાર ચાર સિકસરું મારવા દ્યે, અરે, સ્ટઇન જેવો કાતિલ બોલર, જેનો બબ્બે રન આપવામાં ય જીવ બળી જાય છે, ઇ છેલ્લી ઓવરમાં જાણી જોઈને કે. એલ. રાહુલને ત્રીસ-ત્રીસ રન દઈ દ્યે છે… મન્નુડા, નજર સામે દાળમાં જે કાળું છે ઈ દેખાય છે, છતાં ય ચર્ચા કોની થાય છે ? એક અનુષ્કા અને એક ગવાસ્કરની !”

અમે જરીક ઘા ખાઈ ગયા. તોય પૂછ્યું “ઠીક, હમજ્યા. પણ આમાં દિપિકા ક્યાંથી આવી ?”

“ઇ જ જોવાનું છે ને ? સુશાંત કેસ હોય કે મેચ ફિક્સીંગ… મૂળ વાત ગાયબ છે ને ઢોલ નગારાં વાગે છે કંગના, દિપિકા અને અનુષ્કાનાં !”

***

- મન્નુ શેખચલ્લી

Comments