છોકરાંઓનું વાલીમંડળ કહે છે કે જો દિવાળી સુધી સ્કુલો ના ખુલે તો બધાને માસ-પ્રમોશન આપી દો !
અમે કહીએ છીએ કે ભઇ, એકાદ પરીક્ષા તો લો ? ભલે ઘેરબેઠાં એક્ઝામ આપો ! જુઓ આ પ્રશ્નપત્ર….
***
સવાલ (1) (ગણિત-ભૂમિતિ)
NH90 ટાઈપનાં માસ્કની આકૃતિ દોરીને તેની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, જાડાઈ વગેરે જાતે માપીને લખો. તેમજ દાળ ભરવાના દડિયા સાથે આ માસ્કની સરખામણી કરતી ટુંકનોંધ લખો.
***
સવાલ (2) (જનરલ સાયન્સ)
કોરોના વાયરસથી થતી બિમારી મટાડતા તમામ સચોટ ઘરગથ્થુ ઉપાયો વોટ્સ-એપ યુનિવર્સિટીના કોર્સમાંથી શોધીને તેની સંપૂર્ણ યાદી બનાવો.
***
સવાલ (3) (કેમિસ્ટ્રી-અર્થશાસ્ત્ર)
સેનિટાઇઝર અને વિદેશી દારૂની રાસાયણિક સરખામણી કરો. પ્રેક્ટિકલ્સ કરીને તફાવત સમજાવો.
(ખાસનોંધ : પ્રેક્ટિકલ દરમ્યાન 20 ml.થી વધુ પ્રવાહી લેવું નહીં.)
***
સવાલ (4) (ભૂગોળ)
લોકડાઉન દરમ્યાન પોલીસથી બચવા માટે તમે જે રૂટથી અવર-જવર કરી હોય તેનો નકશો દોરી તેના અગત્યના ‘ખરીદી-પોઈન્ટ’ (જેમકે ગુટકા) તથા ‘મિલન-પોઈન્ટ’ (જેમકે ગર્લફ્રેન્ડ) દર્શાવીને તેનું મહત્વ સમજાવો.
***
સવાલ (5) (ઇન્ફરમેશન ટેકનોલોજી)
લોકડાઉન પછી 'ટાઈમપાસ ફ્રોમ હોમ' માટે સૌથી સારું ડેટા-પેક કયું હતું ? અને શા માટે ? આ ડેટા-પેક દ્વારા તમે તમારી IT જાણકારીમાં કેટલી પ્રગતિ કરી ? દા.ત., કયા કયા નવાં એપ્સ, કઈ નવી ગેઈમ્સ, કેટલા નવા ઓનલાઈન ફ્રેન્ડઝ, કેટલી નવી ઉજાગરા-પધ્ધતિઓ વગેરે.
***
સવાલ (6) (સ્પોર્ટ્સ)
મોબાઈલ ગેઇમ્સ વડે તમારા અંગૂઠાઓનો કેટલો અને કેવો વિકાસ થયો છે ? સ્નાયુઓનો તુલનાત્મક અભ્યાસ કરી ટુંકનોંધ લખો.
***
સવાલ (7) (હોમ સાયન્સ)
લોકડાઉન દરમિયાન મેગી અને ચા સિવાય કઈ વાનગીઓ બનાવતાં શીખ્યા છો ? સંપૂર્ણ યાદી આપો.
અથવા... રોટલીનો લોટ બાંધવાની રેસિપી ડાઉનલોડ કરીને, લોટ બાંધવાની આખી ક્રિયાનો વિડિયો ઉતારીને, ઓનલાઇન સબમિટ કરો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment