નવા ગાયકોની બિમારીઓ, અસ્થમાથી કબજીયાત

ગયા લેખમાં છેક ’40ના દાયકા સુધી ગાયકોનાં ગળાં કેવાં બદલાઈ ગયા તેની વાત કરી હતી. બે-ત્રણ FREAK અવાજોની વાત કરી હતી.


જેમ કે શારદા, ભપ્પી લાહિરી, એસ.ડી. બર્મન, આર. ડી. બર્મન વગેરે. એમાંય આરડીએતો “દૂઈ દામ... તોરો તોરો તોરો...” અર્થાત્ ‘લેકર હમ દિવાના દિલ’ અને ‘મહેબૂબા મહેબૂબા’ જેવાં ગીતોમાં ખરેખર સ્પેશીયલ અવાજો કાઢ્યા હતા. એમના પિતાશ્રી સચિનદાએ બહુ જ ઓછા ગીતો ગાયાં અને જે ગાયાં તે ‘આકાશવાણી’ (સુત્રધાર) ટાઈપનાં ફિલોસોફીકલ ગીતો હતાં. ટુંકમાં, આવા અવાજો ક્યારેક જ ઉપયોગમાં લેવાતા હતા.

છેલ્લા પંદરેક વરસમાં આપણે માથે (એટલે કે કાને ) એવા એવા અવાજો ટીચવામાં આવ્યા છે કે વાત ના પૂછો. એમાંય અમુક ગાયિકાઓના અવાજોની તો મેડિકલ તપાસ કરાવવાની જરૂર છે !

એકાદ બે ગાયિકાઓ તો રીતસર દમ (અસ્થમા)નાં દર્દી છે ! અવાજમાં તો 'દમ' છે જ નહિ એટલે થાકેલા માંદા અવાજને ‘હસ્કી’ ટોનમાં ખપાવવામાં આવે છે. સૂર લાંબો ખેંચી જ નથી શકાતો એટલે વચ્ચે વચ્ચે, નાક વડે નહીં પણ ગળા વડે, હાંફતા હોય એમ શ્વાસ લેવો પડે છે ! આને ‘સેક્સી’ ટોનમાં ખપાવવામાં આવે છે.

આવી ગાયિકાઓને કદાચ ‘ડ્રાય થ્રોટ’ એટલેકે ગળું સુકાઈ જવાનો પ્રોબ્લેમ પણ હશે કારણ કે એમનો અવાજ વચ્ચે વચ્ચે તરડાઈને કરકરો, તડકડડિયો થઈ જાય છે. (આને કયો ટોન કહે છે તે ખબર નથી.)

અમુક ગાયિકાઓને સતત ડિપ્રેશન રહેતું હોય તેમ લાગે છે કારણ કે ભલે સાથી પુરૂષ ગાયક ઊંચા સૂરમાં ગાતો હોય, તમામ વાજિંત્રો ઊંચા સ્વરમાં વાગી રહ્યાં હોય છતાં, આ બહેન શી ખબર કયા દુઃખમાં ‘ભારે’ અને ‘નીચા’ સૂરમાં જ ગાતાં રહે છે. (બાય ધ વે, આને ‘સિલ્કી’ ટોન કહે છે.)

અમને તો ડર છે કે મોટા ભાગની ગાયિકાઓ બિચારી લઘુતાગ્રંથિથી પીડાતી લાગે છે ! આ બહેનો કદી લતાજી, આશાજી કે ઇવન ઉષા ઉત્ત્થુપની જેમ ખુલ્લાં ગળે ગાઈ જ શકતી નથી.

અમુક ગાયિકાઓને ‘વિદેશી ચેપ’ લાગ્યો છે. તેથી દરેક હિન્દી શબ્દોના ઉચ્ચારો એ રીતે કરે છે કે જાણે હમણાં જ બહેન લંડન, પેરિસ કે એમ્સ્ટરડામની ફ્લાઈટમાંથી ઉતર્યા છે.

ગાયકોમાં પણ કંઈ ઓછી વરાયટી નથી.  ’90ના દાયકામાં તો બિચારા શાનુઓ કે સોનુઓને પ્રખ્યાત ગોલ્ડન એરાના ગાયકોની નકલ કરવી પડતી હતી. પણ અહીં તો આ બિચારાઓને કબજિયાતના દરદીની નકલ કરવી પડે છે ! સંગીતના અભ્યાસુઓ કહે છે કે ગાયકનો સૂર છેક નાભિ  (દૂંટી)માંથી નીકળવો જોઈએ પરંતુ આવા ગાયકો છેક મોટા આતંરડાના અંતિમ છેડેથી અવાજો કાઢતા હોય એવું લાગે છે !

અમુક ગાયકો જીભ ઉપર વેસેલિન લગાડીને રાખે છે જેથી ગીતના શબ્દો ઓઈલ ઢોળાયેલા રોડ ઉપર વાહનો સ્લીપ ખાય એ રીતે લપસીને જ બહાર પડે છે. (અહીં ઉચ્ચારોની તો વાત જ કરવા જેવી નથી. કાને કંઈક અવાજ પડે છે એ જ ઘણું છે !)

અમુક ગાયકો તો પ્રેમાળ શબ્દોવાળા લવ-સોંગ પણ એ રીતે ગાય છે કે પેલો વિલન એનું ગળું દાબી રહ્યો છે અને ભાઈસાહેબ એ ઘોંટાઈ રહેલા ગળામાંથી, નસો ફૂલાવીને તેની પંદરમાં માળને ધાબે ઊભેલ પ્રેમિકાને સંભળાય એવી પીડાભરી રાડો પાડી રહ્યો છે !

ગાયિકોઓમાં અસ્થમા અને ડિપ્રેશનની બિમારી છે તો અહીં ગાયકોને ‘બાય-પોલર ડિસઓર્ડર’ની તકલીફ છે ! એક જ ગાયનમાં ઘડકીમાં ડૂસકાં લેશે અને બીજી જ ક્ષણે સાત ગામ દૂર બેઠેલી પ્રેમિકાને સંભળાય એ રીતે ક્રાંતિકારીની જેમ બૂમો પાડશે !

ગાયિકાઓ હાંફે છે તો ગાયકો ભૂલથી મરચું ચાવી ગયા હોય એમ સિસકારા બોલાવે છે ! અમુક ગાયકો કોગળા કરતા હોય તેમ અને અમુક તો બ્રશ કરીને ઉલ ઉતારતા હોય એવી રીતે પણ ગાઈ શકે છે !

હવે તમે જ કહો, શું આ બધાં ગીતો કંઈ મામૂલી લિસનર્સ માટે છે ? ના, આ તો સ્પેશીયાલિસ્ટ ડોક્ટરો માટેનાં ગીત છે !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

  1. મોટા આતંરડાના અંતિમ છેડેથી અવાજો કાઢતા હોય એવું લાગે છે !
    Jordaar... 👍

    ReplyDelete

Post a Comment