હાસ્યકથા : કામાતુર કૉલ-સેન્ટરવાળી


જિગ્નેશ બિચારો સળંગ દોઢ વરસથી અમેરિકામાં સાવ કોરો રહી ગયો હતો. આંબલિયાસણ ગામમાં જન્મેલો અને મહેસાણા ગામમાં ભણીને ગ્રેજ્યુએટ થયેલો જિગ્નેશ અમેરિકામાં ‘કોમ્પ્યુટરનું’ ભણવા આવ્યો હતો.

આવતાં પહેલાં તો હોલીવૂડની ‘ઇંગ્લીસ’ પિક્ચરો મોબાઈલમાં જોઈ જોઈને એમ જ લાગતું હતું કે અહીંની ગોરી, સેક્સી, બિન્દાસ છોકરીઓને પટાવવા માટે બે બાટલી બિયર અને એક મોટેલની રૂમની જ જરૂર હોય છે. છેક અહીં આવ્યા પછી ખબર પડી કે એવું કશું હોતું જ નથી.

ઉલ્ટું, વીક-એન્ડમાં દેશી રૂમ-પાર્ટનરો જોડે રાત્રે કોઈ બારમાં જઈને સસ્તામાં સસ્તી બિયર ખરીદીને ઘુંટડા ભરતાં ભરતાં ગોરીઓને દૂરથી ‘ઝાંખવા’ સિવાય મામલો કદી આગળ વધ્યો જ નહોતો. એક બે વાર જિગ્નેશ ઉર્ફે ‘જિગ્સ’ બનીને, અઢી બિયરના નશા પછી ગોરીઓ પાસે જઈને ‘હાય, આય એમ જિગ્સ ! યુ વાના હેવ ફન વિથ મિ ?’ એવું બોલ્યો હતો ખરો પણ એ વખતે ત્રણે ગોરીઓ એની સામે એ રીતે જોઈ રહી હતી કે જાણે આ જિગ્સ કોઈ પરગ્રહ ઉપરથી આવી ચડ્યો હોય !

એક તો સાલું, દરેકે દરેક ચીજની કિંમતનો ગુણાકાર ડોલરના ભાવથી (ઇઠ્ઠોતેર ગુણ્યા એક એ રીતે) કરવાનો હોય ત્યાં આંબલિયાસણમાં ભણેલું મેથ્સ આડે આવી જતું હોય. એમાં પેલી રંગબિરંગી SEX SHOPની નિયોન લાઈટો ઝબકતી હોય એવા કોઈ એરિયામાં જવાની તો હિંમત જ ક્યાંથી થાય ?

જિગ્સ બિચારો એક રાત્રે એમના ભાડુતી એપાર્ટમેન્ટમાં છેક અઢી વાગ્યા સુધી પેલી ‘ફ્રી’ ચેનલોની લેટ-નાઈટ જાહેરખબરો જોતાં જોતાં બે દિવસ પહેલાંનો વધેલો પિત્ઝાનો ટુકડો ચાવતો બેઠો હતો. ટીવીમાં પરસેવા વડે વજન ઘટાડવાની, પાવડર ખાઈને મસલ્સ બનાવવાની, હવા ભરીને સોફા બનાવવાની, તેલમાલિશ કરીને રાતોરાત સેક્સ પાવર વધારવાની એવી બધી એડ્ઝ ચાલતી હતી ત્યાં જિગ્સની નજર પડી… CALL 1-900-HOT.TALK નામની સાપની માફક સરકતી સ્ક્રોલ-પટ્ટીની એડ. ઉપર !

‘ધેટ્સ ઇટ !’ જિગ્સને થયું. “યાર, કમ સે કમ હોટ હોટ વાતો તો કરીએ ?” એણે પેલો નંબર એન્ટર કર્યો.

અંદરથી મેસેજ પોપ-અપ થયો. Only $1.99 per minuter. First three minutes free !

જિગાએ તરત જ ગણી કાઢ્યું મિનિમમ દોઢસો પોણી બસ્સો રૂપિયા અને પછી ? ...આપણાથી ‘કંટ્રોલ’ થાય એટલું નહિતર ‘કંટ્રોલ બહાર’ જાય એટલું !

જિગ્સે ‘યસ’ કર્યું કે તરત મીઠા લીમડાની ગળી કઢી જેવો છોકરીનો અવાજ સંભળાયો. ‘હાય ! વેલકમ ટુ ધ નાઈટ ઓફ યોર ડ્રીમ્સ…’

એટલું જ નહીં, એમાં ઓપ્શન હતા કે તમારે કઈ ટાઈપની HOT સુંદરી સાથે વાત કરવી છે ? સ્વિડીશ સિંગર, જાપાનિઝ ગેઈશા, રશિયન રોબસ્ટ, અરેબિયન ડાન્સર કે અમેરિકન ફૂટબોલ ચિયર-લીડર ?

જિગ્સને તરત જ કરણ જોહરની ફિલ્મોમાં ટુંકી ચડ્ડી અને ટુંકા ટી-શર્ટમાં નાચતી સોનેરી વાળવાળી સેક્સી સુંદરીઓ દેખાવા લાગી ! તેણે તરત એ જ ઓપ્શન પસંદ કર્યો… રીંગ જવા લાગી…

સામેથી ‘ક્લીક’ અવાજ સાથે ફોન કનેક્ટ થયો અને સંભળાયું ‘યોર ફ્રી થ્રી મિનિટ્સ સ્ટાર્ટ નાવ !’ એ તો ઠીક, એ પછી જિગાને જે હસ્કી વોઈસમાં ‘હાઆઆય!’ સંભળાયું એમાં જ એ હલબલી ગયો.

‘હાય !’ જિગાએ કહ્યું. સામેથી પેલી રેશમ જેવા અવાજમાં બોલી. ‘વેલકમ ટુ ધ નાઈટ ઓફ યોર ડ્રીમ્સ… ડિયર ! વોટ ઈઝ યોર નેમ ?’

જિગાએ કહ્યું ‘જિગ્સ ! કોલ મિ જિગ્સ !’ સામેથી કંઈ જવાબ આવે એ પહેલાં જ જિગાને કોલના બેકગ્રાઉન્ડમાં સંભળાયું :

“એ છોટુ, ચાય ઈધર રખ !”

જિગ્સ થંભી ગયો ! બીજી જ ક્ષણે એને લાઈટ થઈ ! સાલો કોલ તો કોઈ ઇન્ડિયાના કોલ-સેન્ટરમાં લાગ્યો છે ! તરત જ પોતાનો દોઢ વરસમાં શીખેલો અમેરિકન એકસન્ટ પડતો મુકતાં જિગ્સ બોલી ઉઠ્યો :

“ઓ હલો ! યુ સ્પિકીંગ ફ્રોમ ઇન્ડીયા, નો ?”

સામે છેડે પણ થોડો એકસન્ટ બદલાયો. “યસ યસ, હોં !”

જિગાએ ‘હોં’ સાંભળતાં જ પુછ્યું ‘ગુજરાતી ?’

પેલીઓ કીધું “હોવે !”

જિગો ઉછળ્યો “મું મહેસોણાનો ! તમી ક્યોંના ? ”

સામે છેડેથી સંભળાયું “હાય હાય મું ય મેંહોંણાની છું ! અંઈ ગડી અમદાવાદના કોલ શેન્ટરમોં…”

બસ, પછી તો જિગાએ ઘડિયાળ તરફ જોવાનું માંડી જ વાળ્યું ! એ રાતે જીગાને પુરા 67 ડોલર એટલે કે 5000 રૂપિયાની ચાકી ચડી ગઈ.

લોચો એટલો જ થયો કે પેલી એનો વોટ્સએપ નંબર આપે એ પહેલાં સાલો, ‘કૉલ-ડ્રોપ’ થઈ ગયો !

***

- મન્નુ શેખચલ્લી

E-mail : mannu41955@gmail.com

Comments

Post a Comment